પોલીસ અધિકારીઓના હનીટ્રેપની વાતો માત્ર અફવા, ઘટનાની તપાસ બાદ પોલીસ વિભાગની પ્રતિક્રિયા

રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા પોલીસ અધિકારીઓના હનીટ્રેપના સમાચાર માત્ર અફવા છે. રાજ્યના પોલીસ વડા આશીષ ભાટીયા દ્વારા આ ઘટનાના તપાસના આદેશ આપ્યા હતા. પોલીસ વિભાગની તપાસ બાદ આ વાત માત્ર અફવા હોવાનું સામે આવ્યું છે. 

પોલીસ અધિકારીઓના હનીટ્રેપની વાતો માત્ર અફવા, ઘટનાની તપાસ બાદ પોલીસ વિભાગની પ્રતિક્રિયા

ગાંધીનગરઃ ગુજરાતના પોલીસ તંત્રમાં ચકચાર મચાવનાર હની ટ્રેપનો મામલે મોટો ખુલાસો થયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીને સોંપાયેલી તપાસ પૂર્ણ થઈ ગઈ છે. એમપીની રૂપાળી કથિત યુવતીના નિવેદનમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. આખરે આ કેસમાં રાઈનો પહાડ બનાવ્યાનું ચિત્ર ઉપસી આવ્યું છે. યુવતીએ પણ મીડિયા અને સોશિયલ મીડિયામાં આવતી વાતોને નકારી કાઢી છે.
રાજ્યના પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તપાસમાં આક્ષેપો અંગે કોઈ સમર્થન કે પૂરાવા મળ્યા નથી. 

રાજ્યના પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી પ્રમાણે આઠ મહિના પહેલા કરાઈ એકેડમી ખાતે કોઈ યુવતી હોર્સ રાઈડીંગની તાલીમ મેળવવા આવેલ નથી. નોંધનીય છે કે એવા સમાચાર વહેતા થયા હતા કે હોર્સ રાઈડીંગની તાલીમ દરમિયાન આઈપીએસ અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા. પોલીસ વિભાગે કહ્યું કે, એકેડમી ખાતે માત્ર પોલીસ અધિકારીઓને જ હોર્સ રાઈડીંગની તાલીમ આપવામાં આવે છે અને ખાનગી વ્યક્તિ માટે કોઈ તાલીમનો કોર્ષ ચાલતો નથી. 

હનીટ્રેપ મામલાની તપાલમાં યુવતી તથા તેના પરિવારના સભ્યોના વિગતવાર નિવેદન લેવામાં આવ્યા હતા. જેમાં યુવતીએ પ્રસિદ્ધ થયેલા સમાચાર મુજબ કોઈ બનાવ ન બનવાનું કહ્યું હતું. પોલીસ વિભાગે આપેલી માહિતી પ્રમાણે યુવતીના મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ પણ કરવામાં આવી હતી. આ યુવતી સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ હનીટ્રેપના સમાચારોમાં સામે આવ્યું હતું કે આ યુવતી ઈન્દોરની છે. પરંતુ ગુજરાતના પોલીસ વિભાગે આપેલી માહિતી પ્રમાણે આ યુવતી ગુજરાતની સ્થાનીક છે. 

પોલીસ વિભાગે કહ્યું કે, આ યુવતી અત્યાર સુધી કોઈ આઈપીએસ અધિકારીને રૂબરૂ મળી નથી. તપાસ દરમિયાન આ વાત સામે આવી છે. પોલીસ વિભાગે કહ્યું કે જે ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, તેમાંથી માત્ર બે ફોટા જ કરાઈ ખાતે જુલાઈ-2020ના છે. આ સિવાયના ફોટો અન્ય સ્થળો પર યુવતીએ કરેલ હોર્સ રાઈડીંગના છે. એટલે કે રાજ્યમાં આઈપીએસ અધિકારીઓના હનીટ્રેપની વાત પાયાવિહોણી છે. આ પ્રકારની કોઈ ઘટના રાજ્યમાં બની નથી. પોલીસ વિભાગ દ્વારા આ મુદ્દે તપાસ કર્યા બાદ માહિતી આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news