મુસ્લિમ યુવકના અંગદાનથી 3 ની જિંદગી ખીલી : પહેલીવાર અંગો મેળવનારા 3 લોકોએ ખૂલીને વાત કરી

Organ Donation :  સુરતમાં રહેતા 27 વર્ષીય સદામ પઠાણ નામના મુસ્લિમ યુવાનનું એક્સિડેન્ટ થયું હતું. સારવાર દરમિયાન તેઓ બ્રેઈનડેડ જાહેર થતા તબીબો દ્વારા તેમના પરિવારને અંગદાન અંગે માહિતી અપાઈ હતી. સદામ પઠાણનો પરિવાર અંગદાન માટે તૈયાર થતા કિડની, લીવર અને સ્વાદુપિંડ મળી શક્યા હતા

મુસ્લિમ યુવકના અંગદાનથી 3 ની જિંદગી ખીલી : પહેલીવાર અંગો મેળવનારા 3 લોકોએ ખૂલીને વાત કરી

Organ Donation અતુલ તિવારી/અમદાવાદ : લોકોમાં હવે ધીરે ધીરે જાગૃતિ આવતા લોકો અંગદાન તરફ પ્રેરાયા છે. અંગદાન એ મહાદાન એ મહત્વ હવે સમજી ગયા છે. ત્યારે હવે વધુને વધુ લોકો અંગદાન કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદનો એક કિસ્સો જાણીને આંખમાઁથી પાણી આવી જશે. સદામ પઠાણ નામના મુસ્લિમ યુવાને ત્રણ લોકોને નવજીવન આપ્યું છે. એક વ્યક્તિને કારણે ત્રણ લોકોને જીવન મળ્યું છે. મુસ્લિમ યુવકના કિડની, લીવર, સ્વાદુપિંડનું દાન કરી ત્રણ લોકોમાં જીવનમાં પ્રકાશ ફેલાવ્યો છે. 

સુરતમાં રહેતા 27 વર્ષીય સદામ પઠાણ નામના મુસ્લિમ યુવાનનું એક્સિડેન્ટ થયું હતું. સારવાર દરમિયાન તેઓ બ્રેઈનડેડ જાહેર થતા તબીબો દ્વારા તેમના પરિવારને અંગદાન અંગે માહિતી અપાઈ હતી. સદામ પઠાણનો પરિવાર અંગદાન માટે તૈયાર થતા કિડની, લીવર અને સ્વાદુપિંડ મળી શક્યા હતા. સદામ પઠાણની કિડની 39 વર્ષીય વિકલાંગ હસમુખભાઈને મળી હતી. 

એક કિડની હસમુખભાઈને મળી
નવુ જીવન મળતા હસમુખભાઈએ કહ્યું કે, વર્ષ 2018માં કિડની માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, અંતે વર્ષ 2023માં કિડની મળી છે, હવે કોઈ સમસ્યા નથી. 10 વર્ષથી ડાયાલીસીસ થતું હતું, અંતે મુસ્લિમ ભાઈની કિડની મળી છે. હું ભગવાન અને સદમભાઈના માતા પિતાને હાથ જોડું છું. સદામભાઈએ મારી સાથે મારા બાળક અને પત્નીને પણ જીવદાન આપ્યું છે. 

બીજી કિડની બાલુભાઈને મળી 
સદામ પઠાણની અન્ય એક કિડની 49 વર્ષીય બાલુભાઈને મળી, જેઓ AMC માં મેયર ઓફિસમાં નોકરી કરે છે. આબાબુભાઈએ કહ્યું કે, વર્ષ 2018માં કિડની માટે રજીસ્ટ્રેશન થયું હતું, હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ થતા રાહત અનુભવી રહ્યો છું. શરૂઆતમાં સમસ્યા થતા સ્ટર્લિંગ હોસ્પિટલમાં કિડની મળે એ માટે ડિપોઝીટ ભરી હતી. કેટલાક મહિનાઓ બાદ પણ કિડની ના મળતા મને સ્ટર્લિંગ હોસ્પિટલે ડિપોઝીટ પરત આપી હતી. ત્યારબાદ કિડની હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરાવ્યું, અંતે મુસ્લિમ ભાઈની કિડની મળી છે

