'તલવારથી કેક કાપતા વિડીયો તો ઘણા જોયા હવે જુઓ...', મિત્રના જન્મદિવસમાં અતિ ઉત્સાહમાં...
મિત્રના જન્મદિવસમાં અતિઉત્સાહમાં આવી ગેરકાયદેસર હથિયારથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનો બનાવ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. સેટેલાઇટ પોલીસે ફાયરિંગ કરનારની પીસ્ટલ સાથે ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ પોલીસનો ડર ગુનેગારમાંથી જતો રહ્યો હોય તેવા બનાવ દિવસેને દિવસે બની રહ્યા છે. મિત્રના જન્મદિવસમાં અતિઉત્સાહમાં આવી ગેરકાયદેસર હથિયારથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનો બનાવ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. સેટેલાઇટ પોલીસે ફાયરિંગ કરનારની પીસ્ટલ સાથે ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.
સેટેલાઇટ પોલીસ અને ઝોન 7 એલસીબીની ગિરફ્તમાં ઉભેલા શખ્સનું નામ ભરત ભરવાડ છે. જેણે બુધવારે મોડી રાત્રે ગેરકાયદેસર હથિયારથી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો. આ મેસેજ મળતાની સાથે જ સેટેલાઇટ પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસની બાદ સામે આવ્યું હતું કે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે અને આ ફાયરિંગ ભરત ભરવાડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગ કરનારની ઝોન 7 એલસીબીએ તાત્કાલિક ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી.
આરોપી ભરત ભરવાડની ધરપકડ બાદ પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેના મિત્ર હિરેન ઠક્કરનો જન્મ દિવસ હતો. તેની ઉજવણી માટે મિત્રો ભેગા થયા હતા. ત્યારે અતિ ઉત્સાહમાં આવીને આ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપી ભરત ભરવાડની આ વાત કેટલી કે સાચી છે એ અંગે પોલીસે વધુ તપાસ શરુ કરી છે. ગેરકાયદેસર હથિયાર ક્યાંથી લાવ્યો એ બાબતે પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેના સંબંધી રાજકોટ ખાતે રહેતા મહેશ ગમારા પાસેથી લાવ્યો હતો. સેટેલાઇટ પોલીસે મહેશ ગમારાની શોધખોળ શરૂ કરી છે.
હાલ ફાયરિંગ અને ગેરકાયદેસર હથિયાર રાખવાના કેસમાં આરોપી ભરત ભરવાડની ધરપકડ કરીને આરોપી ભરત ભરવાડ પર અન્ય કોઈ ગુના નોંધાયેલ છે કે કેમ એ અંગે વધુ તપાસ પોલીસે શરૂ કરી છે. જન્મ દિવસની ઉજવણીમાં તલવારથી કેક કાપતા વિડીયો તો જોયા હતા પણ જન્મ દિવસની ઉજવણીમાં ફાયરિંગ કરવાની ઘટનાથી ગુનેગારોએ પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે