ચાઇનીઝ દોરીથી સુરતમાં એક યુવકનું ગળું કપાયું, લેવા પડ્યાં 20 ટાંકા, માંડ-માંડ બચ્યો જીવ
રાજ્યમાં પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરી ખુબ વેચાઈ રહી છે. ચાઇનીઝ દોરી જીવલેણ બની રહી છે. ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં ચાઇનીઝ દોરીને કારણે ત્રણ લોકોના મોત થયા છે તો હવે સુરતમાં એક યુવકનું ગળું કપાયું છે.
Trending Photos
સુરતઃ ઉત્તરાયણ નજીક આવી રહી છે, ત્યારે પતંગ ચગાવવાનો માહોલ બની રહ્યો છે. ગુજરાતમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે પરંતુ ગેરકાયદેસર રીતે આ ઘાતક દોરીનું વેચાણ થઈ રહ્યું છે અને લોકો તેનાથી પતંગ પણ ચગાવે છે. ચાઇનીઝ દોરીને કારણે રાજ્યમાં મોતની ઘટનાઓ સામે આવી ગઈ છે, પરંતુ તેનું વેચાણ હજુ અટક્યું નથી. હવે સુરતમાં આ જીવલેણ દોરીને કારણે એક યુવકનું ગળું કપાયું છે.
સુરતમાં યુવકનું ગળું કપાયું
સુરતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી ગળું કપાયાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના લીધે યુવકનું ગળું કપાયું અને 20 ટાંકા લેવાની ફરજ પડી હતી. યુવક ટુ વ્હીલર લઈને પસાર થઈ રહ્યો છે તે દરમિયાન દોરી ગળામાં આવે છે ત્યાં જ ઢળી પડે છે. આસપાસના સ્થાનિકો એકઠા થયા અને લોહીલુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડ્યો હતો.
રાકેશ પરમાર નામનો યુવક ઘરે જઈ રહ્યો હતો ત્યારે ગેલમંડી પાસે દોરી આવી જતાં ગળું કપાવવાની ઘટના બની હતી. યુવકનું નસીબ સારૂ હતું કે તેનો જીવ બચી ગયો હતો. પરંતુ ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવીને અન્ય લોકોના જીવ જોખમમાં નાખનાર લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે. તમારી એક ભૂલ બીજા લોકોને ભારે પડી શકે છે.
ગુજરાતમાં ત્રણ લોકોના થયા છે મોત
ડિસેમ્બર મહિનામાં ચાઇનીઝ દોરીને લીધે રાજ્યમાં ત્રણ લોકોના મોત થયા છે. અમદાવાદ, મહેસાણા અને સુરતમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. ચાઇનીઝ દોરીથી ગળું કપાવાને કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે