કરોડો રૂપિયા ગયા પાણીમાં... પહેલા વરસાદમાં જ જન મહેલ બન્યું જળ મહેલ

કરોડો રૂપિયા ગયા પાણીમાં... પહેલા વરસાદમાં જ જન મહેલ બન્યું જળ મહેલ
  • વડોદરા પાલિકાએ સ્માર્ટ સિટી અંતર્ગત 72 કરોડના ખર્ચે બનાવેલ જન મહેલ પહેલા જ વરસાદમાં બન્યું જળ મહેલ
  • જન મહેલમાં પાણી ભરાતા મુસાફરો, દુકાનદારો, ઓફિસ સ્ટાફ અને સિટી બસ ડેપો ખાતેના સંચાલકો મુસીબતમાં મૂકાયા

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં સ્માર્ટસિટીના પ્રોજેક્ટ જનમહલ ટ્રાન્સપોર્ટેશન હબ બનાવવામાં 72 કરોડ ખર્ચાયા છે. પણ અહી પહેલા જ વરસાદે પાણી ટપકવાનું શરૂ થતા સિટી બસ ડેપોના મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. વિપક્ષે સમગ્ર મામલે તપાસની માંગ કરી. ત્યારે શહેરના મેયરે ગેરરીતિ થઈ હશે તો યોગ્ય કાર્યવાહી કરવાની હૈયા ધારણા આપી છે.

સ્માર્ટ સિટી વડોદરાના અનેક પ્રોજેક્ટ વિવાદમાં આવી ચૂક્યા છે, ત્યારે એક વર્ષ પહેલા 72 કરોડના ખર્ચે તૈયાર થયેલા જનમહલ ટ્રાન્સપોર્ટેશન હબ ખાતેના સિટી બસ ડેપો ખાતે પહેલા જ વરસાદમાં પાણી ભરાયા હતા. આ મામલે મોટા ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે. પથિક ભવન અને 40 થી વધુ દુકાનો તોડી પાડી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત પીપીપી ધોરણે અનેક દુકાનો, ઓફિસ બનાવી દેવાયા. એક બાજુની જગ્યાએ સિટી બસ ડેપો ઉભો કરાયો છે. જો કે પહેલા જ વરસાદમાં જનમહલ હબની અનેક જગ્યાઓથી વરસાદી પાણી પડવાનું શરૂ થયું છે. જેથી કહી શકાય કે પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાંખી છે, અને જન મહેલ જળ મહેલ બની ગયું છે. વરસાદ પડતા જ જન મહેલમાં પાણી ભરાતા મુસાફરો, દુકાનદારો, ઓફિસ સ્ટાફ અને સિટી બસ ડેપો ખાતેના સંચાલકો સહિત તમામ મુસીબતમાં મૂકાઈ રહ્યા છે.

સિટી બસ સ્ટેશનના પર આવેલા મુસાફર કેવિન ગોહિલે કહ્યું કે, 72 કરોડના ખર્ચે બનેલ જન મહેલમાં તકલાદી કામગીરીને લઈ ભ્રષ્ટાચારની આશંકા લાગી રહી છે. મુસાફરોને વરસાદી પાણી ભરાઈ જાય ત્યારે મુશ્કેલી પડે છે.

સિટી બસ સ્ટેશનના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ આ વિશે કહ્યુ કે, વરસાદમાં જન મહેલમાં પાણી ભરાઈ જાય છે. મુસાફરો ફરિયાદ લઈ અમારી પાસે આવે છે. અમે યોગ્ય જગ્યાએ રજૂઆત કરી છે.

પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે કહ્યું કે, ભાજપ સત્તાધીશોએ જનમહેલમાં ભ્રષ્ટાચાર કર્યો છે, કેમ કે પાલિકાએ 250 કરોડની જમીન મફતમાં ડેવલોપરને આપી દીધી, સાથે જ ડેવલોપર એ હલકી કક્ષાનું કામ કર્યું છે જે વરસાદે પુરવાર કર્યું.

જો કે આ વિશે મેયર કેયુર રોકડીયાનું કહેવું છે કે, જનમહલ ટ્રાન્સપોર્ટેશન હબ ખાતે પહેલા પડેલા વરસાદ કે તૌકતે વાવાઝોડા દરમિયાન પણ પાણી ભરાયા ન હતા. પરંતુ જે રીતે હાલના વરસાદમાં પાણી ભરાવાની ઘટના સામે આવી રહી છે તેની યોગ્ય તપાસ કરવામાં આવશે અને જો ખરેખર બાંધકામમાં કોઈ ગેરરીતિ થઈ હોવાનું સામે આવશે તો કાર્યવાહી કરીશું. હાલમાં અધિકારીઓને પાણી ક્યાંથી ટપકે છે તેની તપાસ કરવા સૂચના આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news