સ્વાદુપિંડ ખુશ્બુને મળ્યું 
સદામ પઠાણનું સ્વાદુપિંડ 22 વર્ષીય ખુશ્બુને મળ્યું છે. ખુશ્બુએ કહ્યું કે 5 વર્ષથી ડાયાબિટીસની સમસ્યા હતી. હું બાળપણથી ઇન્સ્યુલિન લેતી હતી, દિવસમાં પાંચવાર ઇન્સ્યુલિન લેવાની જરૂર પડતી હતી. અંતે મુસ્લિમ યુવાનનું સ્વાદુપિંડ મળતા ઇન્સ્યુલિન લેવાની જરૂરિયાત ખતમ થઈ છે અને પોતે સ્વસ્થ બની છે. 

અંગદાન અંગે વાત કરતા અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર વિનીત મિશ્રાએ કહ્યું કે, અંગદાન અંગે સતત લોકોમાં જાગૃતિ આવી રહી છે પરંતુ વધુમાં વધુ લોકોને જો આપણે પ્રેરી શકીએ તો અનેક લોકોના જીવનમાં પ્રકાશ ફેલાશે. ભારતમાં એક વર્ષમાં 1,75,000 કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે, જેમાંથી માત્ર 7 ટકા લોકોની કિડની ટ્રાન્સપ્લાન્ટ શક્ય બને છે. 50 હજાર લીવર, હાર્ટ અને લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ દરવર્ષે દેશમાં કરવાની જરૂરિયાત ઉભી થાય છે. એવી જ રીતે દર વર્ષે 25 હજાર સ્વાદુપિંડનું ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂરિયાત ઉભી થાય છે. ભારતમાં 10 હજાર કિડની ટ્રાન્સપ્લાન્ટ વર્ષ 2022માં થઈ શકી હતી, જે યુએસએ અને ચાઇના બાદ ત્રીજા સ્થાને છે. અંગદાન મામલે ભારત છેલ્લેથી ટોપ 10માં છે, જો કે ભારતની સ્થિતિ સતત સુધરી જરૂર રહી છે. 99.99 ટકા અંગદાન બ્રેઇનડેડ દર્દીઓ થકી થઈ રહ્યા છે.

તેઓએ વધુમાં જણાવ્યું કે, દેશના વેસ્ટ અને સાઉથ ઝોનમાં અંગદાનને લઈ સૌથી વધુ જાગૃતિ જોવા મળી રહી છે. દેશમાં મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં સૌથી વધુ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર છે, ત્યારબાદ ગુજરાત આવે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટની સુવિધા દેશના નોર્થ ઇસ્ટ વિસ્તારોમાં હજુ પણ ઉપલબ્ધ નથી. ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ IKDRC માં થાય છે, અત્યાર સુધીમાં બે ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. IKDRC માં અત્યાર સુધીમાં 7 હજાર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ છે. ગયા વર્ષે 400 કિડની, 100 લીવર ટ્રાન્સપ્લાન્ટ IKDRC માં થયા હતા. પરિવારના સભ્યને અંગદાન કરવા મામલે મહિલાઓની સંખ્યા આજે પણ પુરુષો કરતા વધુ જોવા મળે છે. જો લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવશે તો સમયાંતરે એક જીવિત પરિવારના સભ્યે અન્ય પીડિત સભ્યને અંગદાન નહીં કરવું પડે. જો બ્રેઇનડેડ લોકો અંગદાન માટે પ્રેરાશે તો મૃત્યુ બાદ પણ વ્યક્તિ અનેક લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news