ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી : અંબાલાલ પટેલે જુલાઈ મહિના માટે કરી આગાહી
Gujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસાની પ્રક્રિયા થઈ ચુકી છે શરૂ... આવતી કાલથી ગુજરાતમાં વિધિવત ચોમાસાની થશે શરૂઆત... આજથી 4 દિવસ રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી...
Trending Photos
Ambalal Patel Prediction : આવતી કાલથી ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થશે. પરંતું અત્યારથી જ ચોમાસાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. આગામી 4 દિવસ રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં આજે સવારે 6થી 8 વાગ્યા સુધી 21 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ખેડાના વસો અને પંચમહાલના હાલોલમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે પણ ગુજરાતભરમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. આજથી ૨ જુલાઈ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ડાંગ, સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદ આવશે. તો 26, 27, 28 જૂનથી વરસાદની ગતિ વધશે. સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં પણ વરસાદ રહેશે. આવામાં નદીઓ, તળાવોમાં પણ પાણી આવશે. 8 જુલાઈ બાદથી વરસાદ હળવો થતો જશે.
તો સાથે જ ખેડૂતો માટે હવામાન નિષ્ણાંતે એમ પણે જણાવ્યું કે, વાવણી કરી ચૂકેલા ખેડૂતો માટે સાચવવાની જરૂરિયાત છે. હાલના વરસાદથી ખેતરોમાં પાણી ભરાવવાની શક્યતા છે. વરાપ થયા બાદ ખેડૂતોએ વાવણી કરવી જોઈએ.
વરસાદના આંકડા
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લાના ગોધરા અને ખેડાના માતરમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોઁધાયો છે. રાજકોટના લોધિકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ અને વડોદરાના ડેસરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન બાર તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો હતો. રાજ્યના 25 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો. આજની વાત કરીએ તો, ગુજરાતમાં આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ ખેડાના વસો અને પંચમહાલના હાલોલમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો.
વરસાદની આગાહી
આજથી 4 દિવસ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું કે, આજે ગુજરાતના પૂર્વ ભાગોમાં ભારે વરસાદ આવશે. તો નર્મદા, આણંદ, ભરૂચ, પંચમહાલમાં ભારે વરસાદ તૂટી પડશે. દાહોદ અને વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામા આવી છે. આમ, આવતી કાલથી રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ જશે. તો શનિવારે ગુજરાતના 92 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વાત કરીએ તો ગોધરામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે.
- ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 46.80 ટકા પાણીનો સંગ્રહ....
- મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 30.60 ટકા પાણીનો સંગ્રહ....
- દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 33.67 ટકા જળ સંગ્રહ....
- સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 19. 24 ટકા જથ્થો ....
રાજ્યના 207 જળાશયોમાં 39.61 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં ધીમે ધીમે પાણીની આવક વધી રહી છે. સરદાર સરોવર ડેમમાં 51.04 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતના માત્ર 4 જળાશયોમાં 90 કરતા વધુ પાણીનો જથ્થો છે. તો 199 જળાશયોમાં 70 ટકા કરતા ઓછુ પાણી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે