ગુજરાત પોલીસને ગર્વ થાય તેવું પોલીસ સ્ટેશન, પર્યાવરણ પ્રેમી કર્મચારીઓએ સ્ટેશનની કાયાપલટ કરી દીધી

World Environment Day : એક એવું પોલીસ સ્ટેશન જ્યાં લોકો ફરવા આવે છે. પોલીસ સ્ટેશન મુલાકાત બાદ પર્યાવરણનો અનોખો સંદેશો લઈને જાય છે. વેસ્ટમાંથી બેસ્ટ, સ્વચ્છતા, પ્રાકૃતિક જતન કરતું અનોખું પોલીસ સ્ટેશન

ગુજરાત પોલીસને ગર્વ થાય તેવું પોલીસ સ્ટેશન, પર્યાવરણ પ્રેમી કર્મચારીઓએ સ્ટેશનની કાયાપલટ કરી દીધી

Surat News સંદીપ વસાવા/સુરત : તારીખ 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન. તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં એક એવુ પોલીસ સ્ટેશન છે, જે તમને પોલીસ સ્ટેશન કરતા હરવા ફરવાનું સ્થળ વધારે લાગશે. અહીં કલાકો સુધી બેસવાનું મન થાય એવું સુરત જિલ્લાના ઉમરપાડાનું ઈકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન છે. પર્યાવરણપ્રેમી પોલીસ સ્ટાફે સહિયારી માવજતથી ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવ્યું છે. જે સ્વચ્છતા અને પ્રકૃત્તિપ્રેમી પી.એસ.આઈ. અને પોલીસ સ્ટાફે પર્યાવરણનો સુમેળ રચ્યો છે. પોલીસ સ્ટેશનના આહ્લાદક વાતાવરણને લઈ લોકો ફરવા માટે આવે છે.

કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જતાં સ્વાભાવિકપણે લોકોને ડર લાગે. પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તમારી માન્યતા ધરમૂળથી બદલાઈ જશે. ઉમરપાડા તાલુકા મથકે આવેલું ઉમરપાડા પોલીસ સ્ટેશન કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ, સુઘડ અને ઈકોફ્રેન્ડલી છે. આ પોલીસ સ્ટેશન અન્ય કરતાં એટલા માટે અલગ છે. કારણ કે અહીં કાર્યરત તમામ પોલીસ જવાનો, અધિકારીઓ પર્યાવરણપ્રેમી છે. અહીં ફરજ બજાવતાં સ્વચ્છતા અને પ્રકૃત્તિપ્રેમી પોલીસ કર્મીઓએ પર્યાવરણનો સુમેળ રચ્યો છે. પોલીસ મથકના પ્રકૃત્તિપ્રેમી પોલીસ સ્ટાફે સહિયારી માવજતથી ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવ્યું છે. વૃક્ષોથી આચ્છાદિત પરિસરના કારણે પક્ષીઓના કલરવથી પોલીસ સ્ટેશન આહ્લાદક અનુભૂતિ કરાવે છે.

ઉમરપાડા પોલીસ સ્ટેશન માત્ર ન્યાય મેળવવાનું કેન્દ્રસ્થાન ન રહેતા રેઈન વોટર હાર્વેસ્ટિંગ, પર્યાવરણ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન, વર્મી કમ્પોસ્ટ, મેડીટેશન, કિચન ગાર્ડનિંગ માટેનું પણ જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે. આ પોલીસ સ્ટેશનમાં પાણી અને પાંદડાને વેસ્ટ બનતા અટકાવવામાં આવે છે. જેમાં વેસ્ટ વોટરને જમીનમાં ઉતારવામાં આવે છે. જ્યારે મઘા નક્ષત્રમાં થતાં વરસાદનું પાણી ગુણકારી હોવાથી આ પાણીનો સંગ્રહ કરવા માટે બનાવાયેલા અંડરગ્રાઉન્ડ સંપમાં ૪૦,૦૦૦ લિટર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. જે બારેમાસ પીવાનું શુદ્ધ પાણી પૂરૂ પાડે છે. ઉપરાંત, વૃક્ષોના ખરી ગયેલા પાન, સુકા કચરાને ગાયના ગોબર સાથે મિક્ષ કરી વર્મી કમ્પોસ્ટ ખાતરમાં રૂપાંતરિત કરવા પોલીસ સ્ટેશનમાં જ વર્મી કમ્પોસ્ટ બેડ બનાવવામાં આવ્યો છે. નકામા મુદ્દામાલમાંથી વેસ્ટમાંથી બેસ્ટ કોન્સેપ્ટથી આકર્ષક સુશોભન કરવામાં આવ્યું છે. અહીં બાળકો માટે પ્લે એરિયા છે. જ્યાં પોલીસ સ્ટેશનને અડીને આવેલા પોલીસ ક્વાર્ટર્સમાં રહેતા પોલીસ પરિવારના બાળકો તેમજ અહી આવતા ફરિયાદીઓ-મુલાકાતીઓના બાળકો રમે છે. આનંદપ્રમોદ કરે છે.

ઉમરપાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એડી સાંબડ કહે છે કે, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા વેસ્ટ મટિરિયલનો ઉપયોગ પોલીસ સ્ટેશનને ખૂબસુરત બનાવવા માટે ક્રિએટીવ રીતે કરવામાં આવ્યો છે. નકામા ટાયરોમાંથી કુંડા, પ્લાસ્ટિક બોટલોમાંથી વૃક્ષો માટે દેશી ટપક સિંચાઈ પદ્ધતિ, આર.ઓ. વોટર દીવાલો વારલી પેઇન્ટિંગથી સુશોભિત કરવામાં આવી છે. સાથોસાથ, અહીં ભગવાન શિવની મૂર્તિ અને તેના પર થતી જલધારા તાલુકાવાસીઓ માટે આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બની છે. આ મૂતિ સામે બેસીને ધ્યાન-મેડીટેશન દ્વારા પરમ શાંતિનો અનુભવ મળે છે. દીવાલ પર સ્વચ્છતા અભિયાન અને ટ્રાફિક નિયમન જાગૃત્તિ માટે આકર્ષક પેઈન્ટીંગ બનાવવામાં આવ્યા છે.

સુરતના એસપી હિતેશ જોઈસરનુ કહેવુ છે કે, ઉમરપાડા પોલીસ મથકના ફરજ બજાવી ચૂકેલા પી.એસ.આઇ કે. ડી.ભરવાડે આ પોલીસ મથકને ગ્રીન-મોડેલ પોલીસ સ્ટેશનમાં પરિવર્તિત કર્યું હતું ત્યારે આજે પણ પોલીસ કર્મીઓના સહિયારા પ્રયાસ અને મહેનતથી આખું પોલીસ મથક વૃક્ષોથી હરિયાળું બન્યું છે. પર્યાવરણપ્રેમી પી.એસ.આઈ. કે.ડી. ભરવાડનું વર્ષ ૨૦૧૯માં ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ થયું, ત્યારે અહીં ઘણી અસુવિધાઓ નજરે પડી. પી.એસ.આઇ ભરવાડ ખેડૂતપુત્ર હોવાથી વૃક્ષો, પ્રાણી-પક્ષીઓ, પ્રકૃત્તિ પ્રત્યે પહેલેથી જ લગાવ રહ્યો છે. એટલે જ ગ્રીન પોલીસ સ્ટેશન બનાવવાનો વિચાર આવ્યો. 

તેઓએ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં વાહનોના વેસ્ટેજ ટાયરો, તૂટેલા પાઈપ, પ્લાસ્ટિક બોટલો, બિનઉપયોગી ડબ્બાઓનો ઉપયોગ કરી તેમાં માટી ભરી રોપા અને વેલા ઉછેરવાની શરૂઆત કરી, એટલેકે વેસ્ટ માંથી બેસ્ટ ઉપયોગ પણ જોઈ શકાય છે. વૃક્ષો વાવવાથી જ કામ પૂરૂં ન થઈ જતા તેનો સુવ્યવસ્થિત ઉછેર અને દેખરેખ થાય એ માટે એક નવીનતમ પહેલ શરૂ કરી હતી. જેમાં પોલીસ સ્ટાફના તમામ સભ્યોએ પરિસરમાં એક એક વૃક્ષને ફરજિયાત ઉછેરવા માટે દત્તક લેવાની પ્રેરણા આપી. રોપા નીચે થડ પર દત્તક લેનાર પોલીસકર્મીનું નામ અને હોદ્દો દર્શાવતી નેમ પ્લેટ પણ મૂકવામાં આવી. જો વૃક્ષ વાવ્યા બાદ કરમાઈ જાય, અધવચ્ચે સૂકાઈ જાય તો રૂ.૧૦૦૦ દંડ નક્કી કરવામાં આવ્યો. ત્યારે પરિણામ એ આવ્યું કે તમામ પોલીસકર્મીઓએ સ્વજનની જેમ વૃક્ષ ઉછેર્યા. 

આજે પોલીસ સ્ટેશનનું આંગણું હર્યુભર્યું બની ગયું છે. ઉશ્કેરાટમાં, વ્યથિત થઈને પોતાની ફરિયાદ લઈને આવતો અરજદાર અહીં પ્રવેશ્યા બાદ સ્વચ્છતા, હરિયાળી જોઈને બેઘડી પ્રફુલ્લિત થઈ જાય છે. અહીં કામ કરતાં પોલીસકર્મીઓ તણાવમુક્ત બન્યા છે. અને કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે,સુરત જિલ્લાનું આ એક માત્ર ઇકો ફ્રેન્ડલી પોલીસ મથક છે ત્યારે આ પોલીસ મથકની તેમજ પોલીસ કર્મીઓની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news