વલસાડ : 10 મિનિટ સુધી ખૂંખાર દીપડી સાથે બાથ ભીડીને પુત્રે પિતાને બચાવ્યા
Trending Photos
વલસાડ :વલસાડમાં ગઈકાલે વહેલી સવારે ઢોર ચરાવી રહેલા પિતા પર અચાનક દીપડીએ હુમલો કર્યો હતો. દીપડી સામે બાથ ભીડી રહેલા પિતાની બૂમો સાંભળતા જ પુત્ર આવી ચઢ્યો હતો અને તેણે પિતાને દીપડીથી બચાવ્યો હતો. જોકે, વૃદ્ધ પિતા દીપડીના હુમલાથી ઈજાગ્રસ્ત થયા હોવાથી તેમને સારવાર માટે ખસેડાયા હતા.
ગુજરાતમાં દીપડાના હુમલા અને આતંકના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. આ જંગલી પ્રાણી માણસ દેખા દેતા જ તેના પર હુમલો કરે છે. ત્યારે ધરમપુર તાલુકાના જામલીયા ગામે ડુંગર પર પોતાના પુત્ર સાથે ઢોર ચરાવવા ગયેલા દેવરામભાઈ પવાર પર દીપડાએ હુમલો કર્યો હતો. દેવરામભાઈ ઢોર ચરાવી રહ્યા હતા, ત્યારે તેમનો પુત્ર રમેશ કેટલાક પશુઓ સાથે દૂર ઉભો હતો. ત્યારે બે બચ્ચાઓ સાથે એક દીપડી ત્યા આવી ચઢી હતી. આ જોતા જ દેવરામભાઈ ફફડી ઉઠ્યા હતા. તેમણે દીપડીને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ ખૂંખાર દીપડીએ તેમના પર હુમલો કર્યો હતો.
દેવરામભાઈએ બૂમાબૂમ કરતા તેમનો પુત્ર રમેશ આવી ચઢ્યો હતો. દીપડી અને દેવરામભાઈ વચ્ચે લગભગ 10 મિનિટથી વધુ સમય જીવ સટોસટની લડાઈ ચાલી હતી. દીપડી સાથે બાથ ભીડી રહેલ પિતાની બૂમો સંભળાતા પુત્ર તેમની મદદે આવ્યો હતો. પુત્રએ લાકડીથી દીપડીનો પ્રતિકાર કર્યો હતો. જેથી દીપડી ભાગી ગઈ હતી. ઇજાગ્રસ્ત પિતાને સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે