ભીમ અગિયારસ નજીક આવતા પોરબંદર માર્કેટિંગ યાર્ડ કેસરી કેરીથી ઉભરાયું, જાણો બોક્સનો શું છે ભાવ
ગીરની કેસર કેરીની સરખામણીએ પોરબંદર માર્કેટ યાર્ડમાં પોરબંદર જિલ્લાની સ્થાનિક કાટવાણા, બિલેશ્વર અને ખંભાળા સહિતના ગામોની કેસર કેરીની આવક અને માંગ લોકોમાં વધુ જોવા મળી રહી છે.
Trending Photos
અજય શીલુ/પોરબંદર: ઉનાળાનો સમય હોય એટલે સ્વાભાવિક છે કે ફ્રૂટ બજારમાં સૌ કોઈની પ્રિય એવી કેરી જ કેરી જેવા મળે. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે હાલમાં કુલ 15 હજારથી વધુ કેરીના બોક્સની આવક જોવા મળી રહી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગીરની કેસર કેરીની સાથે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીની આવક અને માંગ વધુ જોવા મળી રહી છે.
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ગીર કેસર કેરીની સાથે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેસર કેરીનો પણ ભારે દબદબો જોવા મળી રહ્યો છે. ગીરની કેસર કેરીની સરખામણીએ પોરબંદર માર્કેટ યાર્ડમાં પોરબંદર જિલ્લાની સ્થાનિક કાટવાણા, બિલેશ્વર અને ખંભાળા સહિતના ગામોની કેસર કેરીની આવક અને માંગ લોકોમાં વધુ જોવા મળી રહી છે.
પોરબંદરમાં વર્ષોથી કેરીનો વેપાર કરતા વેપારીએ કેરીના બજાર અંગે જણાવ્યું હતુ કે, પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં હાલમાં 15 હજાર જેટલા કેસર કેરીના બોક્સની આવક છે. ખાસ કરીને પોરબંદરના સ્થાનિક કાટવાણા, ખંભાળા અને બિલેશ્વરમાંથી કેરીની આવક સારી એવી જોવા મળી રહી છે. પોરબંદરની સ્થાનિક કેરીના બોક્સના ભાવ 200 થી 800 જ્યારે ગીરની કેરીના બોક્સનો ભાવ 100 થી 500 અને જોવા મળી રહ્યો છે.
નાના બાળકોથી લઈને વડીલો સૌ કોઈની પ્રિય એવી ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે તે કેસર કેરીને આરોગવા માટે લોકો રાહ જોતા હોય છે. ઉનાળાની ઋતુમાં કેરી સ્વાસ્થય માટે ખુબ જ લાભદાયક હોવાથી લોકો કેરીને મનભરીને આરોગતા હોય છે. આપણે ત્યાં ભીમ અગિયારસના દિવસે લોકો અચૂક કેરી ખાતા હોય છે ત્યારે ભીમ અગિયારસને આડે પણ હવે બે-ત્રણ દિવસ બચ્યા હોવાથી માર્કેટિંગ યાર્ડ ખાતે કેરીની ખરીદી માટે માટે ગ્રાહકો આવતા જોવા મળી રહ્યા છે.
દર વર્ષે જ્યારથી કેસર કેરીનું આગમન બજારમાં થતાની સાથે જ અન્ય ફ્રૂટની સરખામણીએ બજારમાં જ્યાં નજર કરીએ ત્યાં કેરી જ કેરી દેખાતી હોય છે અને લોકો મોટી સંખ્યામાં કેરીને આરોગે છે, ત્યારે પોરબંદરમાં આ વર્ષે સ્થાનિક કેરીની સારી એવી ગુણવંતા જોવા મળી રહી છે જેના કારણે લોકો સ્થાનિક કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે