સમગ્ર ગુજરાતમાં હીટવેવ : કારણ વગર બહાર ન નીકળવાની સલાહ
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગરમીએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો આવી ગયા છે. ત્યારે ગરમી અંગે હવામાન વિભાગે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. આજે શુક્રવારે તાપમાન 43 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તેથી જો કામથી બહાર નીકળવાના હોય તો સાચવજો. તો બાકીના દિવસમાં તાપમાન 42 ડીગ્રી રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ એલર્ટ આપી દેવાયું છે. માત્ર અમદાવાદમાં જ નહિ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં પણ આકરો તાપ પડી રહ્યો છે.
ક્યાં કેટલો ગરમીનો પારો
- અમદાવાદ 43.7
- ગાંધીનગર 42.6
- વડોદરા 41.2
- અમરેલી 43.2
- સુરેન્દ્રનગર 43.4
- ડીસા 43.4
- રાજકોટ 42.6
- ભાવનગર 40.1
- ભૂજ 42.5
અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં પણ એલર્ટ આપી દેવાયું છે. આજે શુક્રવારે ગરમીનો પારો 43 ડિગ્રી રહેવાની શક્યતા છે. જોકે, શનિવારથી ગરમી ઘટશે તેવી પણ શક્યતા છે. કોર્પોરેશનના આંકડા મુજબ, શનિવારે 42 ડિગ્રી, રવિવારે અને સોમવારે 41 ડિગ્રી તથા મંગળવારે 40 ડિગ્રીનો પારો રહે તેવી શક્યતા છે.
ગરમીથી બચવા શું કરવું
હેલ્થ એક્સપર્ટસનું કહેવું છે કે, ગરમીમાં તમામ લોકોએ બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. તરસ ન લાગી હોય તો પણ પુષ્કળ માત્રામાં પાણી પીવું. ઓઆરએસ, લીંબુ પાણી, લસ્સી, છાશ, વરિયાળી શરબત વગેરેનું સતત સેવન કરવું. આછા રંગના, હળવા સુતરાઉ કપડા પહેરવા. બહાર નીકળતા સમયે ટોપી, છત્રી, સ્કાર્ફ, ગોગલ્સનો ઉપયોગ કરવો. તેમજ ફિલ્ડમાં ફરનારા લોકોએ સમયાંતરે છાયડામાં આરામ કરી લેવો. બપોરે 12થી 3 વાગ્યા સુધી તડકામાં ન નીકળવું. રસોઈ કરતા સમયે બારી દરવાજા ખુલ્લા રાખવા. ખાવામાં ચા-કોફી કે અન્ય ગરમ પીણાં, તથા વાસી અને તળેલા ખોરાકનો ઉપયોગ ઓછો કરવો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે