પરિસ્થિતિ સામે હાર્યો જગતનો તાત, સુરેન્દ્રનગરના વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી

સુરેન્દ્રનગરના સાંગોઇના મનસુખ કરસન નામના ખેડૂતે આપઘાત કરીને મોત વ્હાલુ કર્યું છે. ખેડૂતને સંતાનોમાં 3 દિકરી અને બે પુત્ર છે. સાત વીઘા જમીનમાં કપાસનો પાક નિષ્ફળ જતા ખેડૂતે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે.

પરિસ્થિતિ સામે હાર્યો જગતનો તાત, સુરેન્દ્રનગરના વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર/ગુજરાત : ગુજરાતમા વધુ એક ખેડૂતે આર્થિક સમસ્યા સામે હારી ગયો, અને તેને મોત વ્હાલુ કર્યું. સુરેન્દ્રનગર સાયલા તાલુકાના સાંગોઇ ગામના ખેડૂતે પાક નિષ્ફળ જતા ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો છે. છેલ્લા 15 દિવસમાં સાયલા તાલુકામાં પાક નિષ્ફળ જતાં બીજા ખેડૂતે આત્મહત્યા કરી છે.  

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના સાંગોઇના મનસુખ કરસન નામના ખેડૂતે આપઘાત કરીને મોત વ્હાલુ કર્યું છે. ખેડૂતને સંતાનોમાં 3 દિકરી અને બે પુત્ર છે. સાત વીઘા જમીનમાં કપાસનો પાક નિષ્ફળ જતા ખેડૂતે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. હાલ ખેડૂતના મૃતદેહને પીએમ અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ખેડૂત પરિવારમાં શોકની લાગણી પ્રસરાઈ ગઈ છે. તેમજ સાંગોઈના અન્ય ખેડૂતો પણ ચિંતામાં ડુબ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસમાં ખેડૂતના આત્મહત્યા કરવાની આ બીજી ઘટના છે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 મહિનામાં 17થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જેનું કારણ પાકમાં મળતી નિષ્ફળતા છે. રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈને ખેડૂતોને રડવાનો વારો આવી રહ્યો છે. આ મામલે અનેક ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર પંથકમાં ખેડૂતોએ રવિ પાક માટે સિંચાઈનું પાણી આપવાની માંગ કરી હતી. લખતર તાલુકાના ખેડૂતોએ મામલતદાર કચેરીમાં હોબાળો કર્યો હતો. જગતના તાતને હવે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે, ખેતીવાડી છોડીને તેમણે સરકારી ઓફિસોના ચક્કર લગાવવા પડી રહ્યાં છે. 

બીજી તરફ, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં રાજ્યોમાં ખેડૂતોની વધતી આત્મહત્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાજ્ય સરકારે ખેડુતોની આત્મહત્યા અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંધનામુ ન કર્યું હોવાનો પણ પત્રમાં  ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યુ છે કે, નોટબંધીથી ખેડૂતોની કમર તૂટી છે. ખેત મજુર અને ખેડૂતો નોટબંધીથી બેહાલ થયા છે. તેમણે ખેડુતોના દેવા માફીની અને પશુપાલકોના સંતાનોની શિક્ષણ ફી માફ કરવા માંગ કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news