દૂધ નહીં આપતાં PM અને CM ને કરી રજૂઆત, 'હું ગરીબ છું એટલે ધક્કા ખાવા પડે છે મોદી સાહેબ'
શું હું ભારતનો નાગરિક નથી, હું ગરીબ છું એટલે મને ધક્કા ખાવા પડે છે મોદી સાહેબ કહેતા હતા કે કઈ પણ પ્રોબ્લેમ હોય તો મને જણાવશો હવે મારું નિરાકરણ લાવો તેવી વેદના મહેશ ઠાલવી રહ્યો છે.
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા (Vadodara) ના ડેસર તાલુકાના ભાટપુરાની મંડળીમાંથી માત્ર રૂ.20નું દૂધ નહીં આપતા વડાપ્રધાન (PM) અને મુખ્યમંત્રી (CM) ને રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્ય (MLA) અને ડેરી (Dairy) ના ડિરેક્ટરને ફોન કરી મંડળીમાંથી દૂધ અપાવવા રજૂઆત કરી હતી પરંતુ પરિણામ ન મળતા ન્યાય મેળવવા માટે ગામડાના ગ્રામજને ઉચ્ચ કક્ષાએ પોતાની વેદના ઠાલવી છે. પત્ની (Wife) માટે રૂ. 20 નું દૂધ લેવા માટે મંડળી( ડેરી)માં ગરીબ ગ્રામજન ગયો ત્યારે મંડળીના મંત્રીએ દૂધ આપવાથી ધરાર ઇનકાર કરી દેવાતા ગામડાનો ગરીબ જીદે ચઢી ઠેર ઠેર રજૂઆતો કરી ન્યાય ઝંખી રહ્યો છે.
ડેસર (Desar) ના મહયા ટેકરા ખાતે રહેતા મહેશભાઈ કિરણભાઈ પરમાર તા 31 જુલાઈએ સાંજે નજીકના ભાટપુરા (Bhatpura) મંડળી (ડેરી)માં પોતાની પત્ની પ્રેગનેંટ (Pregnant) હોવાથી રૂ.20નું દૂધ લેવા માટે ગયો હતો. તે દરમિયાન મંડળીમાં દૂધ (Milk) નો વહીવટ કરતા મંત્રી તખતસિંહ પરમારે વેચાતું દૂધ આપવાથી નન્નો ભણ્યો હતો અને જણાવ્યું હતું કે મંડળીમાંથી દૂધ લેવું હોય તો પોતાની ભેંસ (Buffalo) લાવો અને દૂધ મંડળીમાં ભરો. મંડળીના સભાસદ બન્યા પછી તમને દૂધ (Milk) મળે ત્યાં સુધી તમને દૂધ મળે નહીં અને ભેંસ (Buffalo) લાવવાના રૂપિયા ન હોય તો પોતાની જમીન ગીરવે મૂકીને ભેંસ (Buffalo) લાવો તેવું જણાવતા ઉશ્કેરાયેલા મહેશ પરમારે જીદે ચઢી અનેક જગ્યાઓ પર પોતાની વેદના રોજ-બરોજ ઠાલવી રહ્યો છે.
ત્યારે વટેમાર્ગુ કોઈ ગુરુ મળી જતાં તેણે સાવલી ડેસરના ધારાસભ્ય કેતન ઇનામદાર (Ketan Imandar) ને ફોન કરી ઉકત બાબતે રજૂઆત કરી હતી. પરંતુ હું એક કાર્યક્રમમાં છું પછી મને ફોન કરજો અથવા રૂબરૂ આવશો એવું કહી વાત પૂર્ણ કરી હતી. ત્યારબાદ ડેસર (Desar) વિસ્તારના ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીને ફોન કરી ઘટતું કરવા માંગણી કરતા તેઓએ જણાવ્યું હતું કે હું મંડળીમાં ફોન કરી જણાવી દઈશ તને દૂધ આપશે. પરંતુ કહેવત પ્રમાણે દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે, અને સુખી જો સમજી શકે તો આ વિશ્વમાં દુઃખજ ના ટકે, તે ઉકતિ પ્રમાણે તેની માંગણી ન સંતોષાતા તેણે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત (Gujarat) ના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ને અરજી લખીને સ્પીડ પોસ્ટ કરી પોતાની વેદના ઠાલવી હતી.
અરજીમાં જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) સાહેબ તમારા ગરવી ગુજરાત (Gujarat) માં શું ડેરીઓ દૂધ વેચાતું નથી આપતી? ભાટપુરા મંડળી (ડેરી)ના મંત્રી વખતસિંહ પુનમભાઇ પરમાર મને એવું કહે છે કે તમારી પાસે ભેંસ (Buffalo) હોય તો જ દૂધ મળે અને ના હોય તો તમારી જમીન ગીરવે મૂકીને લાઓ પછી અમે દૂધ આપીશું. ભાટપુરાના બીજા ગ્રાહકોને દૂધ આપે છે તો મને કેમ નહીં ? અને મારી પાસે ભેંસ (Buffalo) હોત તો હું ડેરી એ દૂધ લેવા જ કેમ ગયો હોત ? તેવું જણાવી પોતાની વેદના ઠાલવી હતી અને તે જ પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ને સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરી 20 રૂપિયાના દૂધની માંગણી કરી હતી.
મહેશ જણાવે છે કે શું હું ભારતનો નાગરિક નથી, હું ગરીબ છું એટલે મને ધક્કા ખાવા પડે છે મોદી સાહેબ કહેતા હતા કે કઈ પણ પ્રોબ્લેમ હોય તો મને જણાવશો હવે મારું નિરાકરણ લાવો તેવી વેદના મહેશ ઠાલવી રહ્યો છે. ત્રણ ભાઈઓમાં માત્ર એક વીઘા જમીન છે, દર ત્રણ વર્ષે એક વખત ખેતર ખેડવાનો વખત આવે છે. જમીનમાંથી થતી ઉપજ ઉપરાંત ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારના સભ્ય મહેશ પરમારે માત્ર દૂધ નહીં મળતા જીદે ચઢી રજૂઆતો કરી હતી.
ભાટપુરા મંડળી (ડેરી)ના પ્રમુખ રમેશભાઇ બારોટ સાથે ઉપરોક્ત બાબતે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમો માત્ર સભાસદ હોય તેને જ દૂધ આપીએ છીએ, બીજા કોઇને આપતા નથી. છતાં હવે મહેશને જરૂર છે તો કાલથી રૂપિયા 30 લઈ મોકલજો હું દૂધ અપાવીશ તેવો સંતોષકારક જવાબ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે