સોમનાથ મામલે નહેરુ અને સરદાર વચ્ચે ખેંચાઈ હતી તલવાર! સ્થાપના દિવસે દાદાના દર્શન કરો Live

સોમનાથ મંદિરનો આજે 68મો સ્થાપના દિવસ છે

સોમનાથ મામલે નહેરુ અને સરદાર વચ્ચે ખેંચાઈ હતી તલવાર! સ્થાપના દિવસે દાદાના દર્શન કરો Live

સોમનાથ : ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ ગુજરાત સહિત દેશભરના લોકોની આસ્થાના કેન્દ્ર એવા સોમનાથ મંદિરનો આજે 68મો સ્થાપના દિવસ છે. આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નૂતન ધજારોહણ પણ કરવામાં આવ્યું હતું અને સોમનાથ દાદાની આરતી પણ કરવામાં આવી. સોમનાથ દાદાના દર્શન કરવા માટે વહેલી સવારથી મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને સમગ્ર મંદિર ભોલેનાથના નાદથી ગુંજી ઉઠયું છે. આજે મંદિરમાં ભક્તોનો જમાવડો પણ જોવા મળ્યો છે. આ પ્રસંગે રાજ્યના મંત્રી વાસણભાઇ આહીર, ટ્રસ્ટી જે ડી પરમાર સહીતના અનેક મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.

 આજથી 68 વર્ષ પહેલાં 11 મે, 1951ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદનાં હસ્તે સોમનાથ મંદિરની પુન: સ્થાપના કરવામાં આવી હતી. ધાર્મિક ગ્રંથો અનુસાર સસરાના શ્રાપથી મુક્તિ માટે ચંદ્રએ અરબ સાગરના કિનારે સોમનાથ મંદિરની સ્થાપના કરી હતી. ઐતિહાસિક તથ્યો અનુસાર સોમનાથ મંદિરનું નિર્માણ પ્રથમ સદીમાં થયું હતું. એવું કહેવાય છે કે સોમનાથ મંદિરનો વૈભવ અતિસમૃદ્ધ હતો અને મંદિરની જાહોજલાલી જોઈને જ મોહંમદ ગઝનવીએ 1026માં પ્રથમ વખત આક્રમણ કર્યુ હતું. તેણે ત્યારબાદ સમયાંતરે મંદિર લૂંટ્યું અને દર વખતે મંદિરનું ફરીથી નિર્માણ થયું.

આઝાદી બાદ તત્કાલિન નાયબ વડાપ્રધાન સરદાર પટેલ સોમનાથની મુલાકાત આવ્યા અને તેમણે હાલ જ્યાં મંદિર છે ત્યાં સોમનાથ મંદિરનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો. આખરે 1950માં જામનગરના જામ સાહેબે નવા મંદિરનો પાયો નાંખ્યો અને બાદમાં રાજેન્દ્ર પ્રસાદના હસ્તે મંદિરનું પુન:નિર્માણ થયું. મહત્વની વાત એ છે કે તત્કાલિન વડાપ્રધાન જવાહર લાલ નેહરુ સોમનાથ મંદિરના પુન:નિર્માણ મામલે વધુ ઉત્સાહી નહોતા. તેમનું માનવું હતું કે મંદિર બનાવવાથી હિંદુ-મુસ્લિમ વચ્ચે તણાવ વધશે. જો કે સરદારે તેમને જવાબમાં કહ્યું કે કરોડો લોકોની આસ્થા સાચવવી તે પણ આપણી ફરજ છે. ગાંધીજીએ સોમનાથ મંદિરના પુન:નિર્માણ અંગે કહ્યું હતું કે મંદિર બનાવવા સરકાર પાસેથી કોઈ પૈસા ન લેવા અને પ્રજા સ્વેચ્છાએ જે દાન આપે તેનો જ ઉપયોગ કરવો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news