'મારા કાળજાના કટકા જેવી માસૂમ દિકરીના હાથ દાઝ્યા અને મારું હૈયુ બળ્યુ, હવે શું કરીશું? જાણો એક પિતાની દર્દભરી કહાની...
Ayushyaman Bharat Yojana: ડીસા તાલુકાના વરણ ગામની બંને હાથે દાઝી ગયેલી દિકરી દેવાંશી ઠાકોરને આયુષ્યામાન ભારત પી એમ જે એ વાય - મા યોજનામાં ફ્રી સારવાર મળતાં તેની અંગપીડા દૂર થઇ
Trending Photos
ઝી ન્યૂઝ/પાલનપુર: મારા કાળજાના કટકા જેવી નાની દિકરી દેવાંશીના હાથ દાઝ્યા અને મારું હૈયુ બળ્યુ, હવે શું કરીશું? તેની ચિંતા અમારા જેવા છુટક નોકરી કરીને ગુજરાન ચલાવતા લોકોને સતાવતી હોય તે સ્વભાવિક છે પરંતુ આપણી આ સરકાર લોકોના દુઃખ દૂર કરવા જ બેઠી હોય તેમ સરકારની યોજનામાં તેને મફત સારવાર મળતા તેના બન્ને દાઝેલા હાથ હવે સારા થઇ ગયા છે અને આંગણવાડીમાં ભણવા જાય છે એનાથી બીજી ખુશી એક બાપ માટે બીજી કઇ હોઇ શકે.......આ શબ્દો છે એક નાનકડી ફુલ જેવી વ્હાલસોયી દિકરીના પિતા સોમાજી ઠકોરના...
આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારના સંયુક્ત સાહસ એવી આયુષ્યંમાન ભારત- પીએમજેએવાય મા યોજના બિમારીથી પિડાતા અનેક લોકો માટે આશીર્વાદરૂપ છે. આ યોજના હેઠળ રૂ. 5 લાખ સુધીની કેશલેસ સારવાર માન્યતા પ્રાપ્તલ ખાનગી અને સરકારી હોસ્પીટલોમાં વિનામૂલ્યે મળે છે. મા યોજના, બાળ સખા યોજના અને ચિંરજીવી યોજના પણ આ યોજનમાં મર્જ કરવામાં આવી છે.
જાણો શું છે સમગ્ર ઘટનાની કહાની?
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વરણ ગામના સોમાજી ઠાકોરે જણાવ્યું કે, મારી સાડા ત્રણ વર્ષની દિકરી દેવાંશીએ છોકરમતમાં ગરમ ચા ની તપેલીમાં હાથ નાખી દીધા હતા અને બન્ને હાથે દાઝી ગઇ હતી. એટલે અમે તેને ગામમાં અને નજીકના દવાખાનામાં લઇ જઇને પ્રાથમિક સારવાર અપાવી જેનાથી તેના હાથની બળતરા ઓછી થઇ, હાથ પર લગાવવાની ટ્યુબ અને દવા લઇએ તો સારું રહે પણ પહેલાં જેવા હાથ ન હોવાથી એક પિતા તરીકે મને તેની સતત ચિંતા થતી કે, દિકરી હાથ વિના કેવી રીતે તેના રોજિંદા કામો કરશે અને જિંદગી જીવશે. એટલે મેં ગામના આશાબેનને મળીને વાત કરી કે, બહેન આ દાઝી ગયેલા હાથને ફરી હતા એવા સાજા કરવા હોય તો કયાં દવા કરાવવા જવું અને તેનો કેટલા રૂપિયા ખર્ચ થાય તે અંગેની તેમણે માહિતી મેળવી.
આશાબેને કહ્યું કે, આપણા ગામમાં આર બી એસ કે પ્રગ્રામના ર્ડાક્ટરો આવે છે તેમને મળીને તમે સારવાર અંગે વાત કરશો તો તેઓ તમને મદદરૂપ થશે. ગામમાં ર્ડાક્ટર આવ્યા ત્યારે મેં મારી દિકરીની સારવાર અંગે વાત કરી તો તાલુકા આરોગ્ય અધિકારી ડો.હરિયાણી સાહેબ ના માર્ગદર્શનમાં ર્ડા. શ્રીયાબહેન ઠક્કર, ર્ડા. માર્કડ સાથે બધા અમારા ઘરે આવી જરૂરી તપાસ કરી તેમણે પાલનપુર જિલ્લા પંચાયતમાં વાત કરીને મા કાર્ડ કઢાવવા જણાવ્યું અને તેના માટે જરૂરી માર્ગદર્શન આપી કાગળીયા કરી આપ્યા. અમે એ કાગળો લઇ પાલનપુર જિલ્લા પંચાયતમાં ર્ડા. હિતેશભાઇ ઠક્કરને મળ્યા.
એમણે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો દેવ સાહેબના માર્ગદર્શનમા સરકારી યોજનામાં જોડાયેલ અમદાવાદની જયદીપ ખાનગી હોસ્પિટલમાં મારી દિકરીની એપોઇન્ટમેન્ટ બુક કરાવી આપી સારવાર માટે વાત કરી અને અમે સારવાર માટે ઉપડી ગયા. ત્યાં અમે એક અઠવાડીયું રોકાયા અને દાઝેલા બન્ને હાથનું વિનામૂલ્યે ઓપરેશન કરાવી સારવાર મેળવી તેની સાથે રૂ. 300 ભાડા પેટે અમને હોસ્પીટલમાંથી આપવામાં આવ્યા. દિકરી દેવાંશીના બન્ને હાથના ઓપરેશન થઇ જતા મારી દિકરીની આખી જિંદગી બદલાઇ ગઇ છે. એના દાઝેલા બન્ને હાથ હવે પહેલાંની જેમ જ છે અને હાથમાં વસ્તુ પકડી શકે છે અને તે સંપૂર્ણ સ્વસ્થ છે. હવે તે ગામની આંગણવાડીમાં ભણવા જાય છે. દિકરીને હાથ પાછા મળતા અમારા પરિવારનું વાતાવરણ ખુશનુમા બન્યુ છે. તેમણે કહ્યું કે, સરકારના આરોગ્ય વિભાગની યોજનાઓ અમારા જેવા પરિવારો માટે આશીર્વાદરૂપ છે.
આરોગ્ય વિભાગની યોજનાઓ વિશે
બનાસકાંઠા જિલ્લામાં હાલ 57 પ્રાઇવેટ અને 148 સરકારી હોસ્પીટલોમાં આ સારવાર મફતમાં મેળવી શકાય છે. જેમાં નવજાત શીશુની સારવાર, ડાયાલીસીસ, કિડનીના રોગો, હ્રદયની બિમારી, જનરલ સર્જરી, ઓર્થોપેડીક ફ્રેક્ચર જોઇન્ટ રિપ્લેસસમેન્ટ, ગાયનેક અને કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર થાય છે. આ ઉપરાંત જિલ્લા બહારની એમ્પેનલ હોસ્પીટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ, ન્યુરો સર્જરી , દાજેલા કેસમાં પ્લાસ્ટીક સર્જરી જેવી ગંભીર બિમારીઓમાં પણ આ કાર્ડ આશીર્વાદ સમાન છે. રૂ. 4 લાખ કરતા ઓછી આવક હોય તેવા પરિવારો અને રૂ. 6 લાખથી ઓછી આવક ધરાવતા સિનિયર સીટીઝનના પરિવારો આ કાર્ડ તાલુકા આરોગ્ય કચેરી ખાતેથી મેળવી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ- 4.60 લાખ લોકોને આયુષ્યમાન ભારત- પીએમજેએવાય યોજનાના કાર્ડ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે