મત મારો અધિકાર: 68 વર્ષના દાદા ઓક્સિજન સિલિન્ડર સાથે પહોંચ્યા મતદાન કેંદ્ર

મત મારો અધિકાર: 68 વર્ષના દાદા ઓક્સિજન સિલિન્ડર સાથે પહોંચ્યા મતદાન કેંદ્ર

વડોદરાઃ રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મતદાનને લઈ સવારથી જ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરીજનો હોંશે હોંશે લોકશાહીના પર્વમાં જોડાઇ રહ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત છ મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. વડોદરાવાસી પોતાના શહેરના વિકાસ અને યોગ્ય ઉમેદવારને પસંદગી માટે મતનું મહત્વ સમજી પોતાની ફરજ અદા કરી રહ્યા છે. મતદાન કેંદ્ર પર વિવિધ દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં એક દાદા ઓક્સિજન સિલિન્ડર સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. 

વડોદરામાં 68 વર્ષના દાદા ઓક્સિજન સિલિન્ડર સાથે એમ્બ્યુલન્સમાં બેસીને વારસિયા રિંગ રોડ પર આવેલી આદર્શ પ્રાથમિક શાળામાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. દિલીપભાઈ જોષીની છેલ્લા ઘણા સમયથી તબિયત નાદુરસ્ત હોવાથી સારવાર હેઠળ છે. ચૂંટણીમાં મતદાન કરવાની તેમની ઇચ્છા હોવાથી તેમને મતદાન મથક ખાતે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર સાથે લાવવામાં આવ્યા હતા. મતદાન કર્યાં બાદ શહેરીજનોને મતદાન કરવા માટેની અપીલ કરી હતી. 

તો તરફ વડોદરાના ફતેપુરા કાલુપુરામાં સોનક પ્રકાશભાઇ રાણા(નેપાળી)એ આજે લગ્ન પહેલાં મતદાન કર્યું હતું. સોનકે જણાવ્યું હતું કે તેમના લગ્ન અમદાવાદની યુવતિ સાથે થવાના છે અને તે પણ આજે મતદાન કરશે. સોનકે કહ્યું હતું કે મતદાન કરવું મારો અધિકાર છે. સોનક અને દિપીકા આજે અગ્નીની સાક્ષીએ અમદાવાદમાં સપ્તપદીના સાતફેરા ફરી લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. 

વડોદરામાં દિવ્યાંગો અને વડીલો ઉત્સાહભેર મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી ગયા હતા. વડોદરા શહેરમાં મતદાન મથકો પર વડીલોને અગ્રતા આપવામાં આવી રહી છે. તેમને વારાની રાહ જોવામાં તકલીફ ન પડે તે માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરામાં પોલીસ દિવ્યાંગ મતદારોના વહારે આવી હતી.પોલીસ મતદારોને વ્હીલ ચેર પર મતદાન કેન્દ્ર સુધી પહોંચાડી રહી છે. દિવ્યાંગ મતદારો મતદાન કેન્દ્ર પર પહોંચતા પોલીસ તેમને મદદરૂપ થઈ રહી છે. કોરોનાની દહેશત વચ્ચે આવેલી કોર્પોરેશનની ચૂંટણીના પગલે કેટલાક મતદારો મતદાનની શરૂઆતમાં જ મતદાન મથકો ઉપર આવી પહોંચ્યા હતા અને પોતાના પવિત્ર મતદાનનો અધિકાર પૂર્ણ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news