પ્રેમીપંખીડાઓનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું ગુજરાતનું આ ગામ! અહીં આવો એટલે લગ્ન પાક્કા થઈ જવાના

Love Marraige Act : પરિવારના ડરથી ભાગીને પ્રેમલગ્ન કરનારાઓ માટે સ્વર્ગ બન્યું પંચમહાલનું શહેરા, અહીં નજીકના રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના રાજ્યો અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી યુવક યુવતીઓ મેરેજ રજિસ્ટ્રેશન માટે આવે છે 

પ્રેમીપંખીડાઓનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું ગુજરાતનું આ ગામ! અહીં આવો એટલે લગ્ન પાક્કા થઈ જવાના

Panchmahal News જયેન્દ્ર ભોઈ/ પંચમહાલ : પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની ભદ્રાલા ગ્રામ પંચાયત હાલ ગુજરાત સહિત આસપાસના અનેક રાજ્યોમાં ચર્ચાસ્પદ બની છે. આ પંચાયતમાં ગ્રામજનો કરતા અન્ય શહેર અને રાજ્યોના લોકોના આંટાફેરા ખૂબ જ વધારે હોય છે! જેનું કારણ જાણીને પણ તમે ચોંકી ઉઠશો. પરિવારના ડરથી ભાગીને પ્રેમલગ્ન કરનાર પ્રેમીપંખીડાઓ માટે આ ભદ્રાલા ગ્રામપંચાયત ફેવરિટ ડેસ્ટિનેશન છે. કેમ કે અહીં આવો એટલે લગ્ન 100 % પાકા પાયે થઈ જવાના જ છે. 

એક માસમાં જ અહીં 100 ઉપરાંત લગ્નની નોંધણી
શહેરા તાલુકાની ભદ્રાલા ગ્રામ પંચાયત હાલ ભારે ચર્ચામાં આવી છે. તેમાં નોંધાયેલા લગ્ન નોંધણી બાબતે. તમને જાણીને નવાઈ લાગશે. પરંતુ આ પંચાયતમાં છેલ્લા 6 માસમાં જ 500 થી વધુ લગ્ન નોંધણી તલાટી મહાશય દ્વારા કરવામાં આવી છે. તત્કાલીન તલાટી પી.એમ પરમાર દ્વારા કરવામાં આવેલી લગ્ન નોંધણી પ્રક્રિયા ધારાધોરણોને નેવે મૂકી છ માસમાં 500 ઉપરાંત લગ્ન નોંધણી કરવામાં આવી છે.

એક માસમાં 100 ઉપરાંત લગ્નની નોંધણી

તો છેલ્લા એક માસમાં જ અહીં 100 ઉપરાંત લગ્નની નોંધણી થતાં આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જે યુવક યુવતીઓએ પોતાના પરિવારને છોડીને ભાગીને લગ્ન કરીને આ ભદ્રાલાં ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવી હતી. તેવા અનેક વાલીઓએ શહેરા તાલુકા પંચાયત ખાતે લેખિતમાં અનેક રજુઆતો કરતા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ હતી. પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનારનાં પરિવારજનો આવા તલાટી સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે.

ગામને બદનામ કરવાનું કાવતરું 
લગ્ન નોંધણી માટે કુખ્યાત બનેલા ભદ્રાલા ગામના અગ્રણીઓએ પણ અનેક વખત તાલુકા પંચાયત ખાતે રજુઆત કરી હતી. સાથે જ લગ્ન નોંધણી માટે ભદ્રાલા ગામના જે મંદિરના પૂજારીનો દાખલો મૂકવામાં આવ્યા છે, તે પણ બોગસ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. કારણ કે આ મંદિરમાં આવા કોઈ જ લગ્ન થયા ન હોવાની વાત કરતા પોતાના ગામને બદનામ કરતા આવા લોકો સામે એક્શન લેવા માંગણી કરી રહ્યા છે.

ડોક્યુમેન્ટમાં વિસંગતતા જોવા મળી
ખોટી રીતે લગ્ન નોંધણી કરવામાં આવી હોવાની અનેક રજુઆતો આધારે શહેરા ટીડીઓએ તપાસ શરૂ કરતાં અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે તપાસમાં સામે આવ્યું કે 70 ટકા બાબતોમાં વિસંગતતા હતી. તપાસમાં સામે આવ્યું હતું કે તલાટી પી.એમ.પરમારના ફરજકાળ દરમિયાન ભદ્રાલા ગ્રામ પંચાયતમાં 6 માસમાં 500 ઉપરાંત લગ્ન નોંધણી થયા હતા અને એક જ માસમાં 100 લગ્ન નોંધણી થઈ હતી.

