Gujarat Rains: ગુજરાત પર મેઘરાજા મહેરબાન! નદી-નાળા અને ડેમ છલકાયા, જાણો ક્યાં કેવી છે પરિસ્થિતિ?

છેલ્લા 24 કલાકમાં 200 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ત્યારે ધોધમાર વરસાદથી સુરતના માંડવીનો કાકરાપાર ડેમ, વાપીની દમણગંગા નદી, સુરતનો દેવઘાત વોટરફોલ અને નર્મદાના ગરૂડેશ્વરનો વિયર કેમ કોઝ-વે ઓવરફ્લો થયો છે.

Gujarat Rains: ગુજરાત પર મેઘરાજા મહેરબાન! નદી-નાળા અને ડેમ છલકાયા, જાણો ક્યાં કેવી છે પરિસ્થિતિ?

Gujarat Monsoon 2023: ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 200 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ત્યારે ધોધમાર વરસાદથી સુરતના માંડવીનો કાકરાપાર ડેમ, વાપીની દમણગંગા નદી, સુરતનો દેવઘાત વોટરફોલ અને નર્મદાના ગરૂડેશ્વરનો વિયર કેમ કોઝ-વે ઓવરફ્લો થયો છે.

ઉપરવાસમાં ભારે વરસાદથી સુરતના માંડવીનો કાકરાપાર ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થતા લોકોમાં ખુશી છે. કાકરાપાર ડેમ ભરાતા સિંચાઈની સમસ્યાનો અંત આવશે. કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મધુબન ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે મધુબન ડેમમાંથી 20 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. પાણી છોડાતા ઔરંગા, કોલક, દમણગંગા નદી તોફાની બની હતી. જેથી નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા લોકોને સૂચના અપાઈ.

સુરત જિલ્લામાં ભારે વરસાદથી પકૃતિ ખીલી ઉઠી છે. જિલ્લાનો એકમાત્ર દેવઘાત વોટરફોલ ઓવરફ્લો થયો છે. જેથી વોટરફોલની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી. વોટરફોલના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધતાં નર્મદા નદીમાં પાણી છોડાયું છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા નદીમાં પાણી છોડાયું. જેથી ગરૂડેશ્વરનો વિયર કેમ કોઝ-વે સિઝનમાં પ્રથમવખત ઓવરફ્લો થયો છે. વિયરડેમ છલકાતા પ્રવાસીઓએ આહ્લાદક નજારો માણ્યો છે.

સૌરાષ્ટ્રના ડેમ અને નદી ઓવરફ્લો
સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. સૌરાષ્ટ્રના ડેમ ઓવરફ્લો થયા છે. તો નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉનાનો જમજીર ધોધ, સુરેન્દ્રનગરનો નાયકા ડેમ, જૂનાગઢનો ભાખરવાડ ડેમ, અમરેલીની સાતલડી નદી અને હસનપુર ડેમ ઓવરફ્લો થયો છે. આ તમામ ડેમ ઓવરફ્લો થતાં લોકોને નદીના પટમાં ન જવા સૂચના અપાઈ છે. ઉનાના જમજીર ધોધના ભાયવહ દ્રશ્યો સામે આવ્યા છે. જમજીર ધોધ શિંગોડા નદી પર આવેલો છે. સુરેન્દ્રનગરમાં ચોમાસાની શરૂઆતે જ સારો વરસાદ થથાં નાયકા ડેમમાં પાણીની આવક થઈ છે.

સુરેન્દ્રનગરના જિલ્લાના 11માંથી 9 ડેમમાં નવા નીરની આવક થઈ છે. નવા નીરની આવક વધતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. તો માળિયાહાટીનાનો ભાખરવાડ ડેમ પણ છલકાયો છે. માળિયાહાટીના તાલુકાનો જીવાદોરી સમાન ડેમ છલકાતા લોકોમાં ખુશી જોવા મળી. અમરેલીનો મુંજીયાસર ડેમ ઓવરફ્લ થતા સાતલડી નદી ગાંડીતૂર બની. બગસરાથી શાપર તરફ જવાના પુલ પર ફરી વળ્યા પાણી.

સાતલડી નદીમાં પૂર આવતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા. જૂનાગઢને પાણી પુરું પાડતો હસનાપુર ડેમ ઓવરફ્લો થયો. ગિરનાર પર્વત પર ભારે વરસાદથી ડેમમાં નવા નીર આવ્યા. જૂનાગઢના ભેસાણમાં ધોધમાર વરસાદ પછી ઉબેણ ડેમ ઓવરફ્લો થયો. ભેસાણ તાલુકાનો ઉબેણ ડેમ સૌથી મોટો ડેમ છે. ઉબેણ ગામ હેઠળ કુલ 17 ગામો આવે છે.

નવસારીમાં ભારે વરસાદથી કાવેરી નદીમાં વધ્યું જળસ્તર
નવસારીમાં છેલ્લા 6 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે., મેઘ તાંડવથી નવસારીની કાવેરી નદીમાં જળસ્તર વધ્યું છે જેથી એલર્ટ આપવામાં આવ્યું છે. બીલિમોરાના કિનાર વિસ્તારમાં નદીના પાણી ભરાયા છે. દેસારા અને કુંભારવાડ સામેના વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. પાણી ભરાતા વાહનચાલકોની અવરજવર બંધ થઈ. ત્યારે પુરની સ્થિતિમાં તંત્રની કોઈ મદદ ન મળી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. કાવેરી નદી પર વાઘરેચ ટાઈડલ ડેમના લીધે પાણી ભરાતું હોવાનો સ્થાનિકોને અનુમાન છે. પ્રોટેક્શન વોલમાંથી પાણીનો નિકાલ ન થતાં લોકો પરેશાન થયા છે.

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? 
ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો જુનાગઢના ભેસાણમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વિસાવદર તાલુકામાં 6 કલાકમાં 7 ઈંચ વરસાદ, અમરેલીના ધારી તાલુકામાં સવા પાંચ ઈંચ વરસાદ, નવસારીના ખેરગામમાં સાડા ચાર ઈંચ વરસાદ, વલસાડના પારડી તાલુકામાં ચાર ઈંચ વરસાદ, વાપી, જલાલપોર અને મહુવામાં સાડા ત્રણ ઈંચ વરસાદ, વલસાડ અને ચીખલી તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ અને તાલાલા અને નવસારી શહેરમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. જુનાગઢ, જામનગર, રાજકોટ, સોમનાથ, અમરેલી, જિલ્લાઓમાં અન્યત્ર ત્રણથી પાંચ ઈંચ વરસાદથી સૌરાષ્ટ્ર જળતરબોળ થઈ ગયું હતું. જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓજત નદી બે કાંઠે વહેતી થઈ છે, જેનું સીધું પાણી ઘેડ પંથકમાં પહોંચ્યું છે. ઘેડ પંથકના અનેક ગામડાઓમાં ભારે વરસાદને લઈને જમીનોનું પણ ધોવાણ થયું છે.

શંકર ધોધ સક્રિય થયો
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આવેલ શંકર ધોધ સક્રિય થયો છે. ધોધ સક્રિય થતા કુદરત સોળે કળાએ ખીલી ઉઠતા ગુજરાત જ નહી, મહારાષ્ટ્રથી સહેલાણીઓ ધોધની મજા લેવા આવતા હોય છે. વલસાડ જિલ્લામાં મેઘ મહેર થતા જિલ્લાના અંતળિયાળ વિસ્તારમાં આગેલા અનેધ ધોધ સક્રિય થયા છે, ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાઘવળ ગામ ખાતે આવેલ શંકર ધોધ સક્રિય થતા આલોકીક દશ્યો સર્જાયા હતા. 

વાઘવળ ગામે આવેલો શંકર ધોધ જોવા ગુજરાત જ નથી પરંતુ મહારાષ્ટ્રથી પણ સહેલાણીઓ ધોધની મજા લેવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. વરસાદ સાથે ધોધ પડતા ધરમપુરના પહાડોમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હતી. વાદળોથી ઘેરાયેલા પહાડો સાથે શંકર ધોધ એક આલોકીક નજારો ધરમપુર તાલુકા ખાતે જોવા મળ્યો હતો. ધરમપુરના પહાડોમાં સિમલા મનાલી જેવો માહોલ સર્જાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news