ભાજપમાં લોકસભા ચૂંટણીનો ધમધમાટ, રાજ્યની 26 લોકસભા બેઠક જીતવા ઘડાઈ રણનીતિ
રાજ્યમાં લોકસભાની તમામ બેઠકો પર ભગવો લહેરાવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ આરંભી દીધી છે, રાજ્યના બજેટસત્ર પહેલા 9થી વધુ સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે, કેન્દ્રીય નેતાગીરીના ગુજરાતમાં ધામા
Trending Photos
કિંજલ મિશ્રા/ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત લોકસભાની 26 બેઠક પર ફરીથી ભગવો લહેરાવવા રણનીતિ ઘડવામાં આવી છે. જેના ભાગ રૂપે રાજ્યના બજેટ સત્ર પહેલા 9 થી વધારે સમેલનો રાજ્યભરમાં યોજાશે. આ સંમેલનોમાં કેન્દ્રના દિગગજ નેતાઓ હાજરી આપે તેવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતા ત્રણ રાજ્યમાં ભાજપનો પરાજય થતાં હવે આગામી લોકસભા 2019ની ચૂંટણી ભાજપ માટે કરો યા મરો જેવી સ્થિતિ છે.
ચૂંટણીની તૈયારીના ભાગરૂપે છેલ્લા કેટલાક સમયથી 'નમો અગેઈન'ના નારા સાથેનું કેમ્પેઈન ભાજપ દ્વારા શરૂ કરી દેવાયું છે. ગુજરાતમાં 2014ની સરખામણીએ ધરખમ રાજકીય અને સામાજિક પરિવર્તન આવ્યું છે. આથી ભાજપ દ્વારા કાર્યકર્તાઓને અત્યારથી જ કમર કસીને મેદાને લાગી જાવા આદેશ આપવામાં આવ્યો છે. ભાજપે 1 ફેબ્રુઆરીથી લોકસભા બેઠક પ્રમાણે કલ્સટર બનાવીને કાર્યકર્તા સંમેલન યોજવાનું નક્કી કર્યું છે.
ભાજપના વિવિધ રાજ્યોનાં મુખ્યમંત્રીઓને બોલાવાશે
રાજ્યમાં યોજાનારા 9 જેટલા સંમેલનમાં કેન્દ્રીય નેતૃત્વને મેદાને ઉતારવામાં આવશે. જેમાં મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, મહારાષ્ટ્રના સીએમ ફડનવીસ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ રાજ્યની રાજનીતિમાં રંગ પૂરતા જોવા મળશે. આ કાર્યક્રમના સ્થળ અને સમય આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે.
પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ યોજાશે
આ સાથે જ કાર્યકર્તાઓ સાથે પ્રજામાંથી પણ પ્રતિસાદ મેળવવો જીત માટે જરૂરી છે એ વાતને ધ્યાને રાખીને ભાજપે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવાનું નક્કી કર્યું છે. જેમાં ઉદ્યોગપતિ, ડોકટર, વ્યાપારીઓ, કલાકાર, ખેલાડીઓ, બુદ્ધિજીવીઓ અને સમાજના વિવિધ વર્ગના અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવશે. આ સંમેલનમાં ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કરાશે.
31 જાન્યૂઆરી સુધી સ્થાનિક બેઠકો પૂર્ણ કરવા આદેશ
આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું કે, સોમવારે દિવસ દરમિયાન જુદી-જુદી સંગઠનાત્મક બેઠકો યોજાઇ હતી, જેમાં અલગ-અલગ મોરચા, સેલ તથા જિલ્લા સ્તરનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે. બેઠક માં 31 જાન્યુઆરી સુધીમાં 583 મંડળોની 268 સ્થાને બેઠક પૂર્ણ કરવા સૂચન અપાયું. 7 મોરચાના અધ્યક્ષો સાથે પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીની બેઠક યોજાઈ હતી, જેમાં અત્યાર સુધી થયેલા કાર્યક્રમો અંગે રિપોર્ટિંગ લેવાયું હતું. 2019માં ગુજરાત ની 26 લોકસભા જીતવાના સંકલ્પ સાથે રોડમેપ અંગે ચર્ચા થઈ હતી.
પ્રદેશ નેતૃત્વની પોલ પકડાઈ
જોકે, સોમવારની બેઠકમાં પ્રદેશ નેતૃત્વની પોલંપોલ પણ ઉઘાડી પડી ગઈ છે. પ્રદેશ નેતૃત્વ દ્વારા છેલ્લા ઘણા સમયથી કેન્દ્રમાંથી તૈયાર કરવામાં આવેલા કાર્યક્રમ માત્ર હાજરી પુરવા માટે થતા હોવાનું સામે આવ્યું છે. રાજ્યના પ્રભારી ઓમ માથુરે ખાટલા બેઠકનું ઉદાહરણ આપીને ટકોર કરી હતી કે, તમામ કાર્યક્રમ શહેર અને ગ્રામીણ વિસ્તારમમાં સરખી રીતે યોજવા જોઈએ. કેટલાક કાર્યક્રમમાં નેતાઓ અને કાર્યકર્તાઓની પાંખી હાજરીની નોંધ લેવામાં આવી છે અને આગામી સમયમાં કાર્યક્રમમાં કોઈ ક્ષતિ ના રહી જાય તેની કડક સૂચના આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે