રાજકોટમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાની વ્યવસ્થાઓ પૂર્ણ, 95790 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
રાજકોટ જીલ્લામાં પણ પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ જીલ્લામાં ધોરણ 10નાં 57060 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12માં 38730 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનાં છે.
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ: ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 7 માર્ચ થી શરૂ થઇ રહી છે. ત્યારે રાજકોટ જીલ્લામાં પણ પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ જીલ્લામાં ધોરણ 10નાં 57060 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12માં 38730 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનાં છે. ત્યારે રાજકોટ જીલ્લા શિક્ષણાધીકારી દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
આગામી 7 માર્ચથી ધોરણ 10 અને 12ની માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે. ત્યારે રાજકોટ જીલ્લામાં 10 ઝોનમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જેમાં ધોરણ 10 માટે 5 અને ધોરણ 12 માટે 5 ઝોન ગોઠવણી કરવામાં આવી છે. રાજકોટ જીલ્લામાં ધોરણ 10ની પરીક્ષા માટે 57,060 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે ધોરણ 12માં સામાન્ય વિભાગમાં 28410 જ્યારે સાયન્સ વિભાગમાં 10320 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનાં છે. રાજકોટ જીલ્લા શિક્ષણાધીકારીનાં કહેવા મુજબ, રાજકોટ જીલ્લામાં ગત વર્ષે 387 બિલ્ડીંગો સીસીટીવી કેમેરા વગરની હતી. જેમાંથી 300 બિલ્ડીંગોમાં સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. જ્યારે સીસીટીવી વગરની 87 બિલ્ડીંગોમાં ટેબલેટ મારફતે મોનીટરીંગ કરવામાં આવશે.
કઇ રીતે ગોઠવાશે વ્યવસ્થા...?
રાજકોટ જીલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા વિદ્યાર્થીઓ મુક્તમન થી આપી શકે તે માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. જેમાં 357 બિલ્ડીંગમાં પરીક્ષા લેવામાં આવશે. 3368 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવશે. 95,790 વિદ્યાર્થી પરીક્ષા આપશે. ક્લાસ 1 અને 2 અધીકારીઓ તૈનાત રહેશે. સંવેદનશીલ બિલ્ડીંગો પર SRP અને હથીયારધારી પોલીસ તૈનાત કરવામાં આવશે. ધોરણ 10માં હોય તેજ સુપરવાઇઝરને ધોરણ 12ની પરીક્ષાનું પણ સુપરવિઝન કરવું પડશે.
રાજકોટ જીલ્લા કલેક્ટર અને પોલીસ કમિશ્નર દ્વારા પરીક્ષા કેન્દ્રો આસપાસનાં 100 મીટર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 7 માર્ચ થી રાજકોટ શહેર અને જીલ્લામાં આવેલા તમામ પરીક્ષા કેન્દ્રો આસપાસ ઝેરોક્ષ મશીન, નેટ કનેક્ટીવીટી બંધ રાખવા અને 4 થી વધુ લોકોએ એકત્ર થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જીલ્લા શિક્ષણાધીકારીનાં કહેવા મુજબ, રાજકોટ જીલ્લાનાં 17 અતી સંવેદનશીલ બિલ્ડીંગો હતી જેમાં ગત વર્ષનાં અનુભવોને ધ્યાને લઇને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બોર્ડની પરીક્ષામાં છાત્રો જેતે સેન્ટર પર આવતીકાલથી પોતાનો સીટ નંબર જોઇ શકશે. જ્યારે રાજકોટ જીલ્લામાં 37 જેટલા કેન્દ્રો અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં મહેસુલી તંત્રનાં ક્લાસ 1 અને 2 કક્ષાનાં અધીકારીઓ સીધી જ ચકાસણી કરશે. પરીક્ષામાં ગેરરીતી અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે અને તે પ્રમાણે ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. સાથે સાથે ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોર્ડ પણ ગમે ત્યારે ચેકિંગ માટે ઉતારવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે