દિવાળીના દિવસે આગના સૌથી વધુ બનાવો રાજકોટ-સુરતમાં બન્યા, 125 જેટલા કોલ આવ્યા
Fire On Diwali Night : દિવાળી રાતે ગુજરાતમાં ઠેરઠેર ફટાકડા ફોડાયા હતા... જેને કારણે અનેક ફેક્ટરી, ગોડાઉન, ગૌશાળામા આગના બનાવો બન્યા.... સૌથી વધુ સુરત અને રાજકોટમાં આગના કોલ આવ્યા હતા
Trending Photos
Diwali 2023 : આ દિવાળીની રાતે લોકોએ મનભરીને ફટાકડા ફોડ્યા હતા. વહેલી સવાર સુધી ફટાકડાનો અવાજ આકાશમાં ગુંજતો રહ્યો હતો. પરંતુ કોઈની મજા કોઈ બીજા માટે સજા બની રહી હતી. દિવાળીની રાતે ફટાકડાને કારણે ગુજરાતમાં ઠેરઠેર આગના બનાવો બન્યા હતા. લગભગ ડઝનેક જગ્યાઓ પર આગ લાગી હતી. જેથી ફાયર વિભાગની ટીમો મોડી રાત સુધી દોડતી રહી હતી. ફાયર વિભાગમાંથી પ્રાપ્ત આંકડા અનુસાર, માત્ર રાજકોટ એકલમાં દિવાળીના દિવસે 124 જેટલા આગના બનાવો બન્યા હતા. તો સુરતમાં 125 સ્થળોએ આગની ઘટના બની હતી.
રાજકોટમાં આગના બનાવો વધ્યા
રાજકોટમાં માત્ર દિવાળીના દિવસે જ 124 જેટલા આગના બનાવો બન્યા હતા. 12 નવેમ્બર સવારે 8 વાગ્યાથી લઈને 13 નવેમ્બર સવારે 8 વાગ્યા સુધીમાં 124 આગના બનાવવાનો આંકડો નોંધાયો હતો. દિવાળીના પર્વ પર સૌથી વધુ આગ ખુલ્લા વંડાઓ કચરાના ઢગલાઓ 114 જેટલી આગ લાગી હતી. તો 3 જેટલા રહેણાંક મકાનોમાં આગ લાગી હતી. જ્યારે 3 જેટલી આગ ઓફિસોમાં લાગી હતી. આ ઉપરાંત 3 જેટલા આગના બનાવો ઔદ્યોગિક એકમોમાં બન્યા હતા. 11 નવેમ્બરે 14 જગ્યાએ આગના બનાવ બન્યા હતા. તેમજ 10 નવેમ્બરે 8 જગ્યાએ આગના બનાવ બન્યા હતા તેવું ફાયર અધિકારી રહીમ જોબણે જણાવ્યું.
સુરતમાં આગના બનાવો
સુરતમાં દિવાળીની રાતે આગની ઘટનાઓ યથાવત જોવા મળી હતી. શહેરમાં ફાયર વિભાગ આખી રાત દોડતું રહ્યું હતું. જેમાં સમગ્ર સુરત શહેરમાં કુલ 125 સ્થળોએ આગની ઘટનાઓ બની હતી. જેમાં શહેરના ફાયર વિભાગને સેન્ટ્રલ ઝોનમાં કુલ 8 કોલ, અઠવાઝોનમાં કુલ 19 કોલ, રાંદરે ઝોનમાં કુલ 29 કોલ, ઉધના ઝોનમાંમાં 14 કોલ, લિંબાયત ઝોનમાં 16 કોલ, કતારગામ ઝોનમાં 18 કોલ અને વરાછા ઝોનમાં 21 કોલ મળ્યા હતા
સુરતમાં બનેલી આ તમામ આગની ઘટનાઓમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. તમામ જગ્યાઓ ઉપર ફટાકડાના કારણે આગ લાગી હતી. જોકે ગત વર્ષ 2022માં સુરત શહેરમાં દિવાળીની રાત્રી દરમિયાન ફાયર વિભાગને કુલ 53 કોલ મળ્યા હતા. અને વર્ષ 2021માં સુરત શહેરમાં દિવાળીની રાત્રી દરમિયાન ફાયર વિભાગને કુલ 153 કોલ મળ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે