પાટીલનું 1 વર્ષ પૂર્ણ: એવા નિર્ણયો કર્યા કે જેના માટે સાચે જ 56ની છાતી જોઇએ

સાંસદ અને ગુજરાત ભાજપના સેનાપતિ સી.આર. પાટીલ પોતાની કડક અને આક્રમક કાર્યપદ્ધતિ માટે જાણીતા છે. પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ સતત કાર્યકરો વચ્ચે રહ્યા અને કાર્યકરોને સીધો મેસેજ આપ્યો કે જે કામ કરશે તેને શિરપાવ મળશે. તેમણે સ્પષ્ટ કરી દીધું કે નેતાઓના જૂથમાં રહેવાથી ટિકિટ મળવાની કોઈ ગેરંટી નથી. ટિકિટ મેળવવા માટે પક્ષના નિષ્ઠાવંત સિપાહી બનીને કામ કરવું પડશે. સીઆર પાટીલ કોઈ પણ જાતની શેહશરમ કે ડગ્યા વગર જેટલા કઠોર નિર્ણયો લેવા માટે જાણીતા છે એટલા જ તેઓ દિલથી કોમળ છે. 

પાટીલનું 1 વર્ષ પૂર્ણ: એવા નિર્ણયો કર્યા કે જેના માટે સાચે જ 56ની છાતી જોઇએ

બ્રિજેશ દોશી/ગાંધીનગર :  કોરોના મહામારી જેવી આફત વચ્ચે પણ માત્ર 365 દિવસમાં ગુજરાતની રાજનીતિનું કેન્દ્રબિંદુ બદલી દેનારા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું છે. ગુજરાત ભાજપના સુકાની તરીકે તેમણે ગયા વર્ષે જુલાઈ મહિનામાં પક્ષની કમાન સંભાળી હતી. આ એક વર્ષમાં  સીઆર પાટીલનાં 10 કદમ ભાજપ માટે સફળતાનાં પગલાં સાબિત થયાં છે. અને કેટલીક વાતો એવી પણ છે જે તેમને વિવાદમાં ઢસડી ગઈ. તો વર્ષ 2022માં મિશન 182ની જવાબદારી જેમના શિરે છે તેવા સુકાની સી.આર. પાટીલનો પ્રદેશ અધ્યક્ષ તરીકે એક વર્ષનો કાર્યકાળ કેવો રહ્યો?

માત્ર 365 દિવસમાં, ગુજરાતની રાજનીતિનું કેન્દ્રબિંદુ બદલી દેનારા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું છે. ગયા વર્ષે જુલાઈમાં કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાત ભાજપના નવા સુકાની તરીકે સીઆર પાટીલનું નામ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા.અધ્યક્ષ પદ સંભાળતાંની સાથે જ સી.આર. પાટીલે લીધેલા નિર્ણયોએ, એ વાત સ્પષ્ટ કરી આપી કે પીએમ મોદી અને કેન્દ્રીય નેતૃત્વએ તેમની પસંદગી કેમ કરી છે. વર્ષ 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ ફરીથી સત્તા પર આવે તેવા ધ્યેય સાથે તેમની પસંદગી કરવામાં આવી હતી અને મિશન 182ના મહામંત્ર સાથે જ સીઆર પાટીલ આગળ વધી રહ્યા છે. અમે આપને બતાવી રહ્યા છીએ સીઆર પાટીલનાં એ 10 કદમ. જેનાથી ગુજરાતની રાજનીતિની ધરી બદલાઈ ગઈ છે.

પાટીલની સફળતાનું પહેલું કદમ ભાજપના કાર્યકરોનો ઉત્સાહ વધારીને તેમને સક્રિય બનાવ્યા. રાજ્ય સરકારના મંત્રીઓની કમલમ પર બેઠક શરૂ કરાવી. પેજ પ્રમુખો અને પેજ સમિતિઓની રચના કરી. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં 100% પરિણામ હાંસલ કર્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વય મર્યાદા અને 3 ટર્મનો નિયમ બનાવ્યો. એક પરિવારમાંથી એક જ હોદો અથવા ટીકિટનો નિયમ બનાવ્યો. 6 મહાનગરપાલિકાઓમાં ભાજપે 100 ટકા જીત હાંસલ કરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 90 ટકાથી વધુ બેઠકો પર ભાજપની જીત થઈ. કોવિડની બીજી લહેરમાં 17 હજારથી વધુ આઈસોલેશન બેડની વ્યવસ્થા કરી અને પાટીલની સફળતાનું દસમું કદમ. કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં ન લેવાનો નિયમ બનાવ્યો. પ્રદેશ ભાજપના સેનાપતિ તરીકે સીઆર પાટીલે રણનીતિના ભાગરૂપે એવા નિયમો બનાવ્યા છે જેની નોંધ વિપક્ષને પણ લેવી પડી છે અને આગળ પણ લેવી પડશે.

 કેન્દ્રીય નેતૃત્વ સાથેના સીધા સંબંધોના કારણે સી.આર. પાટીલને નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળી છે. તેનું પરિણામ પણ પક્ષને મળ્યું છે અને ચૂંટણીઓમાં ભવ્ય જીત પણ મળી છે. પરંતુ આગામી ચૂંટણી પહેલાં તેમની સામે અનેક પડકાર છે. જાતિગત સમીકરણો વચ્ચે પેજ પ્રમુખોના સહારે ચૂંટણી જીતવી આસાન નથી અને એ પણ એવા સમયે જ્યારે સંગઠન અને સરકાર વચ્ચે સીધી તકરાર હોય. આવા સંજોગોમાં તેમણે પોતાના 182 બેઠકોના લક્ષ્યની નજીક પહોંચવા માટેની રણનીતિમાં કેટલાક સુધારા કરવા પડશે. શું સીઆર પાટીલ રણનીતિ બદલીને મિશન 182 પાર પાડશે કે પહેલા વર્ષની જેમ તોફાની બેટિંગ જેવી આક્રમકતા સાથે બાજી મારશે? તેનો જવાબ આવનારો સમય બતાવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news