ઘોઘંબામાં દુખદ ઘટના : ખાડામાં ન્હાવા પડેલા ચાર બાળકોના કરુણ મોત, ગામમાં શોકનો માહોલ

Panchmahal news : પંચમહાલના ગજાપુરા ગામ પાસે આવેલા તળાવમાં ડૂબી જતા ચાર બાળકોના મૃત્યુ..એક જ ગામના ચાર બાળકોએ ગુમાવ્યા જીવ...10 થી 12 વર્ષની ઉંમરના હતા ચારેય બાળકો..

ઘોઘંબામાં દુખદ ઘટના : ખાડામાં ન્હાવા પડેલા ચાર બાળકોના કરુણ મોત, ગામમાં શોકનો માહોલ

Children Died After Drowning In The Pit જયેન્દ્ર ભોઈ/પંચમહાલ : ઘોઘંબાના ગજાપુરા ગામ કરુણ ઘટના બની છે. ગામમાં આવેલ તળાવ પાસે બનાવાયેલ ખાડામાં ડૂબી જવાથી 4 બાળકોના મોત નિપજ્યા છે. વહેલી સવારે ચારેય બાળકો રમતા રમતા ખાડામાં ન્હાવા પડ્યા હતા. એક જ ગામના 4 માસુમ બાળકોના મોત થતા પરિવારમાં ભારે આક્રંદના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ચારેય બાળકોની લાશને તળાવમાંથી સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢી હતી. તમામ બાળકો 10 થી 12 વર્ષની ઉંમરના છે. અન્ય સાથી બાળકોએ ડૂબી ગયા અંગેની જાણ કરતા જ ગામલોકો દોડી આવ્યા હતા.  

આ ઘટના વિશે ગામના માજી સરપંચ સુરેશભાઈ પટેલે જણાવ્યું કે, વાસ્મો વિભાગના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે ઘટના બની હોવાની ચર્ચા છે. પાણીની ટાંકી બનાવવાનું કામ ચાલી રહ્યું છે ત્યાં બાજુમાં ઊંડો ખાડો કરેલો હતો. ખાડાની ફરતે બેરીકેટિંગ કે સુરક્ષાને લઈ કોઈ આડસ મુકેલી નહોતી. ખાડા ફરતે સુરક્ષા ન હોવાથી બાળકો ખાડામાં ગરકાવ થયા હોવાનું અનુમાન છે. 

મૃત્યુ પામેલા બાળકોના નામ 

૧) સંજય વીરાભાઈ બારીયા, 10 વર્ષ
૨) રાહુલ રમેશભાઈ બારીયા, 11 વર્ષ
૩) પરસોત્તમ રાજુભાઇ બારીયા, 9 વર્ષ
૪) અંકિત અરવિંદભાઈ બારીયા, 11 વર્ષ

ચાર બાળકોના મોતને કારણે પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યુ હતું. સમગ્ર મામલે હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારજનોના ભારે આક્રંદ વચ્ચે બાળકોના મૃતદેહોને પીએમ માટે મોકલવામાં આવ્યા હતા. 

એક સાથે ગામના ચાર બાળકોના મૃતદેહો તળાવ કિનારે બહાર કાઢવામાં આવતા ગામ આખું હિબકે ચડ્યું છે. સ્વજનોના આક્રંદથી આખુ વાતાવરણ ગમગીન બન્યુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news