100 ની ક્ષમતા છતાં 700 લોકોને ટિકીટ કેમ અપાઈ? ઓરેવા કંપનીના એગ્રીમેન્ટમાં થયો ખુલાસો
Morbi Bridge Collapse : ઓરેવા કંપનીએ પુલ ખુલ્લો મુકી શરૂ કરી હતી કાળી કમાણી... મોરબી નગરપાલિકા સાથે કરારમાં ટિકિટના દર 15 રૂપિયા બતાવી લોકો પાસેથી એક ટિકિટના 17-17 રૂપિયા પડાવ્યા... પાલિકા પાસે ફિટનેસ સર્ટિફિકેટ લીધા વગર જ પુલ જનતા માટે ખુલ્લો મુકી દીધો...
Trending Photos
અમદાવાદ :મોરબીમાં બેસતા વર્ષના દિવસે નવા રિનોવેટ કરાયેલા ઝુલતા પુલની શરૂઆત કરી હતી. આ પુલની જાળવણીની જવાબદારી 15 વર્ષ માટે ઓરેવા કંપનીને સોંપવામાં આવી હતી. આ કંપનીએ સાત મહિના સમારકામ કરાવ્યા બાદ પુલ બેસતા વર્ષના દિવસે જ આ પુલને જનતા માટે ખુલ્લો મુક્યો હતો. બે કરોડના ખર્ચે સમારકામ કરવામાં આવ્યો હતો અને ઓરેવા કંપનીને કહેવામાં આવ્યું કે હવે પાંચ વર્ષ સુધી બ્રિજને કાંઈ નહીં થયા. પરંતુ ઝુલતો પુલ માત્ર પાંચ જ દિવસમાં દુર્ઘટનાગ્રસ્ત થતા ઓરેવા કંપની અને તેમના માલિકો સામે સવાલો ઉઠી રહ્યા છે. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ હાલ ગાયબ છે. અમદાવાદના થલતેજમાં આવેલી તેમની ઑફિસ હાલ બંધ જોવા મળી. ત્યારે ઓરેવા કંપનીએ પુલ ખુલ્લો મુકી કાળી કમાણી શરૂ કરી હતી. મોરબી નગરપાલિકા સાથે કરારમાં ટિકિટના દર 15 રૂપિયા બતાવી લોકો પાસેથી એક ટિકિટના 17-17 રૂપિયા પડાવ્યા હતા. પાલિકા પાસે ફિટનેસ સર્ટિફિકેટ લીધા વગર જ પુલ જનતા માટે ખુલ્લો મુકી દીધો.
એગ્રીમેન્ટ કરતા વધુ ફી વસૂલતી હતી ઓરેવા
મોરબી ઝૂલતા પુલની ઘટના મામલે ઓરેવા કંપનીના માલિકોનું રૂપિયા કારસ્તાન સામે આવ્યું છે. ZEE 24 કલાક પાસે ઝૂલતા પુલના એગ્રિમેન્ટની કોપી સામે આવી છે. જેમાં સામે આવ્યું કે, રૂપિયા કમાવવા માટે સંચાલકો લોકો પાસેથી વધુ ફી વસૂલતા હતા. એગ્રિમેન્ટમાં નાના બાળકો માટે 10 રૂપિયાનો ભાવ કરાયો હતો. ત્યારે ઓરેવા કંપનીએ બાળકોની ટિકિટનો 12 રૂપિયા ભાવ રાખ્યો હતો. એગ્રિમેન્ટમાં 12 વર્ષથી મોટા લોકો માટે 15 રૂપિયાનો ભાવ હતો. છતાં 12 વર્ષથી મોટા લોકો પાસેથી 17 રૂપિયા વસૂલાતા હતા.
મોરબીના ઝુલતો પુલની જવાબદારી સંભાળનાર ઓરેવા કંપનીના MD જયસુખ પટેલ હજુ પણ ગાયબ છે. દુર્ઘટનાને અંદાજે 24 કલાકથી પણ વધુ સમય વિતવા છતાં જયસુખ પટેલનું કોઈ નિવેદન સામે આવ્યુ નથી. તો ધરપકડ કરાયેલા આરોપીઓ પણ ઓરેવા કંપનીના સામાન્ય કર્મચારીઓ છે. ત્યારે ઓરેવા કંપની સામે અનેક સવાલો પેદા થાય છે. 5 દિવસ પહેલા ખોલવામાં આવેલો બ્રિજ કેમ પડી ગયો? રિપેરિંગ પછી ખોલવામાં આવેલા બ્રિજમાં શું કામ થયું હતું? જો રિપેરિંગ બરાબર કરાયું હતું તો પછી બ્રિજ કેમ પડી ગયો? ફિટનેસ સર્ટિફિકેટ વિના કેવી રીતે બ્રિજ ખોલવામાં આવ્યો? ફિટનેસ સર્ટિફિકેટ વિના બ્રિજ ખૂલ્યો તો પ્રશાસને કેમ કાર્યવાહી ન કરી? શું પ્રશાસનને બ્રિજ ખૂલી ગયો તેની કોઈ જાણકારી ન હતી? કેમ પ્રશાસને કંપની પર કોઈ કાર્યવાહી ન કરી? 100ની ક્ષમતાવાળા બ્રિજ પર ભીડ કેવી રીતે ભેગી થઈ? 100 ની ક્ષમતા છતાં 700 લોકોને ટિકીટ કેમ આપવામાં આવી? ભીડને કાબૂમાં કરવાની કોઈ વ્યવસ્થા ન હતી?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે