વિનાશના મુખમાં ધકેલાઈ રહ્યાં છે ગુજરાતના જંગલો, એક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

World Environment Day : 5 જૂનના રોજ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે. તો એક રિપોર્ટ એવુ કહે છે કે ગુજરાતમાં જંગલોનો ઘટાડો થઈ રહ્યો છે, ગુજરાતના જંગલોમાંથી વૃક્ષો ઘટી રહ્યાં છે 

વિનાશના મુખમાં ધકેલાઈ રહ્યાં છે ગુજરાતના જંગલો, એક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Gujarat Forest : ગુજરાતીઓ ફરવાના શોખીન હોય છે. વિકેન્ડમાં ફરવા ઉપડી જવાનું. પરંતુ ફરવાના શોખીન ગુજરાતીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં જંગલો ઘટી રહ્યાં છે. એટલે કહી શકાય કે ગુજરાતમાં વનરાજી નાશ પામી રહી છે. ફોરેસ્ટ સરવે ઓફ ઇન્ડિયાના રિપોર્ટ ‘ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ - 2021’ માં આ ખુલાસો થયો છે. આજે પર્યાવરણ દિવસ પર આ માહિતી જાણવા જેવી છે કે, ગુજરાતમાં 2019ની સરખામણીએ ફોરેસ્ટ કવરમાં 69 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. પંરતું બીજી તરફ, રાજ્યના ટ્રી કવરમાં બે વર્ષમાં ધરખમ રીતે 1423 ચો.કિમીનો ઘટાડો નોંધાયો છે. એટલે કે, ગુજરાતમાં વૃક્ષો ઘટ્યા છે. આ એક ચિંતાજનક બાબત છે. 

5 જૂનના રોજ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે આ દિવસે ઔદ્યોગિક વિકાસ તરફ આગળ વધતા ગુજરાત માટે એક બાબત ચિંતાજનક છે. રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં જંગલોનો ઘટાડો થઈ રહ્યો છે. ગ્લોબલ ફોરેસ્ટ વોચ સંસ્થા મુજબ વર્ષ ૨૦૦૧ થી લઇને ૨૦૨૧ સુધીમાં ગુજરાતે ૧૦૧ હેક્ટર વૃક્ષ આવરણ ગુમાવ્યું છે. આ વૃક્ષો ગુમાવવા પાછળ અનેક કારણો છે. ખાસ કરીને, લીલોતરીથી ભર્યા ભર્યા રહેતા નર્મદા અને ડાંગ જિલ્લાએ સૌથી વધુ વૃક્ષોનું આવરણ ગુમાવ્યું છે.  

રિપોર્ટમાંથી મળતી માહિતી અનુસાર, ગ્લોબલ ફોરેસ્ટ વોચ મુજબ, છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતે ૧૦૧ હેક્ટર વૃક્ષ આવરણ (Tree Cover) ગુમાવ્યું. છે. જેનુ મુખ્ય કારણ આગ લાગવાનું છે. કુલ 9 હેક્ટર જમીનમાં વૃક્ષો આવરણ આગ લાગવાથી, જ્યારે ૯૨ હેક્ટરમાં વૃક્ષ આવરણ અન્ય કારણોથી ઘટયું છે. આગ લાગવાની ઘટનાઓને કારણે ગુજરાતના જંગલોમાંથી અનેક વૃક્ષો બળીને ખાખ થઈ ગયા છે. સંસ્થાના સર્વે પ્રમાણે છેલ્લા ચાર અઠવાડિયા માં જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, મોરબીમાં સૌથી વધુ ફાયર એલર્ટ મળ્યા છે. સર્વે મુજબ જે પ્રકારે વૃક્ષ આવરણ ઘટી રહ્યું છે તે ચિંતા ઉપજાવે તેમ છે. 

તો બીજી તરફ,  ૨૩ મે ૨૦૨૩ થી ૩૦ મે ૨૦૨૩ ની વચ્ચે ગૂજરાતમાં ૪૮૯ VIIRS દ્વારા ફાયર એલર્ટની નોંધ થઈ છે. ૧ જૂન ૨૦૨૦ થી ૨૯ મે ૨૦૨૩ ની વચ્ચે ૧૫,૯૬૮ ફાયર એલર્ટ મળ્યા છે. વર્ષ ૨૦૨૨ માં ૮૦૦૦ હેક્ટર જમીનમાં આગની ઘટના બની છે, જે ૨૦૨૧ માં ૭૬૦૦૦ હેક્ટરમાં બની હતી. છેલ્લા ૪ અઠવાડિયામાં, જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, મોરબીમાં સૌથી વધુ જમીનમાં આગના એલર્ટ મળ્યા છે.

આ ઉપરાંત સરકારે જંગલોની અનેક જમીન ઉદ્યોગપતિઓને ભેટ કરી છે. 13 વર્ષમાં ગુજરાતનાં જંગલોની કુલ 13 હજાર હેક્ટર જમીન અન્ય હેતુઓ માટે આપી દેવામાં આવી છે. વર્ષ 2016-17થી 2020-21 સુધીમાં જ ગુજરાતમાં 5340 હેક્ટર જમીનને જંગલ સિવાયના હેતુ માટે ફાળવી દેવાઇ છે. આ પણ એક કારણ છે કે, જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે. પરંતું સરકારી ચોપડે જંગલનું પ્રમાણ વધ્યુ હોવાનું કહેવાય છે. 

આજે પર્યાવરણ દિવસના રોજ એ પ્રણ લેવુ જરૂરી છે કે, ગુજરાત ફરી લીલુછમ થાય. ગુજરાતમાં ઉદ્યોગોની સંખ્યા સતત વધી રહી છે, આવામાં કાર્બન ઉત્સર્જન વધુ થઈ રહ્યુ છે. જો વાતાવરણમાં બેલેન્સ જાળવવુ હોય તો વૃક્ષો વાવવા જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news