શરમ કરો! લોકોને એક ટંકનું ભોજન મળતું નથી ને ગુજરાતમાં હજારો ટન અનાજ સડ્યું
એક તરફ દેશમાં ઘણા એવા લોકો છે જેને બે ટંક પૂરતુ ભોજન મળતું નથી. લોકો પેટ ભરવા માટે વલખાં મારતા હોય છે. તો બીજીતરફ ગુજરાતમાં હજારો ટન અનાજ સડી રહ્યું છે. રાજ્યમાં ગોડાઉનમાં પડેલા અનાજની જે વિગતો સામે આવી તે ખરેખર ચોંકાવનારી છે.
Trending Photos
ગાંધીનગરઃ દેશમાં ગરીબી અને ભૂખમરો છે અને ગુજરાતમાં હજારો ટન અનાજ સડી રહ્યું છે. એક તરફ એવા અનેક લોકો એવા જોવા મળશે જેમને દિવસ દરમિયાન બે ટંક પણ ભોજન મળતું નથી જ્યારે બીજી તરફ આપણા સરકારી ગોડાઉનમોમાં લાખો કિલો અનાજ સડતા હોવાની આઘાતજનક વિગતો સામે આવશે. ગુજરાતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ૭૭૪ ટન એટલે કે ૭.૭૪ લાખ કિલો ઘઉં-ચોખા સરકારી ગોડાઉનમાં જ સડી ગયું છે અને તેને ફેંકી દેવાની નોબત સર્જાઇ હતી. પાંચ વર્ષમાં જે ઘઉં વેડફાયા છે તેની કિંમત અંદાજે રૃપિયા ૨૫ કરોડથી રૃપિયા ૩૫ કરોડ છે.
ગુજરાતમાં અનાજનો થઈ રહ્યો છે બગાડ
ગુજરાતમાંથી ૨૦૧૬-૧૭માં ૧૧૬ ટન, ૨૦૧૭-૧૮માં ૬ ટન, ૨૦૧૮-૧૯માં ૧૯ ટન, ૨૦૧૯-૨૦માં ૬૯૪ ટન, ૨૦૨૦-૨૧માં ૩૪ ટન અને ૨૦૨૧-૨૨માં ૨૧ ટન ઘઉં-ચોખા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉનમાંથી સડી ગયા છે. વર્ષ ૨૦૨૦માં કોરોના અને લોકડાઉનને પગલે અનેક લોકોને દિવસ દરમિયાન એક ટંક ભોજન પણ મળ્યું નહોતું. ભૂખને કારણે કેટલાકને જીવ ગુમાવ્યાના પણ કિસ્સા સામે આવ્યા હતા. જ્યારે તેના અગાઉના વર્ષે જ એટલે કે ૨૦૧૯-૨૦માં ૬૯૪ ટન ઘઉં-ચોખા સડી ગયા હતા. આ અનાજ સડયું ના હોત તો અનેક લોકો ભૂખ સામેનો જંગ જીતી શક્યા હોત. વિશ્વમાં ભીષણ ભૂખમરો, કુપોષણ અને ખોરાકની અછત એ દુનિયામાં ઘણા ભાગોમાં રોજિંદા પડકાર છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન કહે છે કે વિશ્વમાં ઓછામાં ઓછા 82.8 કરોડ લોકો દરરોજ રાત્રે ભૂખ્યા સૂઈ જાય છે અને 34.5 કરોડ લોકો ગંભીર ખોરાકની અસુરક્ષામાં જીવે છે.
૨૦૧૯-૨૦માં દેશના જે રાજ્યમાં સૌથી વધુ અનાજ સડયું હોય તેમાં ગુજરાત મોખરે હતું. આ સિવાય આંધ્ર પ્રદેશમાંથી ૨૪૦ ટન, હરિયાણામાંથી ૨૮૬ ટન અનાજ સડયું હતું. ગુજરાતમાં કુલ ૯૮૫ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે અને તેની ક્ષમતા ૩૮.૬૯ મેટ્રિક ટનની છે. તેમનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અનાજનો બગાડ થતાં પણ અટકી શકે. સરકારી ગોડાઉનમાં અનાજ બગડવા માટે હવામાનને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. સરકારી તંત્રનો દાવો છે કે અનાજ બગડવાનું પ્રમાણ ઘટી શકે તેના માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૃપે ગોડાઉનમાં અનાજનો વૈજ્ઞાાનિક ઢબે સંગ્રહ કરાશે. ભેજ ના આવે તેના માટે લાકડા, વાંસના કટકા, પોલિથિનનો ઉપયોગ વધારાશે. ફમિંગ્ટન કવર્સ, નાયલોનના દોરડા, નેટ્સનો ઉપયોગ વધારીને જીવાતને પડવાથી અટકાવાશે. ગોડાઉનનું નિયમિત ધોરણે ચેકિંગ કરાશે અને ગોડાઉનની અંદર રહેલી ગટરની નિયમિત સફાઇ હાથ ધરાશે.
ગુજરાતના સરકારી ગોડાઉનમાં ક્યારે કેટલું અનાજ સડયું?
વર્ષ અનાજ (કિગ્રામાં)
૨૦૧૭-૧૮ ૬,૦૦૦
૨૦૧૮-૧૯ ૧૯,૦૦૦
૨૦૧૯-૨૦ ૬,૯૪,૦૦૦
૨૦૨૦-૨૧ ૩૪,૦૦૦
૨૦૨૧-૨૨ ૨૧,૦૦૦
કુલ ૭,૭૪,૦૦૦
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે