અમદાવાદ : ધન્વન્તરી હોસ્પિટલ ખૂલે એ પહેલા જ દર્દીઓ આવી ગયા, પણ નિરાશ થઈને પાછા ફર્યાં

અમદાવાદ : ધન્વન્તરી હોસ્પિટલ ખૂલે એ પહેલા જ દર્દીઓ આવી ગયા, પણ નિરાશ થઈને પાછા ફર્યાં
  • હોસ્પિટલ શરૂ થવાના વાત મળતા લોકો દોડી આવ્યા હતા, અને સ્વજનોને દાખલ કરવા માટે લોકોની ભીડ ઉમટી હતી. આજે રવિવારે પણ હોસ્પિટલ શરૂ ન થતા લોકો નિરાશ થઈ પરત ફરી રહ્યા છે

આશ્કા જાની/અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા એક લાખને પાર પહોંચી ગઈ છે. તો માત્ર અમદાવાદ શહેરમાં જ સૌથી વઘુ કોરોનાના કેસ છે. આવામાં અમદાવાદની મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ છે. લોકોને કોરોનાના સમયમાં સારવાર મેળવામાં મુશ્કેલી થઈ રહી છે. હોસ્પિટલમાં બેડ મળી રહ્યાં નથી. બેડની આ કમીને દૂર કરવા માટે અમદાવાદમાં DRDO એ 900 બેડની ધન્વન્તરી હોસ્પિટલ તયાર કરી છે. જોકે, બે દિવસથી દર્દીઓ આ હોસ્પિટલની બહાર આંટાફેરા મારે છે, પરંતુ હજી સુધી હોસ્પિટલ શરૂ થઈ ન હોવાથી દર્દીઓને નિરાશ થઈને પરત જવુ પડી રહ્યું છે. 

ગુજરાત યુનીવર્સીટી કન્વેન્શન સેન્ટરમાં DRDO અને રાજ્ય સરકારના માધ્યમથી ધન્વન્તરી કોવિડ હોસ્પિટલ કદાચ આજથી શરૂ થાય તેવી શક્યતા છે. 900 બેડ કોવિડ હોસ્પિટલના ટ્રાયલ રન દરમિયાન સામાન્ય સમસ્યા સર્જાઈ હતી. તેથી આ ટેક્નિકલ ખામીઓ દૂર કરવામાં આવી છે. ઓક્સિજન સપ્લાયમાં તકનીકી ખામી સામે આવતા હજુ દર્દીઓએ સારવાર માટે રાહ જોવી પડશે. હજી ફરી એકવાર ઓક્સિજન પ્રેશરનું ટેસ્ટિંગ કરાશે. જો ઓક્સિજન પ્રેસરની તકનીકી ખામી નહીં સર્જાય તો આજથી હોસ્પિટલ શરૂ કરાશે. જોકે, અહીં DRDO સંચાલિત 900 બેડ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સના માધ્યમથી જ દર્દીઓને સારવાર માટે દાખલ કરાશે. 

જોકે, તંત્રએ હજી સુધી હોસ્પિટલ શરૂ નથી કરી ત્યાં શનિવાર સવારથી જ ધન્વન્તરી હોસ્પિટલની બહાર લોકોની ભીડ જોવા મળી રહી છે. હોસ્પિટલ શરૂ થવાના વાત મળતા લોકો દોડી આવ્યા હતા, અને સ્વજનોને દાખલ કરવા માટે લોકોની ભીડ ઉમટી હતી. આજે રવિવારે પણ હોસ્પિટલ શરૂ ન થતા લોકો નિરાશ થઈ પરત ફરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ક્યારે શરૂ થશે આ 900 બેડની હોસ્પિટલ. 

લોકોનું કહેવું છે હોસ્પિટલ તૈયાર છે તો અમારા સગાને અહીં લાવવા માટે તપાસ કરવા આવ્યા. પણ અહીં આવ્યા તો ખબર પડી કે હોસ્પિટલ હજી શરૂ થઈ નથી. 

ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન હોલમાં તૈયાર થઈ રહેલા 900 બેડ સિવાય હજુ પણ વધુ 500 બેડ શરૂ થાય તેવી શક્યતા છે. DRDO દ્વારા સંચાલિત આ 900 બેડ હોસ્પિટલમાં 150 વેન્ટિલેટર અને ICU ના બેડ તેમજ 750 ઓક્સિજનન બેડ રહેશે. 150 ડોકટર, 10 ફિઝિશિયન, 6 એનેસ્થેટીસ્ટ 350 નર્સિંગ સ્ટાફ દર્દીઓની સારવાર કરશે. હેલ્પ ડેસ્ક, રજીસ્ટ્રેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટનું જરૂરી કામ ગુજરાત યુનીવર્સીટીના કર્મચારીઓ સાંભળશે. DRDO ના 150 જેટલા તજજ્ઞો જેમાં ડોકટર તેમજ નર્સિંગ સ્ટાફ પણ આ હોસ્પિટલમાં ફાળવવામાં આવ્યા છે.

તમામ દર્દીઓને ઓક્સિજન મળી રહે તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ 900 બેડ હોસ્પિટલમાં ઉપલબ્ધ હશે. ઓક્સિજનનો સપ્લાય સરળતાથી થઈ શકે તે માટે 35,000 લીટર ઓક્સિજન ક્ષમતાની ટેન્ક તૈયાર કરાઈ છે. તકેદારીના ભાગરૂપે વધુ 25,000 લીટર ઓક્સિજનની ટેન્ક પણ મુકવામાં આવી આવી છે. 

DRDOના 17 ડોકટરો, 75 પેરા મેડિકલનો સ્ટાફ પણ અમદાવાદમાં આવી પહોંચ્યો છે. 250 જેટલો નર્સિંગ સ્ટાફ જુદી જુદી કોલેજોમાંથી સિલેક્ટ કરવામાં આવ્યો છે. DRDO માંથી આવેલા 3 મેટ્રન દ્વારા નવા નર્સિંગકર્મીઓને તાલીમ પણ આપવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના હેડ ડોકટર કમલેશ ઉપાધ્યાય, તેમજ ડોકટર જયદીપ ગઢવી, ડોકટર પાર્થિવ મહેતા દ્વારા પણ જરૂરી તાલીમ નવા ઓએવામાં આવેલા સ્ટાફને આપવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news