રાજકોટના રાજવી : રાજ્યાભિષેક થનાર માંધાતાસિંહ જાડેજાના વડવાઓનું અહીં 1617થી છે રાજ

Rajkot Rajvi Mandhatasinh Jadeja Rajtilak: ગુજરાતનાં પૂર્વ નાણાંપ્રધાન સ્વ. મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજાનાં યુવરાજ માંધાતાસિંહ જાડેજા રાજકોટનાં 17માં ઠાકોર સાહેબ તરીકેની રાજતિલક વિધી વસંત પંચમીનાં યોજાનાર છે. આજથી માંધાતાસિંહ જાડેજાના આ ભવ્યાતિભવ્ય પ્રસંગોની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે રાજકોટનાં રાજવી પરીવારનો શું છે ભવ્ય વારસો અને કેવો છે ઇતિહાસ જોઇએ.

રાજકોટના રાજવી : રાજ્યાભિષેક થનાર માંધાતાસિંહ જાડેજાના વડવાઓનું અહીં 1617થી છે રાજ

રક્ષિત પંડ્યા, રાજકોટ :ગુજરાતનાં પૂર્વ નાણાંપ્રધાન સ્વ. મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજાનાં યુવરાજ માંધાતાસિંહ જાડેજા રાજકોટનાં 17માં ઠાકોર સાહેબ તરીકેની રાજતિલક વિધી વસંત પંચમીનાં યોજાનાર છે. આજથી માંધાતાસિંહ જાડેજાના આ ભવ્યાતિભવ્ય પ્રસંગોની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે રાજકોટનાં રાજવી પરીવારનો શું છે ભવ્ય વારસો અને કેવો છે ઇતિહાસ જોઇએ.

રાજકોટનાં રાજવી પરિવારનો ભવ્ય વારસો રહેલો છે. રાજકોટ રાજ્યની સ્થાપના જામનગરનાં જાડેજા વંશનાં જામશ્રી લાખાજીનાં નાનાભાઇ અને રાજકોટનાં પ્રથમ ઠાકોર જામ વિભાજીએ 1608માં કરી હતી. જેમાં રાજકોટ રાજ્યની રાજધાની ચિભડામાં સ્થાપી હતી અને કાલાવડનાં પરગણાંના અગિયાર ગામોને જામનગર રાજ્યને પરત સોંપ્યા હતા. ઇ.સ. 1615માં સરધાર કબ્જે કરી રાજગાદી સ્થાપી અને ઇ.સ.1617માં રાજકોટ વસાવ્યુ. હવે રાજકોટનાં 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ મનોહરસિંહજી જાડેજાની રાજકોટનાં ભવ્ય મહેલ રણજીત વિલાસ પેલેસ ખાતે કરવામાં આવશે. હાલ પણ રાજકોટનાં રાજવી પરિવાર પાસે રણજીત વિલાસ પેલેસ અને જૂના દરબાર ગઢ અને વૈભવી કારનો વારસો સાચવી રાખવામાં આવ્યો છે.

રાજકોટ રાજ્યનો ઇતિહાસ
રાજકોટનાં રાજા તરીકે રણમલજી બીજા ઇ.સ. 1796માં બિરાજ્યા. જેમણે રાજગાદી સરધારથી રાજકોટ સ્થાપી. તેમના અવસાન પછી પુત્ર સુરાજી રાજકોટનાં રાજા બન્યા. એ દરમિયાન રાજકોટમાં બ્રિટીશ શાસની એજન્સી સ્થપાઇ હતી. રાજકોટની સ્થાપના બાદ 12માં ઠાકોર સાહેબ બાવાજીરાજ બાપુનાં સમયમાં રાજકોટના આધુનિકરણની શરૂઆત થઇ હતી. તેઓ રાજકોટની રાજકુમાર કોલેજનાં પ્રથમ બેચનાં વિદ્યાર્થી હતા. અહી તમને જણાવી દઈએ કે, મહાત્મા ગાંધીનાં પિતા કરમચંદ ગાંધી બાવાજીરાજ બાપુના રાજના રાજકોટ રાજ્યનાં દિવાન હતા. રાજકોટમાં હજુર અદાલતની સ્થાપના કરવામાં આવી હતી અને ઇ.સ. 1896માં સુધરાઇનો કાયદો લોકશાસનની પદ્ધતિથી પસાર કરવામાં આવ્યો હતો.

