મેનેજરે સોના સામે કરોડો રૂપિયાની લોન આપી, પછી ચેક કર્યું તો બેંકને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો
શહેરમાં બેન્ક સાથે છેતરપિંડીની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે. જો કે સામાન્ય રીતે ઠગ બાહ્ય વ્યક્તિ હોય છે. જો કે આ કિસ્સામાં કર્મચારીએ જ બેંકને ચુનો લગાડ્યો હોવાનું સામે આવ્યું છે. શહેરની એક બેન્કમાં તેના જ કર્મચારીએ રૂ.1.83 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરતાં ખળભળાટ મચી ગયો છે. જો કે પોલીસે બેન્ક મેનેજરની ફરિયાદના આધારે છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી બેન્કના કર્મચારી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
Trending Photos
રાજકોટ : શહેરમાં બેન્ક સાથે છેતરપિંડીની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે. જો કે સામાન્ય રીતે ઠગ બાહ્ય વ્યક્તિ હોય છે. જો કે આ કિસ્સામાં કર્મચારીએ જ બેંકને ચુનો લગાડ્યો હોવાનું સામે આવ્યું છે. શહેરની એક બેન્કમાં તેના જ કર્મચારીએ રૂ.1.83 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરતાં ખળભળાટ મચી ગયો છે. જો કે પોલીસે બેન્ક મેનેજરની ફરિયાદના આધારે છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી બેન્કના કર્મચારી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
રાજકોટ શહેરના A ડિવિઝન પોલીસ મથકમાં થોડા દિવસો પહેલા SBI ના રીઝનલ મેનેજરે શહેરની આર.કે. નગર બ્રાન્ચ અને જાગનાથ બ્રાન્ચના વેલ્યુયરે જ બેન્ક સાથે રૂ. 1.83 કરોડની ઠગાઇ કરી હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે મેનેજરની ફરિયાદના આધારે મુખ્યસૂત્રધાર ધવલ ચોકસી, દિપક રાણપરા સહિત ત્રણની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ કેસનો મુખ્ય સુત્રધાર ધવલ આર.કે. નગર બ્રાન્ચનો બેન્ક વેલ્યુયર હતો. પોતે જ જાગનાથ બ્રાન્ચના વેલ્યુયર દિપક રણપરા અને અન્ય એક અજીમ નામના શખ્સ સાથે મળી ડમી ગ્રાહક ઊભા કરી ખોટા સોનાનું સાચું સર્ટિફિકેટ બનાવી બેન્કમાં પાસ કરીને લોન ઉઠાવતો હતો. ડમી ગ્રાહકને પોતે 5 થી 10 હજારની રકમ આપીને સાચવી લેતો હતો. તપાસમાં આ શખ્સોએ મળી SBI બેન્ક સાથે કુલ રૂ.1.83 કરોડથી વધુની રકમની લોન મેળવી બેન્ક સાથે ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બેન્કની છેતરપિંડી મામલે વેલ્યુયર સહિત 24 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના અનુસાર ઝડપાયેલા ત્રણ શખ્સો પૈકી ધવલ ચોક્સી બેન્કનો જ પોતાનો કર્મચારી અને વેલ્યુયર તરીકે ફરજ બજાવતો હતો. આ ઉપરાંત ધવલ સોની કામની દુકાન પણ ધરાવે છે. જ્યારે દિપક ગત વર્ષે જ બેંકમાં વેલ્યુઅર તરીકે નિમાયો હતો. તો અન્ય પકડાયેલ લોન ધારક દિનેશ મૈયડ ડ્રાઇવીંગ કરે છે. ધવલ ચોકસી SBI બેંકના વેલ્યુઅર તરીકે નિમણુંક હોઇ જ્યારે પણ કોઇ ગ્રાહકને સોનાના દાગીના પર લોન લેવાની હોય ત્યારે એ દાગીનાની કિંમત આંકવાનું તેનું કામ બેંક તરફથી તેને કરવાનું હોય છે. દરમિયાન ધવલે SBIની આર. કે. નગર બ્રાંચ અને જાગનાથ બ્રાંચમાં સોનાના દાગીના જે ખોટા હતાં તે ૨૨ કેરેટના હોવાનું ખોટુ પ્રમાણપત્ર આપી સાચુ સોનુ હોવાનું કહી તેના આધારે બંને શાખાઓમાંથી કુલ રૂ. ૧,૮૩,૯૮,૬૦૦ની અલગ અલગ લોન અપાવી હતી. ધવલ સતત એક 22 કેરેટના જ પ્રમાણ પત્રો કાઢતો હોવાના કારણે બેંકના મેનેજરને આશંકા ગઇ હતી. જેના આધારે તેમણે અન્ય વેલ્યુઅર પાસે વેલ્યુએશન કરાવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
પોલીસે સમગ્ર કેસના મુખ્ય સૂત્રધાર સહિત 24 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ આદરી છે. અત્યાર સુધીમાં પાંચ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે, ધવલે શહેરની અન્ય SBI બ્રાંચોમાં પણ ઠગાઇ આચરી હશે. જેથી પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જો કે રિમાન્ડ દરમ્યાન આ 1.83 કરોડનો આંકડો વધે તો નવાઈ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે