જૂનાગઢમાં 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન યોજાશે મીની કુંભ

રાજય સરકાર દ્વારા પ્રથમવાર આયોજીત મીની મહાકુંભ મેળામાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજરી આપશે, હવેથી દર મહાશિવરાત્રી પર્વ નિમિત્તે યાજાશે મીની કુંભ, દેશભરના સાધુ સંતો માટે ત્રણ દિવસના સંત સંમેલનનું પણ કરાયું આયોજન 

જૂનાગઢમાં 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન યોજાશે મીની કુંભ

હિતલ પારેખ/ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢમાં આગામી 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન મીની કુંભ યોજાશે. આ સાથે જ સરકારે એવી પણ જાહેરાત કરી છે કે હવેથી દર વર્ષે મહાશિવરાત્રી પર્વ નિમિતે રાજ્યમાં મીની કુંભનું આયોજન કરાશે. આ મીની કુંભમાં દેશભરના સાધુ સંતો માટે ત્રણ દિવસના સંત સંમેલનનું પણ આયોજન કરાયું છે. 

મહાશિવરાત્રી ના પર્વ નિમિત્તે આગામી 27 ફેબ્રુઆરી થી ૪ માર્ચ સુધી આ મીની કુંભ મેળો જૂનાગઢના ગિરનાર પર્વતની તળેટીમાં યોજવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ મીની કુંભમાં હાજરી આપશે. સાથે જ દેશભરના સાધુ સંતો માટે ત્રણ દિવસના સંત સંમેલનનું પણ આયોજન કરાયું છે.

આ અંગે માહિતી આપતા પ્રવાસન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે, રાજ્યમાં પ્રથમ વખત મીની કુંભનું આયોજન કરાયું છે. જેમાં ત્રણ દિવસ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કૈલાશ ખેર જેવા કલાકારો લેશે ભાગ. સંત સંમેલનમાં મોરારીબાપુ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સાધ્વી ઋતંમ્ભરા સહિતના અનેક સંતો હાજરી આપશે.

ગીરનારની તળેટીમાં યોજાનારા આ મીની કુંભમાં લેસર અને લાઇટ શો પણ યોજવામાં આવશે. જૂનાગઢના શિવરાત્રી મેળાની ખાસ વિશેષતા ગણાતી રેવાડી પણ ભવ્ય રીતે કાઢવામાં આવશે. 4 માર્ચના રોજ મેળાના અંતિમ દિવસે સાધુ બાવાઓની રેવાડી નિકળશે.

હાલમાં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભનો અભ્યાસ કરીને રાજ્યમાં જૂનાગઢ ખાતે મીની કુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે જ વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે તથા મીની કુંબને વૈશ્વિક ઓળખ આપવા માટે પ્રથમ વખત અહીં 50 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ પણ બનાવાશે. જેને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવાનો દાવો કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news