જબરી સરકાર! ગોઝારિયાને બનવું છે તો ના અને કુકરવાડાને ધરાર તાલુકો બનાવવા હિલચાલ, કોણ રમી રહ્યું છે ગેમ
New Kukarwada Taluk: મુખ્યમંત્રી, મંત્રી અને મહેસુલ વિભાગના અધિકારીઓને આ સંદર્ભે રજુઆત કરાઈ છે. અગાઉ 26 વર્ષ પહેલા મહેસાણા જિલ્લામાંથી ગાંધીનગર જિલ્લામાં આ ગામોને મુકાયા હતા. ત્યારે ફરી જિલ્લો અને તાલુકો બદલાય તો લોકોને હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: મહેસાણા જિલ્લામાં કુકરવાડાને નવો તાલુકો બનાવી તેની અંદર માણસા તાલુકાના કેટલા ગામોને આવરી લેવાના હોવાની માહિતી ગ્રામજનોને મળી છે જેથી સંભવિત નવા બનનારા કુકરવાડા તાલુકામાં બિલોદરા ગામનો સમાવેશ કરવામાં આવશે તો ગ્રામજનો માટે અગવડતા ભર્યું રહેશે જેથી બિલોદરા ગામને ગાંધીનગર જિલ્લામાં જ રાખવા માટે ગ્રામજનો મક્કમ બન્યા છે. હાલ નવા કુકરવાડા તાલુકો બનાવવાની હિલચાલ વચ્ચે લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. માણસા તાલુકાના નવ ગામો કુકરવાડામા સમાવેશ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે, જેના કારણે નવ ગામના લોકોનો નવા તાલુકામાં જવાનો વિરોધ જોવા મળ્યો છે.
મુખ્યમંત્રી, મંત્રી અને મહેસુલ વિભાગના અધિકારીઓને આ સંદર્ભે રજુઆત કરાઈ છે. અગાઉ 26 વર્ષ પહેલા મહેસાણા જિલ્લામાંથી ગાંધીનગર જિલ્લામાં આ ગામોને મુકાયા હતા. ત્યારે ફરી જિલ્લો અને તાલુકો બદલાય તો લોકોને હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એટલું જ નહીં, માણસા તાલુકામાં આવેલ બિલોદરા ગામને મહેસાણા જિલ્લામાં સમાવેશ કરવાનો હોવાની હિલચાલ સામે ગ્રામજનોમાં સખત વિરોધ જોવા મળી રહ્યો છે.
અગાઉ જિલ્લામાં જોટાણા અને ગોઝારીયા એમ બે નવા તાલુકા બનાવવાની જાહેરાત કરી હતી. જે સમયે પણ કુકરવાડા અને લાંઘણજને પણ તાલુકો બનાવવા માંગ ઉઠી હતી. વિવાદના વંટોળ વચ્ચે છેવટે જોટાણાને તાલુકાનો દરજ્જો અપાયો હતો અને ગોઝારીયાની બાદબાકી કરવામાં આવી હતી. જેને પગલે ગોઝારીયાના ગ્રામજનો દ્વારા પણ ઉગ્ર દેખાવ કરાયા હતા. આવા સંજોગોમાં લાંઘણજને તાલુકો બનાવવાની હિલચાલ શરૂ થતાં ફરી કુકરવાડાને નવો તાલુકા બનાવવાની હિલચાલ વચ્ચે લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, શંકરસિંહ વાઘેલાની સરકાર વખતે અનેક તાલુકા અને જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું હતું અને નવા બનેલા તાલુકામાં ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકો નવો અસ્તિત્વમાં આવ્યો હતો. તે અગાઉ માણસા શહેર અને અન્ય ગામો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવતા હતા. ત્યારબાદ નવા બનેલ માણસા તાલુકામાં 84 જેટલા ગામ સમાયેલા છે અને જે તે સમયે વિજાપુર તાલુકામાં આવેલા કુકરવાડા ગામને પણ તાલુકો બનાવવા માટેની માંગ ઉઠવા પામી હતી. છેલ્લા કેટલાક મહિનાથી કુકરવાડાને અલગ તાલુકો બનાવવાની હિલચાલ ચાલી રહી છે. પરંતુ નવ ગામના લોકોનો નવા તાલુકામાં જવાનો વિરોધ જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે