પેરા-સ્પોર્ટ્સમાં મેડલ જીતનાર દિવ્યાંગ રમતવીરોને સરકારી નોકરી મળશે, વિજય રૂપાણીની જાહેરાત
મુખ્યમંત્રીના ખેલકૂદ પ્રેરક આ અભિગમને પરિણામે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પદક પ્રાપ્ત રાજ્યના દિવ્યાંગ રમતવીરોને વર્ગ-1 અને વર્ગ-2ની સુનિશ્ચિત જગ્યાઓ ઉપર નિમણૂંક મળશે.
Trending Photos
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા-સ્પોર્ટ્સમાં પદક પ્રાપ્ત કરનાર ગુજરાતના દિવ્યાંગ રમતવીરોને સરકારી સેવામાં નિમણૂંક આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણયના પરિણામે હવે પેરા ઓલમ્પિક, કોમનવેલ્થ, પેરા-એશિયન ગેમ્સ જેવા પેરા-સ્પોર્ટ્સમાં પદક-મેડલ પ્રાપ્ત કરનાર દિવ્યાંગ રમતવીરોને સીધી ભરતીથી રાજ્ય સરકારની વર્ગ-૧ અને વર્ગ-૨ સેવામાં નિમણૂંક આપવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા-સ્પોર્ટ્સમાં પદક પ્રાપ્ત કરનાર દિવ્યાંગ રમતવીરોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં દિવ્યાંગજનો માટે સુનિશ્ચિત કરાયેલી જગ્યાઓ માટે પૂર્વનિર્ધારિત શરતો અને નિમણૂંક અંગેની કાર્યપદ્ધતિઓને અનુસરીને નિમણૂંક પ્રસ્તાવ અપાશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ગુજરાત ખેલકૂદ નીતિ-2016 અન્વયે રાજ્યના રમતવીરોને પ્રોત્સાહન આપવા ઓલમ્પિક, કોમનવેલ્થ અને એશિયન રમતોમાં મેડલ પ્રાપ્ત કરનાર રમતવીરોને રાજ્ય સરકારની વર્ગ-1 અને વર્ગ-2ની સેવામાં સીધી ભરતીથી નિમણૂંક આપવાની નીતિ હાલ અમલમાં છે.
હવે, મુખ્યમંત્રીએ દિવ્યાંગ ખેલાડીઓ-રમતવીરોને પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા-સ્પોર્ટ્સમાં તેમની પદક પ્રાપ્તિની સિદ્ધિઓના પ્રોત્સાહનરૂપે રાજ્ય સરકારની સેવામાં વર્ગ-1,2ની દિવ્યાંગો માટે સુનિશ્ચિત જગ્યા ઉપર સીધી ભરતીથી નિમણૂંક આપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ખેલકૂદ પ્રેરક આ અભિગમથી રાજ્યમાં દિવ્યાંગ રમતવીરોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા-સ્પોર્ટ્સમાં પોતાનું કૌવત ઝળકાવવાનું વધું પ્રોત્સાહન મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે