એક શિક્ષીત બેરોજગાર યુવકની અનોખી સેવા, બ્રીજ નીચે દરરોજ ગરીબ બાળકોને આપી રહ્યો છે શિક્ષણ

અમદાવાદના બહેરામપુરા વિસ્તારની ઝુંપડપટ્ટીના 50થી વધુ બાળકોને એક શિક્ષીત બેરોજગાર યુવક, છેલ્લા સાત મહીનાથી એક ફ્લાયઓવરની નીચે ખુલ્લી જગ્યામાં વિનામુલ્યે શિક્ષણ આપીને તેઓનુ ભવિષ્ય ઉજ્જવળ કરવાની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યો છે.
 

એક શિક્ષીત બેરોજગાર યુવકની અનોખી સેવા, બ્રીજ નીચે દરરોજ ગરીબ બાળકોને આપી રહ્યો છે શિક્ષણ

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ કોરોનાની આ મહામારીમાં સૌથી વધુ અસર થઇ હોય તો તે છે બાળકોના શિક્ષણને.  સરકારી અને ખાનગી શાળાઓ બંધ હોવાના કારણે બાળકોના પ્રાથમીક શિક્ષણ ઉપર સૌથી ગંભીર અસર થઇ રહી છે. આર્થિક રીતે સંપન્ન અને મધ્યમવર્ગના બાળકો તો ઓનલાઇન શિક્ષણ પણ મેળવી રહ્યા છે. પરંતુ ગરીબ અને આર્થિક પછાત પરિવારના બાળકોને શિક્ષણ મેળવવા ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

ત્યારે અમદાવાદના બહેરામપુરા વિસ્તારની ઝુંપડપટ્ટીના 50થી વધુ બાળકોને એક શિક્ષીત બેરોજગાર યુવક, છેલ્લા સાત મહીનાથી એક ફ્લાયઓવરની નીચે ખુલ્લી જગ્યામાં વિનામુલ્યે શિક્ષણ આપીને તેઓનુ ભવિષ્ય ઉજ્જવળ કરવાની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યો છે.

ખુલ્લામાં બેસીને ભણી રહેલા આ બાળકો  છે અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં આવેલા આંબેડકર બ્રીજ નજીક આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો. કે જેઓ અતિ ઉત્સાહથી પોતાના જીવનના ઘડતરમાં જરૂરી એવો પ્રાથમીક શિક્ષણનો પાયો મજબૂત કરી રહ્યા છે. આ લોકોની મજબૂરી એ છે, કે તેઓ અન્ય સુખી સંપન્ન અને આર્થિક રીતે સક્ષમ પરિવારના બાળકોની જેમ સ્માર્ટફોન કે લેપટોપની મદદથી ઓનલાઇન શિક્ષણ નથી મેળવી શકતા. પરંતુ કહેવાય છે ને, કે અડગ મનના માનવીને પર્વત પણ ડગાવી શકતો નથી. આજ કહેવત, આ બાળકો અને રાજેશ પરમાર નામના આ યુવકને લાગુ પડે છે. કારણકે સર્ટિફાઇ સોફ્ટવેર પ્રોગામર તરીકેનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલો રાજેશ હાલ બેરોજગાર છે, પરંતુ શિક્ષણનું મહત્વ શુ હોય છે તે બખુબી જાણે છે. અને માટે જ, કોરોના ના કારણે તમામ શાળો બંધ હોવાથી પોતાના વિસ્તારના બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે છેલ્લા 7 મહીનાથી સતત અથાગ મહેનત કરી રહ્યો છે.

રાજેશ જે બાળકો ને ભણાવી રહ્યો છે, તેમાથી કેટલાક બાળકો મ્યુનિસિપલ શાળામાં વિવિધ ધોરણમાં અભ્યાસ કરે છે. પરંતુ શાળો બંધ હોવાથી અન્ય બાળકોની સરખામણીમાં તેમના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. તો કેટલાક બાળકો તો સંપૂર્ણ અશિક્ષીત છે. ઉપરાંત આ બાળકોના માતા-પિતા રોજીંદી મજૂરી કરીને પરીવારનુ ગુજરાન ચલાવતા હોવાથી તેઓ બાળકોના શિક્ષણ ઉપર ધ્યાન નથી આપી શકતા. પરીણામે બાળકો ઘરે ભણી શકતા પણ નતી. ત્યારે આ નાના ભૂલકાઓનુ ભવિષ્ય અંધકારમય ન બને, અને તેઓને કક્કો-બારાખડી, અંગ્રેજી મૂળાક્ષર અને ઘડીયાનું પાયાનું જ્ઞાન મળે તે માટે રાજેશ છેલ્લા 7 મહીનાથી સતત તેઓને ફ્લાયઓવર નીચેની આ ખુલ્લી જગ્યામાં શિક્ષણ આપી રહ્યો છે.

નોંધનીય છેકે બાળકોને ભણાવી રહેલો આ યુવક સર્ટિફાઇ સોફ્ટવેર પ્રોગામરનું શિક્ષણ મેળવેલો છે. પરંતુ તે પોતે પણ હાલ બેરોજગાર છે. બીજી તરફ તેના બાળકો પ્રત્યેના પ્રયાસોને જોઇને આ બાળકોના વાલીઓ પોતાની આર્થિક સ્થિતી મુજબ સમયાંતરે યુવકને અમુક રકમ આપતા હોય છે. પરંતુ જે રીતે રાજેશ આ બાળકોને અતિ ઉત્સાહથી ધોરણ 1 થી લઇને ધોરણ 9 સુધીના બાળકોને  પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આપી રહ્યો છે, તેને જોઇને બાળકોના વાલીઓ અને બાળકોમાં પણ અતિ આનંદ અને પોતાનું ભવિષ્ય સુધરશે એવો આશાવાદ છે.

હાલ તો રાજેશ દરરોજ સવારે 10.30 થી 12.30 એમ બે કલાક 50 કરતા વધુ બાળકોને શિક્ષણ આપી રહ્યો છે. ત્યારે બાળકોને શિક્ષીત કરવાના આ યુવકના પ્રયાસ અને કોરોનાની કપરી સ્થિતીમાં ઓનલાઇન શિક્ષણ ન મેળવી શકતા આ બાળકોના આત્મવિશ્વાસ ને ખરેખર સલામ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news