એમએસયુની ચૂંટણીમાં એબીવીપીનો કારમો પરાજય, એનએસયુઆઈ અને જય હો-વીવીએસ જૂથના વિવિધ ઉમેદવારો જીત્યા

યુજીએસ તરીકે એનએસયુઆઈનો વ્રજ પટેલ, વીવીએસ તરીકે જય-હો ની સોનાલી મિશ્રાનો વિજય, ગયા વર્ષે આ સીટ એબીવીપી પાસે હતી

એમએસયુની ચૂંટણીમાં એબીવીપીનો કારમો પરાજય, એનએસયુઆઈ અને જય હો-વીવીએસ જૂથના વિવિધ ઉમેદવારો જીત્યા

વડોદરાઃ વડોદરાની પ્રખ્યાત મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટીમાં શુક્રવારે યોજાયેલી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં એબીવીપીના જૂથનો કારમો પરાજય થયો હતો. યુજીએસ તરીકે એનએસયુઆઈનો વ્રજ પટેલ અને વાઈસ પ્રેસિડન્ટ તરીકે જય-હો વીવીએસ જૂથની સોનાલી મિશ્રાનો વિજય થયો હતો. આ ઉપરાંત, અન્ય ફેકલ્ટીઝમાં પણ વિવિધ જૂથનાં ઉમેદવારો વિજયી બન્યા હતા. 

એમએસયુમાં ગયા વર્ષે યુજીએસ અને વાઈસ પ્રેસિડન્ટની સીટ એબીવીપી પાસે હતી, જે આજે છીનવાઈ ગઈ હતી. સારા પરિણામને પગલે એનએસયુઆઈ અને જય હો વીવીએસ જૂથમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. 

એમએસયુની સાયન્સ ફેકલ્ટીમાં જીએસ તરીકે એનએસયુઆઈ સમર્થક આઈસા ગ્રુપના ઉમેદવાર નિતીનસિંહ બારડનો જીએસ તરીકે વિજય થયો હતો. વીવીએસ અને એબીવીપી સમર્થક ઉમેદવારોને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 

આર્ટસ ફેકલ્ટીમાં એબીવીપી સમર્થક યુવા શક્તિ જુથના વિજય નરિયાનીનો જીએસ તરીકે વિજય થયો હતો. લો ફેકલ્ટીમાં જય-હો વીવીએસ સમર્થક સિદ્ધાર્થ રેલનનો જીએસ તરીકે વિજય થયો હતો. 

કોમર્સ ફેકલ્ટીમાં એજીએસજી અપક્ષ જૂથના ઉમેદવાર રાકેશ પંજાબીનો વિજય થયો હતો. અત્યંત રસાકસી ભરેલી ચૂંટણીમાં એનએસયુઆઈના બંને ઉમેદવારની કારમી હાર થઈ હતી. તેમની સાથે-સાથે એબીવીપી અને જયહો-વીવીએસના બંને ઉમેદવારોનો પણ પરાજય થયો હતો. અપક્ષ ઉમેદવાર રાકેશ પંજાબીના વિજયની જાહેરાત સાથે જ તેના સમર્થકોએ ઉજવણીની શરૂઆત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news