World Hypertension Day: ચિંતાએ ચિતા સમાન છે, કેમ લોકો બને છે હાઈપરટેન્શનનો શિકાર? જાણો બચવાના ઉપાય

Trending Photos

World Hypertension Day: ચિંતાએ ચિતા સમાન છે, કેમ લોકો બને છે હાઈપરટેન્શનનો શિકાર? જાણો બચવાના ઉપાય

અતુલ તિવારી, અમદાવાદઃ આજે વિશ્વભરમાં ''વર્લ્ડ હાયપરટેન્શન ડે''ની કરાઈ રહી છે ઉજવણી. હાયપર ટેન્શન એક એવી સમસ્યા કે જેનો શિકાર છેલ્લા કેટલાક વર્ષોથી યુવાન પુખ્તો સહિત તમામ વયજૂથના લોકોમાં જોવા મળી રહી છે. આ વર્ષે વર્લ્ડ હાયપર ટેન્શન ડેની ઉજવણી ‘મેઝર યોર બ્લડ પ્રેશર એક્યુરેટલી, કન્ટ્રોલ ઇટ, લિવ લોંગર’ એટલે કે, તમારું બ્લડ પ્રેશર સચોટતાપૂર્વક માપો, એને નિયંત્રણમાં રાખો, લાંબો જીવોની થીમ પર ઉજવવામાં આવી રહ્યો છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ-5) 2019 - 21ના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 15 થી 49 વર્ષની વયજૂથની 11% મહિલાઓ હાયપરટેન્શનની શિકાર છે, જેમાં 7% મહિલાઓ સ્ટેજ 1માં, 2% મહિલાઓ સ્ટેજ 2 અને 1% મહિલાઓ સ્ટેજ 3 હાયપરટેન્શનમાં છે. એ જ રીતે ગુજરાતમાં 15 થી 49 વર્ષની વયજૂથમાં 14% પુરુષો હાયપરટેન્શન છે, જેમાં 10% સ્ટેજ 1, 2% સ્ટેજ 2 અને 0.8% સ્ટેજ 3 હાયપરટેન્શનમાં છે. ભારતમાં 15 વર્ષ અને એનાથી વધારે વય ધરાવતી 21% મહિલાઓ અને 24% પુરુષો હાયપરટેન્શન ધરાવે છે. પુરુષો અને મહિલાઓ એમ બંને માટે વય સાથે હાયપરટેન્શન વધે છે.

તણાવ, બેઠાળું જીવનશૈલી, કસરતનો અભાવ, આલ્કોહોલ અને તમાકુનું સેવન તેમજ અનુચિત આહારને કારણે હાયપર ટેંશનના દર્દીઓમાં સતત નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. હાયપરટેન્શન એટલે હાઈ બ્લડ પ્રેશરની એવી સ્થિતિ, જેમાં રક્તવાહિનીઓનું દબાણ સતત ઊંચું રહે છે. કોઈ વ્યક્તિ 140 એમએમએચજી જેટલું કે એનાથી વધારે સિસ્ટોલિક બ્લડ પ્રેશર ધરાવે અથવા 90 એમએમએચજી જેટલું કે એથી વધારે ડાઇસ્ટોલિક બ્લડ પ્રેશર ધરાવે તો તેને હાયપરટેન્શન ધરાવતી વ્યક્તિ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. ડૉક્ટર્સના જણાવ્યા મુજબ, શરીરના વજનનો સીધો સંબંધ હાયપરટેન્શન સાથે છે અને મેદસ્વી લોકોમાં હાયપરટેન્શનનું વધારે જોખમ જોવા મળે છે.

હાયપરટેન્શન કાર્ડિયોવાસ્ક્યુલર રોગો, કિડનીની લાંબી બિમારીઓ અને મગજ સાથે સંબંધિત બિમારીઓ માટે પણ મુખ્ય જોખમકારક પરિબળ છે. ઉપરાંત આ દુનિયાભરમાં અકાળે થતા મૃત્યુનું પણ મુખ્ય કારણ છે. કોરોના મહામારીને કારણે અનેક દર્દીઓ હાયપર ટેન્શનના શિકાર પણ બન્યા. હાયપર ટેન્શનથી બચવા બ્લડ પ્રેશર પર અવારનવાર નજર રાખવા ઉપરાંત નિયમિત કસરત, ફળફળાદિનું સેવન અને આહારમાં મીઠાનું ઓછું સેવન કરવું ખૂબ જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news