Ashok Gehlot : હારનું ઠીકરું EVM પર ફોડીને કંઈ નહિ થાય, કંગાળ દેખાવને કારણે કોંગ્રેસ પાતાળમાં ધકેલાયુ
Gujarat Assembly Elections Result : કોંગ્રેસે હારનુ ઠીકરું ઈવીએમ પર ફોડવાને બદલે મંથન કરવાની જરૂર છે... એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસનો વોટશેર જે ઘટ્યો છે એ AAPને ટ્રાન્સફર થઈ ગયો છે
Trending Photos
Gujarat Election Result : ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ના માત્ર ભાજપે પણ કોંગ્રેસે નવો રેકોર્ડ બનાવ્યો છે. ભાજપે 156 બેઠક સાથે ઐતિહાસિક જીત મેળવી તો બીજી તરફ 17 બેઠક સાથે અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કોંગ્રેસે કર્યું છે. પરંતુ કોંગ્રેસ આ હારને પચાવી શક્તી નથી. અને મનોમંથન કરવાના બદલે હારનું ઠીકરું ફરી EVM પર ફોડી રહી છે. કોંગ્રેસે કારમી હારનું ઠીકરું EVM પર ફોડ્યું. ભરતસિંહ સોલંકી અને રઘુ દેસાઈએ સવાલો ઉઠાવ્યા છે. રઘુ દેસાઈએ કહ્યું કે કોંગ્રેસના પરંપરાગત વિસ્તારમાં પણ મત કેમ ના મળ્યા? ત્યારે શું છે સમગ્ર મામલો અને કેમ EVM પર ઉઠ્યા સવાલ જોઈએ આ ખાસ અહેવાલમાં.
ત્રિપાંખિયા જંગની ચર્ચાઓ વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે માઈલસ્ટોન વિક્ટરી હાંસલ કરી. ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધીમાં ક્યારેય કોઈ પક્ષે ના જીતી હોય એટલી બેઠકો 2022માં ભાજપને મળી. ભાજપની આ જીત સાથે કોંગ્રેસ પણ પાતાળમાં ધકેલાય ગઈ. પરંતુ અહીં ચર્ચા કોંગ્રેસની હાર કરતાં વધારે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીની થઈ રહી છે.
હકીકતમાં, ગુજરાતની જનતાએ આ વખતે કમાલ કરી નાખી છે એમાં કોઈ શંકા નથી. ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધીમાં કોઈપણ પક્ષને ન મળ્યો હોય એવો ઐતિહાસિક વિજય જનતાએ ભાજપના ખોળામાં નાખી દીધો. ઈતિસાહમાં ક્યારેય ન મળી હોય એવી કારમી હાર સાથે કોંગ્રેસને પાતાળમાં ધકેલી દીધી. ભાજપની વિક્રમ જીત અને કોંગ્રેસની ઐતિહાસિક હાર વચ્ચે ગુજરાતમાં એક નવા પક્ષની એન્ટ્રી પણ થઈ ચૂકી છે. વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવાનારા મુખ્ય પક્ષોની વાત કરીએ તો,
1 કરોડ 67 લાખ 7 હજાર 957 મત સાથે ભાજપ ટોચ પર છે
અડધા ગુજરાતે એટલે કે 52.50 ટકા મતદારોએ ભાજપને મત આપ્યા છે
જ્યારે 86 લાખ 83 હજાર 966 મત સાથે કોંગ્રેસ બીજા નંબરે છે
કોંગ્રેસને આ ચૂંટણીમાં 27.28 ટકા મત મળ્યા છે
આમ આદમી પાર્ટીને કુલ 41 લાખ 12 હજાર 55 મત મળ્યા છે
આમ આદમી પાર્ટીનો વોટ શેર 12.92 ટકા રહ્યો છે
આ સિવાય 13 લાખ 81 હજાર 739 મત અપક્ષ ઉમેદવારોને મળ્યા છે
અપક્ષ ઉમેદવારોને 4.34 ટકા મત મળ્યા છે
આ ઉપરાંત AIMIM, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનો વોટશેર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 0.50 ટકાથી પણ ઓછો રહ્યો છે
ગુજરાતમાં કોંગ્રસની આ સ્થિતિ જોઈને હવે ભાજપના નેતાઓ પણ કહી રહ્યા છેકે કોંગ્રેસનું વિસર્જન થઈ જવું જોઈએ. એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસનો વોટશેર જે ઘટ્યો છે એ AAPને ટ્રાન્સફર થઈ ગયો છે.. આના કારણે AAPએ ભલે 5 સીટ જીતી હોય, પરંતુ 35 સીટ પર તે બીજા નંબર પર રહી છે, એટલે કે ગુજરાતમાં AAP હવે વિપક્ષનો દરજ્જો હાંસલ કરવા તરફ આગળ વધી રહી છે.
આમ આદમી પાર્ટીએ 2017માં 29 વિધાનસભા સીટ પર ચૂંટણી લડી હતી. માત્ર 3 સીટ પર આપે થોડો પગપેસારો કર્યો હતો, પરંતુ આ 2 સીટની સાથે તમામ 29 સીટ પર આપની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. વિધાનસભા 2022માં આપના 128 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. જ્યારે કોંગ્રેસના 44 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ છે.
ચૂંટણી જાહેર થયાના 35 દિવસમાં ચૂંટણી પંચ દ્વારા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ 35 દિવસમાં તમામ રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભાજપ સિવાય કોઈપણ પક્ષ સીધી રીતે ફાયદો થયો નથી. હવે જોવું એ રહ્યું કે કોંગ્રેસ આ ચૂંટણીમાંથી શું શીખ લે છે.
વડોદરામાં કોંગ્રેસે 2017 ની સરખામણીએ 1.15 લાખ મત ગુમાવ્યા
ગુજરાતના કેટલાક શહેરો પર કોંગ્રેસના કંગાળ દેખાવની વાત કરીએ તો, વડોદરા શહેરની 5 બેઠકો પર કોંગ્રેસનો કંગાળ દેખાવ રહ્યો છે. 2017 ની તુલનાએ 2022માં કોંગ્રેસ ઉમેદવારોને 5 બેઠક પર માત્ર 1,63,365 વોટ જ મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોએ શહેરમાં વર્ષ 2017ની સરખામણીએ 1.15 લાખ મતો ગુમાવ્યા છે. ભાજપનો વોટ શેર વધીને 70.88 ટકા થયો, જ્યારે કે, કોંગ્રેસનો ઘટી 19.92 ટકાએ આવ્યો છે. માંજલપુર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડો તશ્વીન સિંગની ડિપોઝિટ પણ જપ્ત થઈ છે.
સુરતમાં કોંગ્રેસના 10 ઉમેદવારોને મળેલા મત સામે ભાજપના 2 ઉમેદવારોના મત વધુ
તો બીજી તરફ, સુરત વિધાનસભા ચૂંટણીમાં સુરતની બેઠકો પર કોંગ્રેસનો કંગાળ દેખાવ જોવા મળ્યો છે. શહેરી વિસ્તારમાં આપના કારણે મતદારો કોંગ્રેસથી વિમુખ થયા છે. શહેરની 10 વિધાનસભાના ઉમેદવારોને કુલ માત્ર 1.82 લાખ મત મળ્યા છે. જેની સામે ભાજપના સંદીપ દેસાઈની સરસાઈ 1.86 લાખથી વધુ છે. કોંગ્રેસના દસ ઉમેદવારોને મળેલા મત સામે ભાજપના 2 ઉમેદવારોના મત વધુ છે. જે કોંગ્રેસના ઉમદેવારોની ઘટી રહેલી લોકપ્રિયતા બતાવે છે. કરંજ, વરાછા, ઉત્તર, કામરેજ, કતારગામ, મજુરા, ચોર્યાસી, પશ્ચિમ, ઉધના, લિંબાયતના કોંગ્રેસના ઉમેદવારો નબળા પુરવાર થયા છે. કોંગ્રેસને તેનો આંતરિક જૂથવાદ નડ્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે. સુરત કોંગ્રેસની નબળી નેતાગીરીનું પરિણામ લોકોએ બતાવ્યું. કોંગ્રેસના ઉમેદવારો માત્ર ચૂંટણી ફંડ માટે જ લડત હોવાના આક્ષેપ ઉઠ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે