નડિયાદમાં થઈ પાટણવાળી : સુએઝ પ્લાન્ટમાંથી મળ્યા નવજાતના શરીરના છુટા છુટા અંગો

child deadbody found from sewage treatment canal : નડિયાદના કણઝરી ગામમાંથી નવજાત બાળક મૃત અવસ્થામાં મળ્યું... પાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી મળી આવ્યું બાળક... નવજાતને જીવંત કે મૃત હાલતમાં ત્યજી દેવાયું હોવાની આશંકા..

નડિયાદમાં થઈ પાટણવાળી : સુએઝ પ્લાન્ટમાંથી મળ્યા નવજાતના શરીરના છુટા છુટા અંગો

Nadiad News નચિકેત મહેતા/ખેડા : થોડા સમય પહેલા પાટણના સિદ્ધપુર તાલુકામાં એક યુવતીના મૃતદેહના અંગો પાણીની ટાંકીમાંથી મળ્યા હતા. આખા શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી, કારણ કે ચાર દિવસ સુધી લોકો આ જ ટાંકીનું પાણી પીતા હતા. ત્યારે આવી જ રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના નડિયાદ નજીક આવેલા કણજરી ગામે બની છે. નડિયાદની કણજરી નગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નવજાત બાળકના છુટા અંગો અને મૃત બાળક મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આ નવજાત બાળકને જીવિત કે મૃતપાય હાલતમાં ત્યજી દેવાયું હોવાની શંકા છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કામ કરતા મજૂરે આ અંગે સુપરવાઇઝરને જાણ કરી હતી. જેના બાદ ઘટનાની જાણ થતાં નગરપાલિકાના અધિકારીઓ અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સુપરવાઈઝર દોડી આવ્યા હતા. આ મામલે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ઘટનાને પગલે પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. 

એક તરફ સવાર સવારમાં લોકો ધ્વજવંજન કરી રહ્યા હતા, ત્યાં નડિયાદના કણજરી ગામે ચોંકાવનારી ઘટના બની હતી. કણજરી નગરપાલિકામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રોજની જેમ આજે ફરી શરૂ કરવામા આવ્યો હતો. કામદારો રોજની જેમ કામે લાગ્યા હતા. ત્યારે એક મજૂરની નજરમાં કંઈક અજુગતુ પડ્યુ હોય તેવુ દેખાયુ હતું. તેણે ધ્યાનથી જોયુ તો માનવ અંગ હતું. ત્યાર બાદ તેણે ચેક કર્યુ તો, વધુ માનવ અંગો મળી આવ્યા હતા. આ માનવ અંગો કોઈ નવજાત શિશુના હતા. પરંતુ તે ટુકડામાં અલગ અલગ હતા. જે જોઈને કોઈને પણ અરેરાટી થઈ જાય. 

આ અંગે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સુપરવાઈઝરને જાણ કરાતા તેઓ તાત્કાલિક દોડતા આવ્યા હતા. તેમણે જોયુ તો એક નવજાત બાળકના અલગ અલગ અંગો હતા. માનવ અંગો એટલા ક્ષત વિક્ષત હાલતમાં હતા કે જોનારાના રુંવાડા ઉભા થઈ જાય. તેના બાદ સુપરવાઈઝરે પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ તાત્કાલિક દોડતી આવી હતી. 

પ્રાથમિક તપાસમાં એવુ તારણ નીકળ્યુ કે, કોઈ નિષ્ઠુર જનતાએ પોતાનુ પાપ છુપાવવા નવજાતને ત્યજી દીધુ હોય તેવુ લાગે છે. પરંતુ  સ્વતંત્રતા પર્વના દિવસે આવુ નવજાત મળવુ એ શરમજનક બાબત છે. હાલ આ ઘટના માનવતાને શરમાવે તેવી સામે આવતા લોકોમા પણ રોષ જોવા મળી રહ્યો છે. આ બધામાં એક માસુમનો શું વાંક હતો કે, તેને આ રીતે મરવા ગટરમાં છોડી દેવાયો હતો. સુએઝ પ્લાન્ટમાં ગટરના પાણીનું ટ્રીટમેન્ટ થાય છે, ત્યારે કોણ આ રીતે બાળકને છોડી ગયું હશે તેવી ગામમાં ચર્ચા શરૂ થઈ છે. આ અંગે નગરપાલિકાના અધિકારીઓને પણ જાણ કરતા, તેઓ પણ દોડતા આવ્યા હતા. આ મામલે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news