સંતાનોના એડમિશન માટે ગુજરાતના વાલીઓને કરવા પડે છે આવા ગતકડા, ગજબ છે અમરેલીનો આ કિસ્સો

ડિસેમ્બર મહિનો આવે એટલે સંતાનોના એડમિશનની ચિંતા માતાપિતાને સતાવે છે. વેકેશનમાં ફોર્મ લેવા તડાપડી કરવાથી લઈને ડોનેશન આપીને એડમિશન લેતા પેરેન્ટ્સ જોવા મળે છે, ત્યારે અમરેલીના લાઠીમાં એડમિશન માટે વિચિત્ર દ્રશ્યો સામે આવ્યા છે. 

Updated: May 6, 2019, 08:09 AM IST
સંતાનોના એડમિશન માટે ગુજરાતના વાલીઓને કરવા પડે છે આવા ગતકડા, ગજબ છે અમરેલીનો આ કિસ્સો

કેતન બગડા/અમરેલી :ડિસેમ્બર મહિનો આવે એટલે સંતાનોના એડમિશનની ચિંતા માતાપિતાને સતાવે છે. વેકેશનમાં ફોર્મ લેવા તડાપડી કરવાથી લઈને ડોનેશન આપીને એડમિશન લેતા પેરેન્ટ્સ જોવા મળે છે, ત્યારે અમરેલીના લાઠીમાં એડમિશન માટે વિચિત્ર દ્રશ્યો સામે આવ્યા છે. અમરેલીના લાઠીના કલાપી વિનય મંદિરમાં એડમિશન માટે પેરન્ટ્સે મોડી રાત્રે લાઈન લગાવી હતી.

રાતના અંધારામાં દેખાતા લોકો વાલીઓ છે, જે પોતાના સંતાનોના એડમિશન માટે રાત્રે જ સ્કૂલમાં પહોંચી ગયા હતા. લાઠીની કલાપી વિનય મંદિરમાં ધોરણ-9ના એડમિશન માટે હંમેશા વાલીઓની ભીડ જામતી હોય છે. આ મંદિરમાં પોતાના સંતાનોને ભણાવવા માટે પેરેન્ટ્સ કઈ હદ સુધી જઈ શકે છે તેનો મોટો પુરાવો આ તસવીર છે. ધોરણ-9માં એડમિશન માટે રવિવારે રાતથી જ વાલીઓ અને વિદ્યાર્થીઓ આવી ગયા હતા, અને લાઈનો લગાવી હતી. આજે સોમવારે એડમિશનનો સમય છે, ત્યારે વાલીઓ રવિવારે રાત્રે જ સ્કૂલમાં લાઈન લગાવવા પહોંચી ગયા હતા. ગઈકાલે આખી રાત જાગીને વાલીઓ લાઈનમાં ઉભા રહ્યા હતા.

260 વિદ્યાર્થીઓ લેવાના છે, સામે 400 વાલીઓ લાઈનમાં
મોડી રાત્રે એડમિશન લેવા આવેલા વાલી પારુલબેન લાઠીએ કહ્યું કે, અમે છોકરાનું એડમિશન લેવા આવ્યા છીએ. અમારો વારો આવ્યો નથી. અમે રાત્રે બે વાગ્યા આવ્યા છે, અને સવારના ચાર વાગ્યા સુધી ઉભા રહેવું પડશે. તો નગરપાલિકાના પૂર્વ સદસ્ય મુકેશ સદરભાઈએ જણાવ્યું કે, આ સ્કૂલમાં ધોરણ-9ના વિદ્યાર્થીની સંખ્યા વધુ છે, અને રૂમ ઓછા પડે છે. તેથી અમે સરકાર અને શિક્ષણ અધિકારીને નમ્ર અપીલ કરીએ છીએ કે, તાત્કાલિક બે રૂમની ફાળવણી કરવામાં આવે. સમગ્ર લાઠી તાલુકાના વિદ્યાર્થીઓ અહી આવે છે. 260 જેટલા વિદ્યાર્થીઓ લેવાના છે, તેની સામે 400 વિદ્યાર્થીઓ છે. લોકો બપોરે 2 વાગ્યાના લાઈનમાં ઉભા છે, હજી અડધાનો વારો આવ્યો નથી. કાલે સવારે લાઈન આવશે. તેથી લોકો રાત્રે પણ સ્કૂલની બહાર ઉભા છે. 

ઉલ્લેખનીય છે કે, લાઠીની કલાપી વિનય મંદિરમાં ધોરણ-9ના વર્ગોથી સંખ્યા કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી અહીં એડમિશન માટે વાલીઓને આવા ગતકડા કરવા પડે છે. આમ, એડમિશન માટે વાલીઓ આખી રાત જાગવા માટે મજબૂર બન્યા હતા. તેથી વાલીઓ પણ સ્કૂલને વર્ગો વધારવાની માંગ કરી રહ્યા છે. આ માંગ પૂરી થાય ત્યારે, પણ હાલ તો વાલીઓ પાસે એડમિશન મેળવવા માટે લાઈનમાં ઉભા રહેવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. 

ભારતમાં સંતાનોને ભણાવવા કરતા તેમના સારી સ્કૂલ-કોલેજમાં એડમિશન કરાવવા વાલીઓ માટે માથાનો દુખાવો સમાન હોય છે. સ્કૂલ હોય કે કોલેજ, એડમિશનની વાત આવે ત્યારે વાલીઓના માટે દીકરીના લગ્ન કરાવવા જેવી જવાબદારી આવી પડી છે. વાલીઓની આવી હાલત સામે બોલિવુડમાં પણ સમયાંતરે ફિલ્મો બનાવવામાં આવે છે.