અમદાવાદમાં આવતીકાલે આ રસ્તાઓ ટ્રાફિક માટે રહેશે બંધ, બહાર નિકળતા પહેલા જાણી લો વિગત
31મી ડિસેમ્બરે રાત્રે અમદાવાદમાં વિવિધ જગ્યાએ પાર્ટીઓનું આયોજન થશે. લોકો નવા વર્ષના વધામણા કરવા માટે ઉજવણી કરશે. આ પહેલા અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.
Trending Photos
અમદાવાદઃ આવતીકાલે 31મી ડિસેમ્બર છે. એટલે કે વર્ષ 2024નો છેલ્લો દિવસ છે. 31મી ડિસેમ્બરે વિવિધ જગ્યાએ પાર્ટીઓનું આયોજન થતું હોય છે. લોકો વર્ષ 2024ને વિદાય આપશે અને નવા વર્ષ 2025ના વધામણા કરશે. નવા વર્ષની ઉજવણી માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. શહેરમાં 31મી ડિસેમ્બરે કેટલાક રસ્તાઓ બંધ રહેશે. તમે પણ જાણો શું છે પોલીસ કમિશનરનું જાહેરનામું...
૧. સી.જી.રોડ : સી.જી.રોડના સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી ૩૧/૧૨/૨૦૨૪ના કલાક ૧૮.૦૦થી તા.૧/૧/૨૦૨૫ના કલાક ૦૩.૦૦ સુધી તમામ પ્રકારનાં વાહનો માટે પ્રવેશબંધી રાખવામાં આવે છે.
વૈકલ્પિક અવર જવરના રૂટ :
સમથેશ્વર મહાદેવથી બોડીલાઈન ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડીલાઈન ચાર રસ્તા થઇ સમથેશ્વર મહાદેવ તરફ આમને સામને બંને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી. રોડ ક્રોસ કરી શકશે. પરંતુ સી.જી.રોડ ઉપર વાહન હંકારી શકાશે નહીં અને કલાક ૨૦.૦૦થી તમામ વાહનવ્યવહાર બંધ કરવામાં આવશે.
મીઠાખળી સર્કલથી ગિરીશ કોલ્ડ્રિંક્સ ચાર રસ્તા થઇ સેન્ટ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તિક ચાર રસ્તા થઈ કોમર્સ છ રસ્તા આમને સામને બન્ને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી. રોડ ક્રોસ કરવાનો રહેશે, પરંતુ સી.જી.રોડ ઉપર વાહન હંકારી શકાશે નહીં અને કલાક ૨૦.૦૦થી સદંતર વાહનવ્યવહાર બંધ કરવામાં આવશે.
સી.જી. રોડ ઉપર આવેલ કાયદેસરની બન્ને બાજુ જે પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવેલ છે તે પાર્કિંગ વ્યવસ્થા કલાક ૧૮.૦૦થી બંધ રહેશે.
૨. સિંધુભવન રોડ: ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઈન ચાર રસ્તા સુધીનો બન્ને બાજુનો માર્ગ ૩૧/૧૨/૨૦૨૪ના કલાક ૨૦.૦૦થી તા.૧/૧/૨૦૨૫ના કલાક ૦૩.૦૦ સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક અવરજવરના રૂટ :
ઝાઝરમાન ચાર રસ્તાથી અશ્વમેઘ બંગલો ચાર રસ્તા થઇ કાલીબારી મંદિર રોડ થઇ ઉમિયા ટ્રેડર્સ ટી થઈ તાજ સ્કાયલાઇન તરફ વાહનો અવર-જવર કરી શકાશે.
ઝાઝરમાન ચાર રસ્તાથી બાગબાન ચાર રસ્તા થઇ આંબલી ઓવરબ્રિજ મધ્યભાગ થઈ શિલજ સર્કલ તરફ વાહનો અવર-જવર કરી શકાશે.
૩. પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર નાઓના આમુખ (૧)માં નિર્દીષ્ટ કરેલ જાહેરનામાંથી સમગ્ર શહેરમાં સવાર કલાક ૮.૦૦થી રાત્રિના કલાક ૨૩.૦૦ સુધી ભારે તથા મધ્યમ પ્રકારનાં માલવાહક અને પેસેન્જર વાહનો તથા આમુખ (૨)થી સવાર કલાક ૮.૦૦થી રાત્રિના કલાક ૨૨.૦૦ સુધી પેસેન્જર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે, તે પૈકી પેસેન્જર વાહન સિવાયનાં તમામ પ્રકારનાં વાહનો એસ.જી. હાઇવે એટલે કે સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર તા.૩૧/૧૨/૨૦૨૪ના કલાક ૦૮.૦૦થી તા.૧/૧/૨૦૨૫ના કલાક ૦૩.૦૦ સુધી અવર-જવર કરી શકશે નહીં. આ દરમિયાન વાહનચાલકોએ પ્રતિબંધિત વિસ્તાર સિવાયના સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરવાનો રહેશે.
૪. પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધીના એસ.જી. રોડ અને તેના સર્વિસ રોડ પર તા.૩૧/૧૨/૨૦૨૪ના કલાક ૧૯.૦૦થી તા.૧/૧/૨૦૨૫ના કલાક ૦૩.૦૦ સુધી વાહન પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે.
૫. નહેરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઇ ઇસ્કોન ચાર રસ્તા સુધીના રોડ પર ખાનગી લક્ઝરીના પાર્કિંગ ઉપર પણ આ સમય દરમિયાન પ્રતિબંધ રહેશે.
નોંધ : ઉપર્યુક્ત પ્રતિબંધ દરમિયાન (તા.૩૧/૧૨/૨૦૨૪ રાત્રિના કલાક ૨૦.૦૦થી તા.૧/૧/૨૦૨૫ના કલાક ૩.૦૦ સુધી) વાહનચાલકોએ પ્રતિબંધિત વિસ્તાર સિવાયના પેરેરલ (સમાતંર) રોડનો ઉપયોગ કરવાનો રહેશે.
અપવાદ : ફરજમાં રોકાયેલા તમામ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સનાં વાહનોને આ જાહેરનામું લાગું પડશે નહીં.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને ઉપર મુજબની વિગતેના મુદ્દાઓમાં તારીખની સાથે જણાવેલ સમય મુજબ કરવાનો રહેશે.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતા સંયુક્ત /અધિક પોલીસ કમિશનરશ્રીના દરજાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે