દેશના આર્થિક વિકાસમાં ગુજરાત એન્જિનની ભૂમિકામાં છે, MSME ક્ષેત્ર પાસે ઘણી સંભાવનાઓ રહેલી છેઃ નારાયણ રાણે

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો (MSME) કૃષિ ક્ષેત્ર પછી દેશના અર્થતંત્રમાં દેશના 40% આઉટપુટ, દેશની 49% નિકાસ અને નિષ્ણાત રોજગારી પૂરી પાડવાની સાથે યોગદાન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

દેશના આર્થિક વિકાસમાં ગુજરાત એન્જિનની ભૂમિકામાં છે, MSME ક્ષેત્ર પાસે ઘણી સંભાવનાઓ રહેલી છેઃ નારાયણ રાણે

અમદાવાદ: ભારત સરકારના MSME મંત્રાલયના કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ આજ રોજ અમદાવાદમાં નવી ઈમારત 'MSME ટાવર'નું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એમએસએમઈની અમદાવાદ ખાતેની નવી ઈમારતના ઉદ્ઘાટન પ્રસંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ નવી ઈમારતમાં એમએસએમઈને સંબંધિત એવી જરૂરી તમામ સુવિધાઓ છે. જેનો લાભ ગુજરાતના યુવાઓ, ઉદ્યોગસાહસિકોને મળશે. નારાયણ રાણેએ કહ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનું સપનું જોયું છે. જેમાં એમએસએમઈનું યોગદાન મહત્વપૂર્ણ બની રહેશે.

નારાયણ રાણેએ કહ્યું હતું કે ગુજરાત દેશના આર્થિક વિકાસનું એન્જિન છે અને તેમાં ગુજરાતના એમએસએમઈની ભૂમિકા ખૂબ અગત્યની રહી છે. તેમણે કહ્યું હતું કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો (MSME) કૃષિ ક્ષેત્ર પછી દેશના અર્થતંત્રમાં દેશના 40% આઉટપુટ, દેશની 49% નિકાસ અને નિષ્ણાત રોજગારી પૂરી પાડવાની સાથે યોગદાન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અમદાવાદની મુલાકાત દરમિયાન નારાયણ રાણે કહ્યું હતું કે અગાઉ એમએસએમઈની આ નવી ઈમારત માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભૂમિપૂજન કર્યુ હતું. એ સમયે અમિત શાહને વિશ્વાસ હશે કે આ ઈમારત ઘણી જ સુવિધાજનક અને ઉપયોગી બનશે, એ વિશ્વાસ સાચો ઠર્યો છે એ આ ઈમારત નિહાળીને મને લાગ્યું છે.

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એમએસએમઈ ટાવરના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધનમાં એમએસએમઈ વિભાગને સંબોધીને કહ્યું હતું કે આ નવી ઈમારત જેટલી અંદર અને બહારથી ખૂબ જ સુંદર અને સુવિધાજનક છે એ જ સુંદરતાથી તેમાં કામ પણ થવું જરૂરી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાતના એમએસએમઈ ક્ષેત્ર પાસે અનેક સંભાવનાઓ રહેલી છે. તેમણે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે ચીનમાં એમએસએમઈ ક્ષેત્રે કેટલીક ઈન્ડસ્ટ્રીઝ એવી છે જે બંધ થઈ રહી છે. ગુજરાતના એમએસએમઈ ક્ષેત્રના લોકોએ તેનો અભ્યાસ કરીને ચીનમાં બંધ થતી ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરવા માટે પ્રયાસો કરવા જોઈએ, જેનાથી આગળના સમયમાં નિકાસ ક્ષેત્રે પણ સફળતા મળશે.

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકારના MSME મંત્રાલયની નીતિઓ અને કાર્યક્રમોની રચના અને અમલીકરણ માટે વિકાસ કમિશનર(MSME) નવી દિલ્હીની ક્ષેત્રીય કચેરી છે. ભારતના ગુજરાત રાજ્ય પ્રદેશ તેમજ દમણ, દીવ અને દાદરા નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેની મુખ્ય કચેરી અમદાવાદ ખાતે અને બે શાખાઓ રાજકોટ અને સેલવાસામાં છે.

આ નવી ઈમારત MSME ટાવર, સિમ્સ હોસ્પિટલ, સાયન્સ સિટી રોડ, સોલા, અમદાવાદ ખાતે આવેલી છે તે 7237 સ્ક્વેર મીટરનો બિલ્ટ અપ એરિયા ધરાવે છે જેમાં છ સ્તર આવેલા છે. આ ઓફિસમાં એક્સપોર્ટ ફેસિલિટેશન સેલ (EFC) અને એન્ટ્રેપ્રેનોરશિપ ફેસિલિટેશન સેન્ટર (EFC) ધરાવે છે જે આ પ્રદેશમાં MSME માંથી નિકાસને વેગ આપે છે. ઈન્ટેલેક્ચ્યુઅલ ફેસિલિટેશન સેલ MSMEને આઈપીઆરના આઈડેન્ટિફિકેશન, પ્રોટેક્શન અને મેનેજમેન્ટના બિઝનેસ ટૂલ તરીકે હેન્ડહોલ્ડ કરશે.

આ ઈમારતમાં 2 ટ્રેનિંગ હોલ છે જે નવોદિત ઉદ્યોગસાહસિકો તેમજ હાલના ઉદ્યોગસાહસિકોને સહયોગ અને તાલીમ એકસાથે આપશે. જેના માટે વિવિધ તાલીમ કાર્યક્રમો જેવા કે ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ, ઉદ્યોગસાહસિકતા તેમજ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ, મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને અન્ય કાર્યક્રમો કે જે વિવિધ MSME યોજનાઓ જેમ કે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ, લીન મેન્યુફેક્ચરિંગ કોમ્પિટિટિવનેસ સ્કીમ, ઝીરો ઈફેક્ટ સ્કીમ, પ્રોકરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ સ્કીમ, પબ્લિક પ્રોકરમેન્ટ પોલિસી વગેરેનું આયોજન કરવામાં આવશે. આ ઓફિસમાં ઓડિટોરિયમ, વીડિયો કોન્ફરન્સ રૂમ, લાયબ્રેરી, કમ્પ્યુટર લેબ અને સ્ટાર્ટઅપ સ્ટુડિયો વગેરે પણ છે.

ભારત સરકારના MSME મંત્રાલયના ISS, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, ઓ/ઓ ડેવલપમેન્ટ કમિશનર (MSME) ડી. પી. શ્રીવાસ્તવ તથા ગુજરાત સરકારનાં કમિશનર રંજીત કુમાર(IAS), ચીફ એન્જિનિયર, સીપીડબલ્યુડી શ્રી રાજીવ શર્મા, ગુજરાત સ્ટેટ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશન, અમદાવાદના પ્રમુખ શ્રી અતુલ કપાસી, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી હેમંત શાહ, એમએસએમઈ-ડીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર એન્ડ એચઓઓ શ્રી વિકાસ ગુપ્તા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.

“MSME ગુજરાતમાં વધારે છે કાઉન્સિલ સેન્ટર માં વધારો કરવા માટે વિચારીશું”
ગાંધીનગર ખાતે એન્જિમેક એક્ઝિબિશન સેન્ટરની કેન્દ્રીય એમએસએમઈ મંત્રી નારાયણ રાણેએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નારાયણ રાણેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની પ્રગતિમાં ગુજરાત અને ગુજરાતીઓનો મોટો ફાળો છે. મારા ઘણા ગુજરાતીમિત્રો પાસેથી હું અવારનવાર માર્ગદર્શન મેળવતો હોઉં છું. સમગ્ર દેશને ગુજરાત માટે ગૌરવ છે.

નારાયણ રાણેએ કહ્યું હતું કે મને અભિમાન છે કે ભારતમાં આટલું મોટું એક્ઝિબિશન સેન્ટર ગુજરાતમાં છે. ઇન્ડસ્ટ્રી ક્ષેત્રમાં ભારત  પ્રગતિ કરશે એનો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને દેશ મહાસત્તા બને એવા સ્વપ્નને સાકાર થવામાં આ સેન્ટર મહત્વનું બની રહેશે. અહીં એક્ઝિબિશન સેન્ટરમાં યુવાનો પ્રદર્શન જોવા આવ્યા છે અને જાણકારી મેળવી રહ્યા છે એ ઉત્સાહપ્રેરક છે. આ સેન્ટર યુવાનોના ઉદ્યોગક્ષેત્રમાં પદાર્પણ માટે મહત્વનું સાબિત થશે.

આ ઉપરાંત ભવિષ્યમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગનો ઉલ્લેખ કરીને નારાયણ રાણે કહ્યું હતું કે ઈલેક્ટ્રિક અને હાઈડ્રોજન વાહનોના આવવાથી દેશમાં આવનાર દિવસોમાં લોકોને બચત પણ થશે. નારાયણ રાણેએ કહ્યું હતું કે ભવિષ્યમાં સરકાર તરફથી યોજાનારા એક્ઝિબિશનનું આયોજન અહીં જ થશે એવો વિશ્વાસ છે. એમએસએમઈ ગુજરાતમાં વધારે છે અને તેને ધ્યાનમાં રાખીને કાઉન્સિલ સેન્ટરમાં વધારો કરવા વિચારણા કરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news