હઠીલા ટીબીના દર્દીની સારવાર હવે ઓનલાઈન થશે, દવા નહિ લો તો લાઈટ થશે

હવે ટીબીના દર્દીઓની સારવાર ડિજીટલી માધ્યમથી થશે. નર્મદા જિલ્લામાં પાયલોટ પ્રોજેકટ હાથ ધરાયો છે. ટીબીની દવાના બોક્સમાં એક ડીવાઈઝ ફિટ કરવામાં આવ્યું છે, જે સીધું જ ટીબીના સોફ્ટવેર નીક્ષય સાથે કનેક્ટેડ છે. જો દર્દી દવા લેવાનું ભૂલી જશે તો ટીબીના નિક્ષય સોફ્ટવેરમાં એ દર્દીની સામે લાલ અને જો દવા લીધી હશે, તો ગ્રીન લાઈટ બતાવશે. 
હઠીલા ટીબીના દર્દીની સારવાર હવે ઓનલાઈન થશે, દવા નહિ લો તો લાઈટ થશે

ઝી મીડિયા/બ્યૂરો :હવે ટીબીના દર્દીઓની સારવાર ડિજીટલી માધ્યમથી થશે. નર્મદા જિલ્લામાં પાયલોટ પ્રોજેકટ હાથ ધરાયો છે. ટીબીની દવાના બોક્સમાં એક ડીવાઈઝ ફિટ કરવામાં આવ્યું છે, જે સીધું જ ટીબીના સોફ્ટવેર નીક્ષય સાથે કનેક્ટેડ છે. જો દર્દી દવા લેવાનું ભૂલી જશે તો ટીબીના નિક્ષય સોફ્ટવેરમાં એ દર્દીની સામે લાલ અને જો દવા લીધી હશે, તો ગ્રીન લાઈટ બતાવશે. 

પ્રધાનમંત્રી મોદીને ડિજીટલ ઈન્ડિયાનું સૂત્ર આપ્યું છે. ત્યારે સરકારે હઠીલા ટીબીની ડિજીટલ રીતે સારવાર કરવાનું નક્કી કર્યું છે. હાલ ગુજરાતના નર્મદા સહિત જામનગર, સુરત, ગાંધીનગર, ભરૂચ, રાજકોટ અને બનાસકાંઠામાં એ માટેનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. પાયલોટ પ્રોજેક્ટમાં સફળતા મળ્યા બાદ આખા ગુજરાત અને દેશભરમાં એ સારવાર પદ્ધતિ લાગુ કરાશે. 

આ પ્રોજેક્ટ વિશે નર્મદા જિલ્લાના ક્ષય અધિકારી ડો. ઝંખના વસાવાએ જણાવ્યું હતું કે, હવે મલ્ટી ડ્રગ રેજિસ્ટન્ટ ટીબી (હઠીલો ટીબી) ની સારવાર ડિજીટલ ટેકનોલોજી MERM (Medication Event And Reminder Monitor) થી દવા આપવાનો પાયલોટ પ્રોજેક્ટ નર્મદા જિલ્લામાં હાથ ધરાયો છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના 2 દર્દીઓને 19 જાન્યુઆરીથી આ પદ્ધતિ દ્વારા સારવાર પર મુકાયા છે. 

કેવી રીતે કામ કરે છે આ સોફ્ટવેર
આ પદ્ધતિમાં હઠીલા ટીબીના દર્દીને આપવામાં આવતા એક માસના દવાના બોક્સમાં એક ઇલેક્ટ્રોનિકસ ડિવાઈઝ ફિટ કરવામાં આવ્યું છે. એ ડિવાઈઝના IMEI નંબરને ટીબીના નિક્ષય નામના સોફ્ટવેર સાથે કનેક્ટેડ કરાયું છે. એ સોફ્ટવેરમાં ટીબીના દર્દીની તમામ માહિતી પહેલેથી એડ કરેલી હોય છે. જે તે દર્દીને દવા લેવા માટેનો એક ચોક્કસ સમય સેટ કરેલો હોય છે. જો દર્દી એ સમયે દવા લેવાનું ભૂલી જાય તો દવાના બોક્સમાં અડધા કલાકમાં 3 વાર એલારામ વાગશે. છતાં જો દર્દી દવા લેવાનું ભૂલી જશે તો ટીબીના નિક્ષય સોફ્ટવેરમાં લાલ લાઈટ થશે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા ફોન કરી દર્દીને દવા લેવાનું યાદ કરાવશે, અને સાથે સાથે એમ પણ પૂછશે કે તમે કેમ સમયસર દવા લીધી નથી. જો દર્દીએ નિયત સમયે દવા લીધી હશે તો નિક્ષય સોફ્ટવેરમાં ગ્રીન લાઈટ થશે. આ ડિજીટલ બોક્સ 21.5 સેમી લાબું, 28.1 સેમી પહોળું અને 9.1 સેમી ઊંચું છે. આ બોક્સ સાથે એક ચાર્જર પણ આપવામાં આવશે. એક વાર ચાર્જ કર્યા પછી 2 મહિના સુધી એ બોક્સને ચાર્જ કરવાની જરૂર નહિ પડે. આ બોક્સની કિંમત લગભગ 4 હજાર થી 5 હજાર સુધીની છે. જે દર્દીને મફત આપવામાં આવે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news