આ તે વળી કેવો વિકાસ! સંસ્કારી નગરીમાં આખેઆખા રોડ જ ગાયબ થઈ ગયા!

વડોદરામાં વિકાસના કામો કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર ખાડા ખોદી દેવામાં આવ્યા હતા, જે ખાડાઓ 15 જૂન સુધી પૂરી દેવા પાલિકા સત્તાધીશોએ આદેશ કરતા કોન્ટ્રાકટરોએ જેમતેમ ખાડાઓ પૂરી દીધા.

આ તે વળી કેવો વિકાસ! સંસ્કારી નગરીમાં આખેઆખા રોડ જ ગાયબ થઈ ગયા!

રવિ અગ્રવાલ/વડોદરા: પ્રથમ વરસાદે જ કોર્પોરેશન તંત્રના કામગીરીની પોલ ખુલી ગઈ છે. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોએ ખાડા ખોદીને જે તે કામગીરી કર્યા બાદ યોગ્ય પુરાણ ન કરતાં અનેક જગ્યાઓએ રોડ બેસી ગયા છે, સાથે જ રોડ પર નાના મોટા ભૂવા પડ્યા છે, જેને લઈ લોકોને મુશ્કેલી પડી રહી છે.  

વડોદરામાં વિકાસના કામો કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર ખાડા ખોદી દેવામાં આવ્યા હતા, જે ખાડાઓ 15 જૂન સુધી પૂરી દેવા પાલિકા સત્તાધીશોએ આદેશ કરતા કોન્ટ્રાકટરોએ જેમતેમ ખાડાઓ પૂરી દીધા. પ્રથમ વરસાદ પડતાં જ કોન્ટ્રાકટરોના કામગીરીની પોલ ખુલ્લી પડી છે. કોન્ટ્રાકટરોએ ખાડા પુરાણ યોગ્ય ન કર્યું હોવાથી સમા સ્થિત ઊર્મિ બ્રિજનો સર્વિસ રોડનો સાઈડનો ભાગ બેસી ગયો છે, સાથે જ રોડ પર નાના મોટા ભૂવા પણ પડ્યા છે.

આ જ રોડ પર મોટી સ્કૂલ અને હોસ્પિટલ આવેલી છે, સાથે જ રહેણાક અને કોમર્શિયલ વિસ્તાર છે. જેને લઇ મોટી સંખ્યામાં દર્દીઓ, સ્કૂલના વિધાર્થીઓ અને રહીશો રોડ પરથી અવર જવર કરે છે. તેમ છતાં પાલિકાના શાસકો અધિકારીઓ કોઈ જ કામગીરી કરતા નથી. અનેક લોકોના વાહનો ખાડામાં ફસાઈ જાય છે, તો અનેક લોકો પડે પણ છે, જેથી લોકોને ઈજા પણ થાય છે સાથે જ વાહનને નુકશાન પણ થાય છે.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પાલિકા કામગીરીની નિષ્ફળ નીવડી છે. ઊર્મિ બ્રિજ પાસેના સર્વિસ રોડ પર થોડાક સમય પહેલા જ પાલિકાએ ડ્રેનેજ લાઈન નખાવી હતી. જેમાં કોન્ટ્રાકટરએ ખાડાનું યોગ્ય પુરાણ નહિ કર્યું, સાથે જ પાલિકાના ઈજનેરે પણ યોગ્ય દેખરેખ ન રાખતા લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. ખાડામાં વાહન પછડાવવાથી અને રોડ પર ભરેલા પાણીમાં વાહન જવાથી વાહનચાલકોને પણ નુકશાન થઈ રહ્યું છે. 

સયાજીગંજમાં ગેરેજ સંચાલક યોગેશ રાણા કહે છે કે ખાડામાં પછડાવવાથી નુકશાન થયેલ રોજ 10થી વધુ વાહન રીપેરીંગ માટે આવે છે. લોકોને ખાડાના કારણે વાહન બનાવવાનો 3 હજાર જેટલો ખર્ચ થાય છે, ત્યારે પાલિકાએ યોગ્ય રોડ બનાવવો જોઈએ અને ખાડાનું તાત્કાલિક પુરાણ કરવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news