કાશ્મીરથી લઈને ગુજરાત સુધી ઠંડીના તૂટતા રેકોર્ડ, રાજ્યના 8 જિલ્લામાં સિંગલ ડિજીટમાં ઠંડીનો પારો પહોંચ્યો

Coldwave In Gujarat : ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડ઼ીથી લોકો ઠુંઠવાયા... કચ્છના નલિયામાં 2, ગાંધીનગરમાં 5.3 ડિગ્રીએ પહોંચ્યો ઠંડીનો પારો...

કાશ્મીરથી લઈને ગુજરાત સુધી ઠંડીના તૂટતા રેકોર્ડ, રાજ્યના 8 જિલ્લામાં સિંગલ ડિજીટમાં ઠંડીનો પારો પહોંચ્યો

Coldwave In Gujarat : ઉત્તર ભારતમાં ઠંડી સતત નવા રેકોર્ડ તોડી રહી છે. મેદાની ભાગોમાં કાતિલ ઠંડીમાં લોકો ઠુંઠવાઈ ગયા છે, તો પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાએ માઝા મૂકી છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં તો તાપમાન માઈનસમાં આવી ગયું છે, જ્યારે ગુજરાતનાં નલિયામાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. સામાન્ય રીતે જાન્યુઆરીના મધ્યમાં ઉત્તર ભારતમાં ઠંડીનું જોર ઘટવાની શરૂઆત થતી હોય છે. જો કે આ વર્ષે ચિત્ર ઉંધુ છે. ઉત્તરાયણથી હવામાન વધુ કાતિલ બની રહ્યું છે. જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાત સુધી ઠંડી જૂના રેકોર્ડ તોડી રહી છે. ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડ઼ીથી લોકો ઠુંઠવાયા છે. કચ્છના નલિયામાં 2, ગાંધીનગરમાં 5.3 ડિગ્રીએ ઠંડીનો પારો પહોંચ્યો છે. તો હિમાચલના શિમલા અને જમ્મુ કાશ્મીરના શ્રીનગરની ઠંડી કરતા પણ નીચે ગયો છે. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસ 6 ડિગ્રીએ પહોંચતા બરફની ચાદર પથરાઈ છે. 

વાત ગુજરાતની કરીએ તો રાજ્યમાં ઠંડીએ ઉત્તરાયણ પછી પણ રાહત નથી આપી. હજુ પણ ગુજરાત ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યું છે. આ સપ્તાહે ઠંડીથી રાહત મળવાની શક્યતા ઓછી છે. 15 જાન્યુઆરીએ રાજ્યનું લઘુત્તમ તાપમાન 8.3 ડીગ્રી અને મહત્તમ તાપમાન 24 ડીગ્રી નોંધાતાં લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી. હવામાન વિભાગે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. 16મીએ રાજ્યના 8 જિલ્લામાં સિંગલ ડીજિટમાં તાપમાન નોંધાયું છે. કચ્છના નલિયામાં તાપમાન 2 ડિગ્રી અને ગાંધીનગરમાં 5.3 ડિગ્રી સુધી પહોંચી ગયું..અમદાવાદમાં સીઝનનું સૌથી ઓછું 7.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજકોટ, ભુજ અને ડીસામાં પણ તાપમાન 10 ડિગ્રીથી નીચે છે.  
 
ઠંડી વધતા હવે અમદાવાદનાં બગીચાઓમાં કસરત કરવા આવતા લોકોની સંખ્યા પણ ઘટી રહી છે. કાતિલ ઠંડીથી હવે કચ્છમાં પણ માઉન્ટ આબુ જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અબડાસાના નાની વમોટીમાં બરફની ચાદર પથરાઈ ગઈ. બાઇકની સીટ પર બરફ જામી ગયો. જમ્મુ કાશ્મીરમા ભારે બરફ વર્ષા થઈ રહી છે ત્યારે રાજયભરમા તાપમાન નીચું રહ્યું છે ત્યારે ભારે ઠંડીના લીધે રણ વિસ્તાર નજીક આવેલા કચ્છના રાપર તાલુકાના અનેક ગામોમાં વહેલી સવારે ઠંડીના લીધે હિમપાત થયો છે જેના લીધે બીજા દિવસે પણ ખેતરમાં રવિ પાક પર બરફ જામી ગયો હતો તો ઝાકળના લીધે વાસણો પર પણ બરફ જામી ગયો હતો ખેંગારપર ડાવરી સહિતના ગામોમા બરફ જામેલો હોવાનું ખૈડુતોએ જણાવ્યું હતું.

જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના પર્વતીય ભાગોમાં સતત હિમવર્ષા થતા મધ્ય ભારત સુધીના મેદાની ભાગોમાં બર્ફિલા ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે ઉત્તર ભારતને ઠંડીથી રાહત અપાવતો પશ્વિમિ વિક્ષોભ નબળો પડ્યો છે. તેનું પરિણામ એ આવ્યું છે કે મોટાભાગનાં ક્ષેત્રોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

દિલ્હીનું લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી અને મહત્તમ તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું છે. યુપીમાં 19 જાન્યુઆરી સુધી ભીષણ ઠંડીની આગાહી છે. રાજ્યમં તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી નીચે જઈ શકે છે. રાયબરેલી, લખનઉ, ઝાંસી, કાનપુર, ગોરખપુર સહિતનાં પૂર્વાંચલના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. 19 જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં કોલ્ડ ડેની સ્થિતિ જોવા મળી શકે છે. બિહારમાં પટના સહિતનાં 11 જિલ્લામાં તાપમાન શૂન્યની નજીક પહોંચી ગયું છે.  

ઉત્તરાખંડમાં શીતલહેર વચ્ચે સતત પાંચ દિવસથી હિમવર્ષા થઈ રહી છે. પર્વતીય ભાગો પર બરફના થર પથરાઈ ગયા છે, તો મેદાની ભાગોમાં કાતિલ ઠંડી વચ્ચે વરસાદે લોકોની હાલાકી વધારી છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં હિમવર્ષા થઈ રહી છે. જો કે હિમવર્ષા વચ્ચે પર્યટકોને મજા પડી ગઈ છે.

હિમાચલ પ્રદેશમાં બે દિવસ સુધી સતત હિમવર્ષા બાદ હિમવર્ષાએ બ્રેક લીધો છે. જો કે 18 અને 19 જાન્યુઆરીએ હિમવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. હિમાચલમાં હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે...ચાર નેશનલ અને બે સ્ટેટ હાઈવે સહિત 276 રસ્તા બંધ છે. શુક્રવારે લાહૌલ સ્પિતીમાં ભારે ભરખમ હિમખંડ તૂટી પડ્યો હતો. આ સ્થિતિ વચ્ચે પણ શિમલા અને મનાલી સહિતનાં પર્યટન સ્થળો પર પર્યટકો બરફ વચ્ચે મજા માણી રહ્યા છે.
 
તો આ તરફ જમ્મુ કાશ્મીરમાં પણ સતત હિમવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગે લોકોને હિમવર્ષાથી બચીને રહેવાની ચેતવણી આપી છે, કેમ કે 18 જાન્યુઆરી સુધી પરિસ્થિતિ આવી જ રહેવાની આગાહી છે. સતત હિમસ્ખલનથી જોખમ વધ્યું છે, 12 જિલ્લામાં હજુ હિમસ્ખલનની આગાહી છે. કાશ્મીર ખીણમાં લઘુત્તમ તાપમાન માઈનસમાં અને મહત્તમ તાપમાન 5થી 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

શ્રીનગર અને કાશ્મીર ખીણમાં બે દિવસથી થઈ રહેલી હિમવર્ષાએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે જોડતાં હાઈવે પર ટ્રાફિક પ્રભાવિત થયો છે. કાશ્મીર ખીણમાં પણ ઘણી જગ્યાએ વાહનવ્યવહારને રોકવો પડ્યો છે. 

તો આ તરફ રાજસ્થાનમાં પણ ઠંડીનો જુલમ જારી છે. ઠંડી નવા રેકોર્ડ સર્જી રહી છે. પાંચ દિવસ માટે રાજ્યનાં 16 શહેરોમાં શીતલહેર માટેનાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે. આ દરમિયાન તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. માઉન્ટ આબુમાં ઠંડીનો 23 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. રવિવારે માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ 7 ડિગ્રી નોંધાયું છે. આ પહેલા 27 જાન્યુઆરી 2001નાં રોજ તાપમાન માઈનસ 6.8 ડિગ્રી નોંધાયું હતું. ચુરુમાં માઈનસ 2.5 ડિગ્રી અને સીકરમાં 0.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

સીકરના ફતેહપુરમાં સતત ત્રીજા દિવસે લઘુત્તમ તાપમાન માઈનસ 3.7 ડિગ્રી રહેતાં ખેતરોમાં બરફ જામી ગયો છે. મેદાની વિસ્તારોમાં આ તાપમાન સૌથી ઓછું છે. ઝાડ પરના પાંદડા અને ડાળીઓ બરફમાં લપેટાઈ ગઈ છે. કાતિલ ઠંડીના કારણે જનજીવન થંભી ગયું છે..

આ શિયાળામાં ઠંડી મોડી શરૂ થતા લોકોને ફરિયાદ હતી. મોડી શરૂ થયેલી ઠંડીએ લોકોની ફરિયાદ તો દૂર કરી દીધી, પણ સાથે જ હાલાકી પણ વધારી છે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news