આ બાબત અંગે સ્થાનિકો દ્વારા તેમજ લગ્ન નોંધણી સર્ટિફિકેટ આધારે કેટલાક વાલીઓ દ્વારા શહેરા ટીડીઓને રજુઆત કરવામાં આવતી હતી. આ રજુઆત આધારે શહેરા ટીડીઓએ તપાસ કરતાં તલાટી દ્વારા કરવામાં આવેલી લગ્ન નોંધણીમાં જોગવાઈ મુજબ નહિ થઈ હોવાનું તેમજ ઘણાબધા ડોક્યુમેન્ટમાં વિસંગતતા જોવા મળી હતી. જેથી તલાટી પી.એમ પરમારની એક તરફી જિલ્લા કક્ષાએ બદલી કરવામાં આવી હતી અને અન્ય તલાટી જે ચાર્જ સુપરત કર્યો હતો.

લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટ માત્ર 70 ટકા મળી આવ્યા

ઈન્ચાર્જ તલાટી પાસે ડોક્યુમેન્ટ અંગેની ચકાસણી કરાવતાં લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટ માત્ર 70 ટકા મળી આવ્યા છે. જેની તપાસ કરવામાં આવી છે. લગ્ન નોંધણીમાં ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોના અરજદારનો સમાવેશ થાય છે. જે તપાસમાં સામે આવતાં જ તલાટીની એકતરફી બદલી કરી દેવામાં આવી છે. જોકે આ સમગ્ર કથિત કૌભાંડ બાબતે ડેપ્યુટી ડીડીઓ દ્વારા તલાટી સામે કાર્યવાહી માટે શહેરા ટીડીઓને આજે પત્ર લખી અહેવાલ મંગાવવામાં આવ્યો છે. 

તલાટી પી.એમ પરમારનું નામ ચર્ચામાં 
સામે આવ્યું કે, પી.એમ પરમાર નામના તલાટીએ ભદ્રાલા ગામ નો ચાર્જ સંભળ્યા બાદ 500 થી વધુ મેરેજ રજિસ્ટ્રેશન થયા હતા. નજીકના રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના રાજ્યો અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી યુવક યુવતીઓ મેરેજ રજિસ્ટ્રેશન માટે આવતા હતા. એક તરફી પ્રેમ લગ્ન ગુજરાતમાં ચર્ચાતો મુદ્દો છે. એવા સમયે પ્રેમલગ્ન માટે તલાટી પ્રોત્સાહન આપતા ભારે હડકંપ મચી ગયો છે.

લગ્ન નોંધણી માટે ભદ્રાલા ગામના જે મંદિરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પૌરાણિક મહાદેવ મંદિરે અત્યાર સુધી કોઈ લગ્ન થયા નથી. હાલ આ સમગ્ર મામલે શહેરા ટીડીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. 

નાગાલેન્ડની યુવતીનું પણ કર્યું હતુ રજિસ્ટ્રેશન
આ કેસમાં તલાટીએ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોના યુવક યુવતીઓના લગ્નની નોંધણી કરાતી હતી. નાગાલેન્ડની એક યુવતીના પણ ગુજરાતી યુવક સાથેના લગ્નની નોંધણી કરી હતી. છેલ્લા પાંચ મહિનાના નોંધણી રજીસ્ટરમાં નોંધાયેલા 571 ડોક્યુમેન્ટની ચકાસણી થતા સ્ફોટક માહિતી સામે આવી છે. 

તપાસનો ધમધમાટ શરૂ કરાયો

ચકાસણી દરમિયાન 106 લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટ મળી આવ્યા નથી, જેની ઊંડી તપાસ કરાશે. ટીડીઓએ ડોક્યુમેન્ટ વિના લગ્ન નોંધણી કરવામાં આવી હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. શહેરાના ભદ્રાલા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી પી.એમ પરમારના કાર્યકાળ દરમિયાન થયેલી લગ્ન નોંધણી બાબતે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આજે ડોક્યુમેન્ટ ચકાસણીનો સમગ્ર અહેવાલ ડેપ્યુટી ડીડીઓને રજૂ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news