પાટીલ ભાઉ અમસ્તા જ ચાણક્ય નથી કહેવાતા, આ રીતે રોપાયા હતા તેમના રાજકારણના બીજ
Happy Birthday DayCR Paatil : માઈક્રો મેનેજમેન્ટમાં પાટીલ મોટા વિશ્લેષકોને પણ મ્હાત આપે છે. ત્યારે કેવી છે પાટીલની વ્યુહરચનાઓ અને કેવી રીતે ભાજપને તેનો ફાયદો મળ્યો છે, જોઈએ આ અહેવાલમાં...
Trending Photos
CR Paatil Birthday : ગુજરાત ભાજપનાં અધ્યક્ષ સી. આર પાટીલનો આજે 68મો જન્મદિવસ છે. પ્રદેશ ભાજપની કમાન સંભાળ્યા બાદ છેલ્લા અઢી વર્ષમાં પાટીલ ભાજપના ચાણક્ય તરીકે ઉભર્યા છે. વ્યુહરચનામાં તેમનો કોઈ જવાબ નથી. ચૂંટણી સમયે કાર્યકરોમાં જોમ અને જુસ્સાનો ઉમેરો કરીને ઐતિહાસિક જીત મેળવવામાં તેમણે એક રેકોર્ડ સર્જયો છે. સુરતથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર સી. આર પાટીલે સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતમાં પોતાની રાજકીય કુનેહનો પરચો આપ્યો. આ વ્યુહરચનાનો તેમણે સમગ્ર ગુજરાતમાં ઉપયોગ કર્યો, જેનું ભાજપને ઐતિહાસિક પરિણામ મળ્યું. હવે 2024ની ચૂંટણીમાં પાટીલની રણનીતિનો પરચો સમગ્ર દેશમાં જોવા મળે તો નવાઈ નહીં.
પાટીલની રાજકીય સફર
પાટીલની રણનીતિને કારણે દક્ષિણ ગુજરાત ભાજપનો ગઢ બન્યું
સુરત શહેર ભાજપના ખજાનચીનીથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધીની સફર
નવસારી લોકસભા બેઠકના સર્જન સાથે પાટીલનો સાંસદ તરીકે ઉદય
પાટીલે દક્ષિણ ગુજરાત બાદ સમગ્ર ગુજરાતનાં રાજકીય સમીકરણ બદલ્યાં
સુરતના વિકાસમાં પાટીલની મોટી ભૂમિકા
16 માર્ચ 1955નાં રોજ મહારાષ્ટ્રના જલગાંવ તાલુકાનાં પિંપરી અકરૈૌત ગામમાં જન્મેલા ચંદ્રકાંત પાટીલ ફક્ત જન્મથી જ મહારાષ્ટ્રીયન છે. જો કે તેમની કર્મભૂમિ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત છે. નોંધપાત્ર વાત એ છે કે પાટીલનો જન્મ થયો ત્યારે સ્વતંત્ર ગુજરાત રાજ્યનું અસ્તિત્વ જ નહતું. ગુજરાત ત્યારે બોમ્બે રાજ્યનો ભાગ હતું.
1951માં પાટીલનો પરિવાર દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયો. સુરતમાં જ પાટીલે શાળા સુધીનું અને ત્યારબાદ ITIનું શિક્ષણ લીધું. 1975માં તેમણે પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી, જો કે 14 વર્ષ બાદ એટલે કે 1984માં પોલીસની નોકરી છોડીને સમાજજીવનમાં સક્રિય થઈ ગયા..
1989માં પાટીલના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો, જ્યારે તેઓ ભાજપમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ્યા. તેમને સૌ પહેલાં સુરત શહેર ભાજપનાં ખજાનચી તરીકેની અને પછી સુરત શહેર ભાજપનાં ઉપપ્રમુખની જવાબદારી સોંપાઈ. 1998માં કેશુભાઈ પટેલની સરકાર વખતે તેમની નિમણૂંક રાજ્ય સરકારનાં જાહેર સાહસ GACL નાં ચેરમેન તરીકે કરવામાં આવી. 1995માં તેઓ નરેન્દ્ર મોદીનાં પરિચયમાં આવ્યા હતા, જેઓ ત્યારે ભાજપનાં મહામંત્રી હતા.
બહુ ઓછા લોકોને ખબર હશે કે પાટીલ પત્રકારત્વમાં પણ સક્રિય રહ્યા છે. 1991માં તેમણે સુરતથી નવગુજરાત ટાઈમ્સ નામનું અખબાર શરૂ કર્યું હતુ. જો કે તે પછી તેમને ભાજપમાં મોટી જવાબદારીઓ સોંપાતી ગઈ. પાટીલની કામગીરીને કારણે જ ભાજપ દક્ષિણ ગુજરાત પર પોતાની પકડને મજબૂત બનાવી શક્યું છે.
2009માં પાટીલે સુરતમાંથી અલગ પડેલી નવસારી બેઠક પર ચૂંટણી લડીને સંસદમાં પ્રવશ કર્યો. આ સાથે જ રેકોર્ડ જીતનો એક સિલસિલો શરૂ થઈ ગયો. 2009 માં પાટીલ નવસારીથી 1,32,634 મતોની સરસાઈથી જીત્યા, 2014માં પાટીલની લીડ વધીને 5,58,116 મતોની થઈ, જે ભારતમાં કોઈ સાંસદે મેળવેલી ત્રીજી સૌથી મોટી લીડ હતી. 2019માં પાટીલ નવસારીથી 6.89 લાખ મતોનાં રેકોર્ડ માર્જિનથી જીત્યા. અત્યાર સુધી કોઈ સાંસદ આટલી જંગી લીડથી જીતી નથી શક્યા. પાટીલની લીડ સાથે દક્ષિણ ગુજરાતમાં ભાજપની બેઠકો પણ વધતી ગઈ...
2017માં પાટીલની વ્યુહરચનાને કારણે જ ભાજપ સુરત શહેર અને જિલ્લાની તમામ 16 બેઠકો પર જીત્યું. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે દક્ષિણ ગુજરાતની 35માંથી 33 બેઠકો જીતી. ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ જિલ્લાની તમામ બેઠકો ભાજપે જીતી. આ બીજું કંઈ નહીં, પણ પાટીલની વ્યુહરચનાનો કરિશ્મા હતો.
પાટીલે સુરતનાં વિકાસમાં મોટી ભૂમિદા અદા કરી છે. પછી તે ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગનો વિકાસ હોય કે પછી શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, સુરત એરપોર્ટને દેશનાં અન્ય શહેરો સાથે કનેક્ટિવિટી અપાવવામાં તેમજ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવામાં પણ પાટીલનો મોટો ફાળો છે. પાટીલ ભાજપ અને ટેક્સટાઈલ તેમજ ડાયમંડ ઉદ્યોગ વચ્ચેની એક મહત્વની કડી તરીકે પણ કામ કરે છે. આ બંને ઉદ્યોગ ભાજપ માટે ફંડનો એક મોટો સ્રોત છે. પાટીલની વિજયયાત્રા હવે ફક્ત દક્ષિણ ગુજરાત પૂરતી મર્યાદિત ન રહેતાં સમગ્ર ગુજરાતની છે. 2024માં તેઓ નવો રેકોર્ડ સર્જે તો નવાઈ નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે