કેસરી કેરીના ચાહકોને 440 વોટનો ઝાટકો લાગે એવા સમાચાર
અમદાવાદ સહિત રાજકોટ જેવા મહાનગરમાં ઉનાના ગરાળ મોઠાની કેરીના ભાવ તાલાલાની કેસર કેરી કરતા પણ વધારે ભાવ ઉપજે છે
Trending Photos
ઉના : ઉના તાલુકો કેસર કેરી માટે પ્રખ્યાત છે અને અહીં આગોતરી કેરી પાકે છે. તાલાલાની કેસર કેરી કરતા અહીંની કેરી 25 દિવસ આસપાસ વહેલી બજાર માં આવી જાય છે. ઉના તાલુકાના અંજાર અમોદ્રાથી લઇને ગરાળ અને મોઠા સુધી હજારો આંબા અને આંબાવાડી આવેલ છે.
ઉનાની કેસર કેરી એની મીઠાસના કારણે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. અમદાવાદ સહિત રાજકોટ જેવા મહાનગરમાં ઉનાના ગરાળ તેમજ મોઠાની કેરીના ભાવ તાલાલાની કેસર કેરી કરતા પણ વધારે ભાવ ઉપજે છે પણ ચાલુ વર્ષે સતત થયેલ ઝાકળવર્ષાને કારણે પાકને ભારે અસર થઈ છે. આંબામાં માગશર મહિનાથી મોર બેસવાની પ્રક્રિયા થાય છે અને તે મોરમાંથી કેરી ઉગે છે પણ ચાલુ વર્ષે મોર બેસવાના સમયે સતત ઝાકળવર્ષા થઈ હતી જેના લીધે મોર ખરી જવા પામ્યા હતા અને કેરીનું ઉત્પાદન 50 ટકાથી પણ ઓછું થયું છે.
હવામાન વિભાગની આવતા 48 કલાકમાં વરસાદની આગાહી થતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. એક તરફ કેરીનો ફાલ ઓછો છે અને એમાં પણ જો વરસાદ થશે તો જે બચ્યો છે તે પાક પણ નિષ્ફળ જાય તેવી ભીતિ છે. ગત સાલ કેરીની શરૂઆતમાં 10 કિલોના 1100 આસપાસ બોક્સના ભાવ મળ્યા હતા. આ વખતે પાક ઓછો છે ત્યારે જો વરસાદ પડશે તો પાક નિષ્ફળ જશે અને ખેડૂતનું આખું વર્ષ અને મહેનત બરબાદ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે