પાટીલ-પટેલ એક મંચ પર: નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે તે મુદ્દે ભાગવત કથામાં રામાયણ

સુચક રીતે પાટીલ અને પટેલ બંન્ને સાથે ચાલતા હતા અને ભાજપના અનેક સીનિયર નેતાઓ તેમની પાછળ પાછળ ચાલી રહ્યા હતા, પાટીલનું સ્વાગત કરવા પણ નરેશ પટેલ પહોંચ્યા

પાટીલ-પટેલ એક મંચ પર: નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે તે મુદ્દે ભાગવત કથામાં રામાયણ

જામનગર : ગુજરાતના રાજકારણમાં છેલ્લા થોડા સમયથી નરેશ પટેલ મુદ્દે રસાકસી ચાલી રહી છે. તો બીજી તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણી વહેલી આયોજીત થશે તેવી પણ અટકળો સેવાઇ રહી છે. જો કે નરેશ પટેલ ભાજપ તરફ વધારે સોફ્ટ કોર્નર હોય તેવું લાગી રહ્યું છે. જામનગરમાં ભાજપના એક ધારાસભ્ય દ્વારા આયોજીત ભાગવત્ કથામાં હાજરી આપ્યા બાદ આજે તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ સાથે એક કાર્યક્રમમાં ન માત્ર હાજર રહ્યા હતા પરંતુ તેમની સાથે સ્ટેજ પણ શેર કર્યો હતો. 

જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજાના યજમાન પદે આયોજીત રમેશભાઇ ઓઝાની ભાગવત સપ્તાહમાં ચાર દિવસમાં બીજી વાર નરેશ પટેલે દેખા દીધા છે. આજે નરેશ પટેલ સપ્તાહમાં હાજર રહ્યા ત્યારે સી.આ પાટીલ આવતા તેમનું સ્વાગત નરેશ પટેલે કર્યું હતું. આ ઉપરાંત જામનગરના સાંસદ પુનમ મામડ, જામનગર દક્ષિણના MLA આર.સી ફળદુ સહિત અનેક ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં નરેશ પટેલ અને સી.આર પાટીલનું સંયુક્ત સ્વાગત અને સન્માન કરાયું હતું. નરેશ પટેલ સતત સી.આર પાટીલની સાથે જ રહ્યા હતા. અન્ય સીનિયર નેતાઓ પણ પાટીલ અને પટેલની પાછળ ચાલી રહ્યા હતા તે ખુબ જ સુચક હતું. 

જો કે નરેશ પટેલ છેલ્લા 2 મહિના કરતા પણ વધારે સમયથી કયા પક્ષ સાથે જોડાશે તે મુદ્દે ચલક ચલાણુ રમી રહ્યા છે. ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં જોડાશે તેવું જ્યારે પણ પત્રકારો દ્વારા પુછવામાં આવે ત્યારે તેઓ સમાજ અથવા તો સર્વેનું કારણ ધરીને સમય આવ્યે જાહેરાત કરશે તેવો ઉત્તર આપે છે. જો કે આજે તેમણે જણાવ્યું કે, ભાજપ અને કોંગ્રેસ બંન્નેના દરવાજા ખુલ્લા જ છે. તેવામાં તે કયા પક્ષ સાથે જોડાય તે મુદ્દે ભારે સસ્પેન્સ છે. જો કે તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ જોવા મળીરહી છે. નરેશ પટેલના પુત્ર શિવરાજ પણ આ ભાગવત કથામાં હાજર રહે છે. અત્રે નોંધનીય છે કે, નરેશ પટેલ ભાજપના ધારાસભ્યો પૈકી વલ્લભભાઇ કાકડિયા, શશિકાંત પંડ્યા, અરવિંદ પટેલ અને જગદીશ પટેલ સાથે પણ મુલાકાત કરી ચુક્યાં છે. આ ઉપરાંત તેઓ પોથી યાત્રા દરમિયાન ભાજપના નેતાઓ સાથે રથમાં પણ જોવા મળ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news