રણજીત વિલાસ પેલેસ
ઇ.સ. 1887માં રાજકોટમાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે લોકોને રોજગારી આપવા માટે રણજીત વિલાસ પેલેસનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. હાલ પણ રાજવી પરિવાર આ રણજીત વિલાસ પેલેસમાં જ વસવાટ કરી રહ્યો છે. આઝાદી પહેલાનાં સૌરાષ્ટ્રનાં 222 રજવાડામાં રાજકોટ રાજ્યનો પણ સમાવેશ થતો હતો. જેમાં 64 ગામ અને 730 ચોરસ કિલો મિીરનું ક્ષેત્રફળ હતું. રાજકોટનાં રાજવી પરિવારનાં ભવ્ય વારસામાં રણજીત વિલાસ પેલેસનો સમાવેશ થાય છે. જેમાં રોલ્સ રોય સહિતની વૈભવી કારને પણ રાખવામાં આવી છે.

રાજકોટની સોની બજાર સ્થિત જૂના દરબાર ગઢ પણ રાજકોટનાં રાજવી પરીવારનો જ ભવ્ય વારસો છે. 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજા ગાદી સંભાળશે અને જૂના દરબાર ગઢને ફરી જીવંત કરવામાં આવશે. જૂના દરબાર ગઢનું હાલ રીનોવેશન કામ ચાલી રહ્યું છે. પરંતુ રાજા માંધાતાસિંહ જાડેજાએ ગાદી ગ્રહણ કર્યા બાદ રાજકોટની પ્રજાને કલ્યાણકારી ભેટ આપવાનો સંકલ્પ કર્યો છે. જેમાં રાજકોટનાં જૂના દરબાર ગઢને મ્યૂઝિયમનું રૂપ આપવામાં આવશે. જેમાં રાજવી પરિવારની વૈભવી કાર, રાણી મહેલમાં સ્ત્રી સશક્તિ કરણનો ઇતિહાસ અને રાજવી પરિવારની ઔતિહાસિક વસ્તુઓને મ્યુઝિયમમાં મૂકવામાં આવશે.

રાજકોટનાં 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાંતાસિંહ જાડેજાની રાજતિલક વિધી ભવ્ય કરવામાં આવશે. ત્યારે દેશનાં ઇતિહાસમાં આવી ભવ્ય રાજ્યાભિષેક અને રાજતિલક વિધીમાં શ્રીધર યજ્ઞશાળામાં રાજસુઇ યજ્ઞ કરવામાં આવશે. વસંત પંચમીનાં દિવસને શુભ માનવામાં આવે છે. એટલા માટે જ રાજકોટનાં 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધી કરવામાં આવશે. આઝાદી પછી દેશનાં ઇતિહાસમાં પ્રથમ વખત ભવ્ય રાજ્યાભિષેક અને રાજતિલક વિધીનો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. જેમાં રાજસૂઇ યજ્ઞમાં દેશભરનાં બ્રાહ્મણોમાં આહુતિ આપશે અને ત્યારબાદ રાજાની રાજતિલક વિધી સંપન્ન કરવામાં આવશે.

રાજકોટનાં 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા વિશેની માહિતી 

  • નામ : માંધાતાસિંહ મનોહરસિંહજી જાડેજા
  • જન્મ : 14 જૂન, 1964
  • અભ્યાસ : કેમિકલ એન્જીનિયરીંગ
  • વ્યવસાય : કૃષિ અને રીયલ એસ્ટેટ
  • રાજકીય કારર્કિદી : વર્ષ 2009થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે અંગત નાતો ધરાવે છે. પ્રદેશ કારોબારીના સદસ્યની જવાબદારીની સાથે ગુજરાત પ્રવાસન નિગમના ડાયરેક્ટર તરીકેનું પદ પણ શોભાવ્યું છે.
  • રાજવી કારર્કિદી : રાજકોટનાં પૂર્વ ઠાકોર સાહેબ ધર્મેન્દ્રસિંહજી જાડેજા દ્વારા સ્થાપિત લાખાજીરાજ લાઈબ્રેરીનાં ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે અને હરભમજી ગરાસિયા બોર્ડીંગનાં ચેરમેન પદ્દે રહીને સામાજિક અને શૌક્ષણિક જવાબદારી અદા કરી રહ્યા છે. રાજવી પરિવારનાં અનેક ટ્રસ્ટોમાં પણ ટ્રસ્ટી અને ચેરમેન પદે પણ સેવા આપી છે.

રાજકોટનાં સત્તરમાં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી અને રાજકોટનાં રાજા તરીકેની તિલકવિધી બાદ રાજકોટની જનતાને જૂનાં દરબારગઢને મ્યુઝિયમ તરીકે નજરાણું આપવાનો સંકલ્પ પણ કર્યો હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમને સ્વ. મનોહરસિંહજી જાડેજા દાદાને પણ યાદ કરીને ગુજરાતનાં વિકાસમાં રાજકોટનાં રાજવી પરીવારનો ફાળો પણ વર્ણવ્યો હતો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news