અરજી કરતા પહેલા જાણી લેજો, વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપનો નિયમ બદલાયો, નહિ તો નહિ મળે શિષ્યવૃત્તિ

Scholarship Rule Change : પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં નિયમો હળવો કરવા રજૂઆત... પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખ્યો... ઓનલાઈન પ્રક્રિયામાં રેશનકાર્ડ નંબર દૂર કરી પ્રક્રિયા સરળ કરવી રજૂઆત..

અરજી કરતા પહેલા જાણી લેજો, વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપનો નિયમ બદલાયો, નહિ તો નહિ મળે શિષ્યવૃત્તિ

Gujarat Government : વિદ્યાર્થીઓને અભ્યાસમાં કરતા સહાય એટલે શિષ્યવૃત્તિના નિયમમાં આવેલા બદલાવથી વિદ્યાર્થીઓની તથા માતાપિતાની મુશ્કેલીઓ વધી છે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓની બેંક એકાઉન્ટ, જાતિ સહિતની તમામ વિગતો ઉપલબ્ધ હોવા છતાં સરકાર દ્વારા હવે સ્કોલરશીપ માટે રેશનકાર્ડ લિંક કરવાનું નવું તૂત ઉભું કરવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ સંકટમાં મૂકાયા છે. નવા આદેશને પગલે વિદ્યાર્થીઓ આર્થિક સહાયથી વંચિત રહી જશે. 

શિષ્યવૃત્તિને લઈ એક વિદ્યાર્થીની અરજી વાયરલ થઈ છે. જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં નિયમો હળવો કરવા કાલેઘેલી ભાષામાં એક વિદ્યાર્થીએ રજૂઆત કરી છે. પ્રાથમિક શિક્ષક સંઘે પણ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખી પ્રાથમિક શાળામાં અપાતી શિષ્યવૃત્તિમાં નિયમો હળવા કરવા રજૂઆત કરી છે. ઓનલાઈન પ્રક્રિયામાં રેશનકાર્ડ નંબર દૂર કરી પ્રક્રિયા સરળ કરવા રજૂઆત કરાઈ છે. 

શું છે નવો ફતવો
સરકારના જુદાજુદા વિભાગ દ્વારા રેશનકાર્ડના ડેટા બેઝમાં તમામ વિદ્યાર્થીઓનું આધાર બેઝ્ડ બાયોમેટ્રિક ઈ-કેવાયસી કરવાનો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ સાથે હવે રેશનકાર્ડને જોડવા માટેના આદેશ કરાયો છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પણ સ્કૂલોના આચાર્યોને પરિપત્ર કરી સૂચના અપાઈ છે. જેમાં જણાવાયું છે કે, શાળાના જે વિદ્યાર્થીના નામ રેશનકાર્ડમાં ન હોય તેવા વિદ્યાર્થીઓની યાદી બનાવી અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રણની કચેરીમાં જમા કરાવી વિદ્યાર્થીઓના નામ રેશનકાર્ડમાં ચઢાવવાના રહેશે. જેમની પાસે રેશનકાર્ડ જ નથી તેવા વિદ્યાર્થીઓએ નવું રેશનકાર્ડ કઢાવવાનું રહેશે. જોકે આ તમામ પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો સ્કોલરશીપ નહીં મળે. 

એક વિદ્યાર્થીની અરજી
એક વિદ્યાર્થીએ સ્કોલરશિપની આંટીઘૂંટીથી કંટાળીને શાળાના આચાર્યને અરજીમાં કહ્યું કે, સાહેબ શ્રી શિષ્યવૃત્તિ માટે એટલા બધા કાગળને આધાર પુરાવા અપડેટ માંગવામાં આવે છે કે, મારા માતા પિતા વારંવાર તાલુકાના ધક્કા ખાધા છતાં પુરૂ થતુ નથી. તેથી કંટાળી મારા માતાએ કહ્યું કે, આપણને શિષ્યવૃત્તિ નથી જોઈતી. આપનો આજ્ઞાંકિત વિદ્યાર્થી.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે પ્રક્રિયા સરળ કરવા રજૂઆત કરી હતી. પરંતું શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા છતાં શિષ્યવૃત્તિની સહાયની પ્રક્રિયા સરળ કરાઈ નથી. શિષ્યવૃત્તિની સહાયની પ્રક્રિયા સરળ ન કરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ કંટાળ્યા છે. આખરે એક વિદ્યાર્થીએ શિષ્યવૃત્તિની સહાયની પ્રક્રિયાથી કંટાળી શિષ્યવૃત્તિ લેવાનો ઇન્કાર કર્યો છે. શિષ્યવૃત્તિ લેવાનો ઈન્કાર કરતો પત્ર આચાર્યને અને વર્ગ શિક્ષકને લખ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news