પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની મુશ્કેલી વધી! એકમાં જામીન મળ્યા તો, વર્ષ 1995-1996માં કરેલો કાંડ ખૂલ્યો!

વર્ષ 1995 1996માં જીવાભાઇ પટેલની માલિકીની જમીન અલગ અલગ 52 કંપનીઓ અને તેના હોદ્દેદારો તથા રમણ પટેલના નામે કરી જમીન પચાવી લીધી હતી. જે અંગે જીવાભાઇ પટેલના મૃત્યુ બાદ પરિવારના ધ્યાને આવતા પોલીસમાં ફરિયાદ કરવામા આવી હતી.

પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની મુશ્કેલી વધી! એકમાં જામીન મળ્યા તો, વર્ષ 1995-1996માં કરેલો કાંડ ખૂલ્યો!

ઉદય રંજન/અમદાવાદ: પોપ્યુલર બિલ્ડર રમણભાઈ પટેલની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી. એક કેસમાં જામીન મળ્યા તો બીજો ગુનો નોંધી પોલીસે તેમની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. મહત્વનું છે કે, રમણ પટેલ વિરુદ્ધ અલગ અલગ 10 જેટલા ગુના નોંધાયા છે. તેવામાં સાણંદ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં પોલીસે તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

સાણંદ પોલીસ મથકે ગુનો નોંધી રમણ પટેલની ધરપકડ
બિલ્ડર રમણ પટેલ અને તેમની સાથે જોડાયેલી અલગ અલગ 52 કંપનીઓના નામે સાણંદના ચેખલા ગામે આવેલી કરોડોની જમીન પચાવી લેવામા આવી હતી. પ્રતિબંધિત સત્તા વિસ્તારની જમીનમાં મામલતદારનો ખોટો ઓર્ડર કરી જમીનને બિન ખેતી કર્યા બાદ, વર્ષ 1995 1996માં જીવાભાઇ પટેલની માલિકીની જમીન અલગ અલગ 52 કંપનીઓ અને તેના હોદ્દેદારો તથા રમણ પટેલના નામે કરી જમીન પચાવી લીધી હતી. જે અંગે જીવાભાઇ પટેલના મૃત્યુ બાદ પરિવારના ધ્યાને આવતા પોલીસમાં ફરિયાદ કરવામા આવી હતી. જે તપાસ બાદ પોલીસે સાણંદ પોલીસ મથકે ગુનો નોંધી રમણ પટેલની ધરપકડ કરી છે.

નાણાકીય વ્યવહારોની તપાસ પણ શરૂ
મહત્વનું છે કે પ્રતિબંધિત સત્તા વિસ્તારની જમીન હોવા છતાં ખોટો રેકોર્ડ ઉભો કરી ચેખલા ગામની જમીન રમણ પટેલ નહીં ભાગીદારી પેઢીના નામે ખરીદ દસ્તાવેજ ઉભો કરી તે જમીન પચાવી પાડવામાં આવી હતી. બાદમાં અલગ અલગ બાવન કંપનીઓના નામે તેનો દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. જે દરેક કંપની ના એક ભાગીદાર રમણ પટેલ પણ હોવાનું સામે આવ્યું છે. જોકે સમય અંતરે આ તમામ પેઢીઓ એકબીજામાં ભળી ગઈ હતી અને આખરે જમીનનો કબ્જો રમણભાઈ પટેલ પાસે હતો. જેથી પોલીસે ગુનો નોધી તેમની ધરપકડ કરી છે. સાથે જ તમામ પેઢીઓ વચ્ચે થયેલા નાણાકીય વ્યવહારોની તપાસ પણ શરૂ કરવામાં આવી.

ખોટો રેકોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો
જમીન માલિકે નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે જમીનના ટોટલ રૂપિયા રોકડમાં ચૂકવ્યા હોવાનો ખોટો રેકોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે. જો કે ફરિયાદીને કે તેના પરિવારને એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી. જેથી પોલીસે રમણ પટેલની ધરપકડ કરી 52 પેઢીમાં નામ ધરાવતા અલગ અલગ 17 વ્યક્તિઓની શોધખોળ અને પુછપરછ શરૂ કરી છે. ત્યારે મહત્વનું છે કે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે અને રમણ પટેલના પરિવારના કેટલા સભ્યોની આ ગુનામાં ધરપકડ કરવામાં આવે છે તે જોવું મહત્વનું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news