ગુજરાતમાં વિકાસના નામે ખદબદતો ભ્રષ્ટાચાર, રાજુલામાં નવોનક્કોર બ્રિજ તૂટી પડ્યો
Corruption : ગુજરાતમાં કેમ વારંવાર બ્રિજ તૂટી રહ્યાં છે... જનતા દ્વારા ભરવામા આવતા ટેક્સના રૂપિયાનો ભ્રષ્ટાચાર... વધુ એક બ્રિજ તૂટી પડ્યો
Trending Photos
Bridge Collapse : ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ સીટ જીતાડાવીને સિરપાંવ આપ્યો. પરંતું ભાજપના રાજમાં વિકાસ નહિ, ભ્રષ્ટાચાર ફૂલીફાલી રહ્યો છે. મોરબી બ્રિજ હોનારતની ઘટના હજી તાજી છે, ત્યાં ગુજરાતમાં વધુ એક ભ્રષ્ટાચારનો પુલ તૂટી પડ્યો છે. નિર્માણાધીન બ્રિજ તૂટી પડે એટલે કેવો ભ્રષ્ટાચાર હશે એ તો જુઓ. અમરેલી - ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેની પર રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક નવો નક્કોર બ્રિજ તૂટ્યો છે. નવો બનેલો બ્રિજ તૂટી પડતા કોન્ટ્રાક્ટરોની કામગરી સામે સવાલો ઉઠ્યા છે. નવો બ્રિજ શરૂ થાત તે પહેલા ધરાશાયી થયો છે. ત્યારે બ્રિજ ધરાશાયી થવાનો વીડિયો પણ સામે આવ્યો છે.
રાજુલામાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયો છે. ભાવનગર-વેરાવળ હાઈવે પર નવો બની રહેલો બ્રિજ તૂટ્યો છે. ગુજરાતમાં નવા નવા બની રહેલા બ્રિજ ભ્રષ્ટાચારના પાપ નીચે ધોવાઈ રહ્યાં છે. મોરબી બ્રિજમાં પણ મોડેમોડે ઓરેવા કંપનીના જયસુખ પટેલનું નામ ઉમેરાયુ હતું. ત્યારે આખરે ગુજરાતની જનતાના રૂપિયે કોણ લીલાલહેર કરી રહ્યું છે. આખરે ક્યાંરે ભ્રષ્ટાચાર પૂરો થશે.
હાટેશ્વર બ્રિજમાં પણ ભ્રષ્ટાચાર
તો બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી હાટકેશ્વર બ્રીજની નબળી ગુણવત્તાનો મામલો વિવાદ પકડી રહ્યો છે. બ્રિજના કામ દરમિયાન કોન્ટ્રાકટર દ્વારા ઓછો માલ સામાન વાપરવામાં આવ્યો હોવાનું લેબોરેટરી ટેસ્ટમાં પુરવાર થઈ ચુકયું છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા પણ આ મામલે આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાનું પણ સાબિત થઈ રહ્યું છે. જોકે ચોંકાવનારી બાબત એ છે કે મુખ્યમંત્રીના હસ્તક્ષેપ બાદ હાટકેશ્વર બ્રીજ મામલે પુરતી તપાસ કરી અને નિર્ણય કરવાનો જેને અધિકાર સોંપવામાં આવ્યા છે. તેમના જ કાર્યકાળ દરમિયાન આ બ્રીજની ટેન્ડર પ્રક્રિયાથી લઈ લોકાર્પણ સુધીની કાર્યવાહી થઈ હતી. જેમાં વર્તમાન મ્યુનિસિપલ કમિશ્નર પણ સામેલ છે. 2013 થી 2015 ના સમયગાળા દરમિયાન વર્તમાન કમિશ્નરે તે સમયના ડેપ્યુટી કમિશ્નર તરીકે જે ભુલો કરી હતી તેનો ઢાંક પીછોડો કરવા માટે હાલ પ્રયાસ થઈ રહયા હોવાનુ હાલ એએમસી વર્તુળોમાં ચર્ચાઇ રહ્યુ છે. વર્તમાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર 2013 થી 2015 દરમિયાન જયારે ડેપ્યુટી કમિશ્નર તરીકે કાર્યભાર સંભાળતા હતા તે સમયે તેમને મધ્યઝોન ઉપરાંત રોડ પ્રોજેકટ, બ્રીજ પ્રોજેકટ, એસટીપી, રિવરફ્રંટ લિમિટેડ, જનમાર્ગ લિમિટેડ સહિતના તમામ વિભાગના કામ સોંપવામાં આવ્યા હતાં. 19 જાન્યુઆરી 2015 ના રોજ તત્કાલીન કમિશ્નર ડી.થારાએ તેમને આ તમામ ખાતાની સોંપણી કરી હતી. આ પૂર્વે નવેમ્બર 2013 માં તત્કાલીન કમિશ્નર ડો.ગુરૂપ્રસાદ મહાપાત્રાએ પણ વર્તમાન કમિશ્નરને તે સમયે એન્જીનીયરીંગ વિભાગની કામગીરી આપી હતી.
ખખડધજ હાટકેશ્વર બ્રિજ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
AMC ઓફિસ ખાતે વિપક્ષ કોંગ્રેસે અમદાવાદના હાટકેશ્વર બ્રિજ વિવાદને લઈને આક્રમક વિરોધ દર્શાવ્યો હતો. વિપક્ષી નેતાની આગેવાનીમાં મેયર ઓફિસ આગળ દેખાવો કર્યો હતો. વિવિધ પોસ્ટર બેનર દર્શાવી વિરોધ કર્યો હતો. વિપક્ષના લોકોએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો. વિપક્ષે ખાનગી એજન્સીઓ, અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. આ મામલે મેયરે કહ્યુ કે વિપક્ષે આવેદન પત્ર આપ્યું છે. આ વહીવટી બાબત છે હજુ ફાઈનલ રિપોર્ટ આવવાનો બાકી છે. રિપોર્ટ આવશે એ મુજબ કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે