દક્ષિણ ગુજરાતના ખેડૂતો મોટી મુશ્કેલીમાં, ખેતરમાં ત્રાટકી પડતા રખડતા ઢોરોથી કોણ બચાવશે

સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં પણ રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. જોકે હવે ચોમાસું આવી ગયું હોવાથી સૌથી વધુ પરેશાન વલસાડ જિલ્લાના ખેડૂતો છે. વલસાડના ઉમરગામના ખેડૂતો રખડતા પશુઓના ત્રાસથી ખેતી છોડવા મજબૂર થઈ રહ્યાં છે. રખડતા પશુઓના ત્રાસથી બચાવવા ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્યને મળી અને રજૂઆત કરી સરકાર સમક્ષ મદદની માંગ કરી છે. ત્યારે શું છે ઉમરગામના ખેડૂતોની વેદના અને શું સરકાર તેમની મુશ્કેલીનું કોઈ સમાધાન કરશે? 
દક્ષિણ ગુજરાતના ખેડૂતો મોટી મુશ્કેલીમાં, ખેતરમાં ત્રાટકી પડતા રખડતા ઢોરોથી કોણ બચાવશે

Valsad News નિલેશ જોશી/ઉમરગામ : સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં પણ રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. જોકે હવે ચોમાસું આવી ગયું હોવાથી સૌથી વધુ પરેશાન વલસાડ જિલ્લાના ખેડૂતો છે. વલસાડના ઉમરગામના ખેડૂતો રખડતા પશુઓના ત્રાસથી ખેતી છોડવા મજબૂર થઈ રહ્યાં છે. રખડતા પશુઓના ત્રાસથી બચાવવા ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્યને મળી અને રજૂઆત કરી સરકાર સમક્ષ મદદની માંગ કરી છે. ત્યારે શું છે ઉમરગામના ખેડૂતોની વેદના અને શું સરકાર તેમની મુશ્કેલીનું કોઈ સમાધાન કરશે? 

રાજ્યના છેવાડે આવેલો વલસાડ જિલ્લો ખેતી પર નિર્ભર જિલ્લો છે. જિલ્લાનો ઉમરગામ તાલુકાનો પણ મુખ્ય વ્યવસાય ખેતી છે. ઉમરગામ તાલુકામાં નાના મોટા 7 હજારથી વધુ ખેડૂતો છે. જેમનું જીવન ખેતી પર જ નિર્ભર છે. અત્યાર સુધી આ તાલુકામાં ચોમાસુ પાકની સાથે ઉનાળુ પાક પણ લેવાતો હતો. જો કે છેલ્લા કેટલાક સમયથી ઉમરગામ તાલુકામાં રખડતા પશુઓનો ત્રાસ વધતા ધીમે ધીમે ખેડૂતો ખેતીના પાકને બચાવવા અનેક પ્રયાસ કરતા હતા. જોકે તેમ છતાં દિવસ રાહત રખડતા પશુઓનો ત્રાસ યથાવત રહેતા ઉમરગામના અનેક ખેડૂતો ખેતી છોડવાનું વિચારી રહ્યા હતા. નાના ખેતરોમાં દિવસ રાત મહેનત કરી પરસેવો વહાવી તૈયાર થયેલા પાકને ખેતરમાં બચાવવા ખેડૂતોએ રાત ઉજાગરા કરવા પડતા હતા. પરંતુ કોઈ વાર ચૂકી જાય તો એક જ દિવસમાં ખેતીનો પાક રખડતા પશુઓ સાફ કરી દેતા હતા. આથી વલસાડના ઉમરગામના ખેડૂતો રખડતા પશુઓના ત્રાસથી મુક્તિ મેળવવા સરકાર સમક્ષ નજર રાખી રહ્યાં છે. 

આહુ ગામના ખેડૂત જેનીભાઈ દુબળા જણાવે છે કે, ઉમરગામમાં નાના ખેડૂતોની સંખ્યા વધારે છે. આથી ખૂબ જ નાના ખેતર હોવાથી સરકાર દ્વારા ખેડૂતોના પાક સંરક્ષણ માટે અમલમાં મૂકવામાં આવેલી તાર ફેન્સીંગની યોજનાઓના લાભથી પણ ખેડૂતો વંચિત રહેતા હતા. કારણ કે એ ધારા ધોરણ મુજબ નાના ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકતા ન હતા. વર્ષોથી ઉમરગામના ખેડૂતો મુખ્યત્વે ખેતી પર જ નિર્ભર હતા. તેમનું જીવન ધોરણ અને વર્ષના સારા નરસા પ્રસંગો ખેતી પર જ નિર્ભર હતા. જોકે ધીમે ધીમે જમીનમાં ભાગ પડતા ખેડૂતોના ભાગે ઓછી જમીન આવતી થઈ. પરિણામે નાની ખેતીથી પણ નાના ખેતરમાં પણ ખેતી કરી ખેડૂતો જીવન નિર્વાહ કરતા હતા. પરંતુ એવા સમયમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓના વધેલા ત્રાસને કારણે ખેડૂતોના વર્ષની મહેનત પર રખડતા પશુઓ પાણી ફેરવી દેતા હતા. જેનાથી બચવા ધીમે ધીમે ખેડૂતો ઉનાળુ પાકને છોડી માત્ર ચોમાસું પાક કરતા થયા હતા. પરંતુ તેમ છતાં રખડતા પશુઓની સંખ્યા વધતા ચોમાસામાં પણ ખેડૂતોને ખેતરના પાકને બચાવવા માટે રાત દિવસ ઉજાગરા કરવા પડતા હતા. હવે ચોમાસુ શરૂ થઈ રહ્યું છે આથી અત્યાર સુધીથી જ ખેડૂતોને પોતાનો પાક બચાવવાની ચિંતા સતાવી રહી છે. 

નાહુલી ગામના ખેડૂત મુકેશ પટેલ કહે છે કે, ઉમરગામ તાલુકા વિસ્તારના લોકો ડાંગરની ખેતી કરતા હતા પરંતુ રખડતા પશુઓને કારણે ખેડૂતોએ ડાંગરની રોપણી ઓછી કરતા થયા. અને કઠોળ અને અન્ય પાકો તરફ પડ્યા હતા. પરંતુ તેમાં પણ રખડતા પશુઓની સાથે જંગલી ડુક્કરનો ત્રાસ વધતા પશુઓથી ત્રાસેલા ખેડૂતો સરકાર સમક્ષ મદદ માંગવા સ્થાનિક ધારાસભ્ય રમણભાઈ પાટકરને મળ્યા હતા. ઉમરગામના ખેડૂતોએ તેમને મળી રખડતા પશુઓથી મુક્તિ મેળવવા અને મહામૂલા પાકને બચાવવા સરકાર સમક્ષ મદદ માટે રજૂઆત કરી હતી. તો ધારાસભ્ય પાટકરે પણ ખેડૂતોની રજૂઆત સાંભળી રખડતા પશુઓથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હોવાનું સ્વીકારી સરકારને આ અંગે રજૂઆત કરી સમસ્યાના સમાધાનની ખાતરી પણ આપી હતી. 

રસ્તા પર અડીંગો જમાવતા રખડતા પશુઓના કારણે અનેક વખત અકસ્માતો સર્જાય છે. લોકોના જીવ પણ ગયા છે. આવી જ રીતે વલસાડના ઉમરગામમાં પણ રખડતા પશુઓ રસ્તા પર અડીંગો જમાવે છે. તો જે ખેતરમાં પાક હોય છે તેમાં પણ પાકને નુકસાન કરે છે. આથી અકસ્માતની સાથે રખડતા પશુઓ ખેડૂતો માટે પણ માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે. આથી હવે ખેડૂતો આ સમસ્યાથી મુક્તિ માટે સરકાર સમક્ષ મદદની અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે સરકાર પણ ખેતી બચાવવા કોઈ નક્કર પગલાં લે જરૂરી બન્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news