Lok Sabha Election 2024: ગુજરાતની આ બેઠક પર દેશભરની નજર, માંડવિયા માટે દિલ્હીએ પાડ્યો મોટો ખેલ
Manshukh Mandaviya : દેશના આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા હવે ભાવનગરને બદલે પોરબંદરમાં ચૂંટણી લડી રહ્યાં છે. માંડવિયા માટે સીટ બદલાઈ છે પણ દિલ્હીએ પાડેલો ખેલ એમના માટે લાભદાયી સાબિત થયો છે. જાણો શું છે આ ખેલ અને એની ઈનસાઈડ સ્ટોરી....
Trending Photos
Gujarat loksabha Election : ગુજરાતમાં પોરબંદરની સીટ પર દેશભરની નજર છે. અહીંથી ભાજપના દિગ્ગજ નેતા અને મોદી સરકારના આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા ચૂંટણી લડી રહ્યાં છે. એક સમયે પોતાના હોમટાઉનમાંથી દેશના આરોગ્યમંત્રી ચૂંટણી લડશે તેની ચર્ચાઓ વચ્ચે આપે ભાવનગરમાં ઉમેશ મકવાણાને ઉતારી કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લેતાં મનસુખ માંડવિયાએ પોતાનું કદ જાળવી રાખવા માટે માત્ર જીત નહીં પણ મોટી જીત હાંસલ કરવી એ પડકાર બનતાં આખરે હાઈકમાને પોરબંદરની પસંદગી કરી હતી. પોરબંદર એ ભાજપ અને કોંગ્રેસ બંનેનો ગઢ ગણાય છે. અહીં કોંગ્રેસનો પણ દબદબો છે. ગત લોકસભામાં ભાજપે આ સીટ 2.29 લાખ મતથી જીતી હતી. પોરબંદરથી કોંગ્રેસ મોઢવાડિયાને લોકસભાની ચૂંટણીમાં ઉતારે તેવી સંભાવના હતી. મોઢવાડિયા સાથે ભાજપે કરેલી ડિલમાં ભાઈનો મામલો અટકતાં સમગ્ર બાબત ટલ્લે ચડી હતી. હવે આ બેઠક માંડવિયાના ફાળે જતાં આખરે આ પ્રકરણમાં દિલ્હીએ રસ લઈ મોઢવાડિયા આ સીટ પર નડે એ પહેલાં ખેલ પાડી દીધો હતો.
રાદડિયા અને મોઢવાડિયા મહત્વનાં
માંડવિયા માટે અર્જુંન મોઢવાડિયાના પક્ષ પલટા પછી અહીં જીત અઘરી નથી પણ 5 લાખ મતથી જીતવી એ સરળ પણ નથી. માંડવિયાને જીતાડવા માટે અર્જુંન મોઢવાડિયાનું ઓપરેશન પાર પડાયું છે. મોઢવાડિયા પોરબંદરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. અર્જુંન મોઢવાડિયાનો અહીં સિક્કો ચાલે છે. ભાજપને ડર હતો કે, માંડવિયા જીતે તો પણ ઊંચી લીડથી નહીં જીતે તો એમના વટનો સવાલ હતો. હવે ભાજપે અહીં ખેલ પાડ્યો હોવા છતાં રાદડિયાને પણ સાચવવા પણ જરૂરી છે. હાલમાં તો રાદડિયા મનસુખ માંડવિયાને જીતાડવા કમરકસી રહ્યાં છે પણ રાજકારણમાં કોઈ કોઈનો સગો હોતો નથી. રાદડિયા સહિત આ બેઠક જીતવા માટે મોઢવાડિયા પણ અતિ અગત્યના છે. મહેર સમાજના વોટ સમીકરણો બદલી શકે છે.
માંડવિયા માટે બહારના વ્યક્તિનો ટેગ
એવું કહેવાય છે કે ભાજપ પોરબંદરની પેટાચૂંટણીમાં અર્જુંન મોઢવાડિયાને અહીંથી ઉતારવાની છે. જેને પગલે માંડવિયાને સીધો ફાયદો મળશે. ભાજપને અહીંથી મહેર સમાજના મતો મળવાની પણ મોટી આશા છે. પોરબંદરમાં બહારના વ્યક્તિના ટેગનો સામનો કરી રહેલા માંડવિયા માટે પણ રાદડિયા પરિવાર પણ અતિ અગત્યનો છે.
પોરબંદરમાં પહેલેથી જ કોંગ્રેસની સ્થિતિ મજબૂત રહી છે. પોરબંદરમાં માંડવિયાને ટિકિટ અપાતાં ભાજપે ઓપરેશન પાર પાડ્યું છે. પોરબંદર લોકસભા બેઠક એવી છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંનેનું વર્ચસ્વ રહ્યું છે. છેલ્લી 2 લોકસભામાં તો ભાજપે અહીં વનવે જીત મેળવી છે. આ બેઠક પરથી કોંગ્રેસના નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ 2009માં ભાજપને હરાવ્યું હતું. જોકે બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.
કુતિયાણામાં કોંધલનો દબદબો
2019ના ડેટા જોઈએ તો પોરબંદર વિધાનસભામાં 16.32 લાખ મતદારો હતા. જેમાંથી 9.51 લાખ લોકોએ વોટિંગ કર્યું હતું. આમ આ લોકસભા પર 57 ટકા વોટિંગ થયું હતું. 2024માં 18 લાખની આસપાસ મતદારો થયા હોય તો પણ ભાજપે અહીં 70 ટકાથી વધારે મતદાન કરાવવું એ જરૂરી છે. ગત લોકસભામાં લલિત વસોયાને 3.34 લાખ વોટ મળ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ સીટ પર 2.29 લાખ મતોથી જીત મેળવી હતી. માંડવિયા અહીં વન વે જીત મેળવે તો પણ 5 લાખની લીડથી જીતવું એ અઘરું છે. પોરબંદર વિધાનસભામાં ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર, કુતિયાણા, માણાવદર અને કેશોદ વિધાનસભા આવે છે. અહીં કુતિયાણા બેઠક પર એસપીના ધારાસભ્ય છે. અહીં કોંઘલ જાડેજાનો દબદબો છે. ભાજપે ઓપરેશન લોટસ અંતર્ગત પોરબંદર અને માણાવદરના 2 કોંગ્રેસી ધારાસભ્યોને ભાજપમાં ભેળવી દઈને માંડવિયાને સીધો ફાયદો કરાવ્યો છે પણ અહીંની પ્રજા આ પક્ષપલટાને અવગણે એ પણ જરૂરી છે. પોરબંદર બેઠક એ ભાજપ અને કોંગ્રેસ બંનેનો ગઢ ગણાય છે પણ આ સમયે સમીકરણો માંડવિયાની તરફેણમાં છે. આમ છતાં લલિત વસોયાને અવગણવા ભારે પડી શકે છે. લલિત વસોયા એ પાટીદાર સમાજના નેતા છે. જેઓએ 2019ની લોકસભામાં 3.34 લાખ મત મેળવ્યા હતા.
જયેશ રાદડિયાની પણ હતી નજર
વિઠ્ઠલ રાદડિયા આ બેઠક પર સતત ત્રણ વખત જીત્યા હતા. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ખેડૂત આગેવાન અને સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા જયેશ રાદડિયા આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા માંગતા હતા. ગુજરાતમાં કેબિનેટ મંત્રીમાંથી તેમનું પત્તું કપાયા બાદ મોદી સાથે સારા સંબંધોને કારણે એવી ચર્ચા હતી કે તેઓ પિતાનો વારસો સંભાળશે. પોરબંદરની સીટ પર રાદડિયા પરિવારનો ઘણો પ્રભાવ છે. આ બેઠક માટે જયેશ રાદડિયાએ પણ પ્રયાસો કર્યા હતા પણ ભાજપે આ બેઠક દેશના આરોગ્યમંત્રી અને લેઉવા પાટીદાર મનસુખ માંડવિયાને ફાળવી છે. ભાજપ માટે આ સીટ જીતવી એ વટનો સવાલ છે કારણ કે દેશના આરોગ્યમંત્રી અને દિલ્હી હાઈકમાન્ડના નજીકના માંડવિયા અહીંથી ચૂંટણી લડી રહ્યાં હોવાથી દેશભરની આ બેઠક પર નજર છે.
2019થી મતોનું બદલાયું ચિત્ર
2009થી લઈને 2017 સુધી આ સીટ પર ભાજપ અને કોંગ્રેસને મળતા મતોની ટકાવારીમાં સામાન્ય તફાવત રહ્યો છે. 2019થી અહીં ચિંત્ર બદલાયું છે અને ભાજપ આગળ રહી છે. 2022ની વિધાનસભામાં અહીં કોંગ્રેસને 29.3 ટકા તો ભાજપને 44.9 ટકા વોટ મળ્યા હતા. છેલ્લી 3 લોકસભાની વાત કરીએ તો 2009માં અહીંથી સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા વિજેતા થયા હતા. જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ 2014માં અહીંથી સાસંદ બન્યા હતા. 2019માં અહીં ભાજપે રમેશ ધડૂક પર દાવ ખેલ્યો હતો. આ લોકસભાની ચૂંટણીમાં જયેશ રાદડિયા પણ દાવેદાર હતા પણ ભાજપે ધારાસભ્યોને ટિકિટ ન આપવાનું જણાવી પહેલેથી જ રાદડિયાનું પત્તું કાપી દીધું હતું. આજે રાદડિયા મનસુખ માંડવિયાને જીતાડવા માટે કમર કસી રહ્યાં છે. અર્જુંન મોઢવાડિયા પોરબંદર સીટ પરથી પેટા ચૂંટણી લડ્યા તો ભાજપને અહીં ફાયદો થવાની સંભાવના છે. લલિત વસોયા અહીં ધમપછાડા કરે તો પણ મનસુખ માંડવિયા જેવા કદાવર નેતાને અહીં હરાવવું એ કપરું છે. ભાજપે અહીં પહેલેથી જ સોગઠા ગોઠવી માંડવિયાની જીતને આસાન બનાવવાનો પ્રયાસ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે